શિવ અને સતીનો વિવાહ : જાણો કેમ લગ્ન પછી શિવ બ્રહ્માજી પાછળ ત્રિશુળ થઈને ભાગ્યા

0
1248

બ્રહ્માજી બોલ્યા : હું શિવજીની પાસે પહોંચ્યો. સદાશિવે સતીની પ્રેમપૂર્ણ વાતો પૂછી અને દક્ષનો વિચાર પણ પૂછ્યો; ત્યારે મેં સાંત્વના આપતાં કહ્યું : “તમારું કાર્ય સિદ્ધ થશે. મારા પુત્ર દક્ષે પોતાની પુત્રી તમને આપવાનો સંકલ્પ કરી લીધો છે. હવે તમે શુભ મુહૂર્ત તથા લગ્નનો વિચાર કરી તેમના ઘરે આવીને પાણિગ્રહણ કરો.”

વિષ્ણુ પણ સ્મરણ કરતા ગરુડ સાથે આવી ગયા. મારા બધા મારા મરીચિ આદિ પુત્ર પણ ઉપસ્થિત થઇ ગયા. પછી ચૈત્ર શુક્લ ત્રયોદશીને ફાલ્ગુની નક્ષત્રમાં શિવજીએ રવિવારે વરયાત્રાનું પ્રસ્થાન કર્યું. માર્ગમાં તેમની ખુબ મોટી શોભા હતી. દેવતાઓ અને ગણોએ મોટો ઉત્સવ મનાવ્યો. નંદીશ્વર પર આરૂઢ થઇ શિવજી શીઘ્ર જ દક્ષના ઘરે પહોંચ્યા.

દક્ષે વિધિ સહિત શિવજીની પૂજા કરી અને શુભ લગ્નમાં શિવાજી માટે સતીનું કન્યાદાન કર્યું. શિવજીએ સર્વાંગ સુંદરી ભગવતી સતીજીનું પાણિગ્રહણ કર્યું. બધા દેવ, કિન્નરો તથા મુનિઓએ શિવજીની સ્તુતિ કરી. નૃત્યગાન આદિથી મોટો ઉત્સવ મનાવ્યો હતો.

શિવ અને સતીએ મારી આજ્ઞાથી અગ્નિની પ્રદક્ષિણા કરી, નૃત્યાદિનો ઉત્સવ થયો. શિવની માયાએ દેવ-મનુષ્ય આદિ બધાને મોહિત કરી દીધા. હું પણ મોહિત થઇ ગયો. વિવાહના સમયે હું સતીને જોઈને કામાસક્ત થઇ ગયો. હું સતીનું મુખ જોવાની ઈચ્છા કરવા લાગ્યો. પરંતુ પતિવ્રતા સતીએ પોતાનું મુખ ઢાંકી રાખ્યું હતું. મેં યજ્ઞાગ્નિમાં ભીનાં લાકડાં દ્વારા ધુમાડો કરીને અંધકાર કરી દીધો અને સતીનું મોં પડદો ઉપાડીને જોઈ લીધું.

તે સમયે કામાસક્ત મારા વિર્યનાં ચાર ટીપાં પૃથ્વી પર પડી ગયાં. આ મેં છુપાવ્યું, પરંતુ શિવે ત્રીજી નેત્રથી આ બધું જોઈ લીધું અને તે ક્રોધ કરીને ત્રિશુળથી મને મારવા દોડ્યા અને મને ક્રોધ કરીને બોલ્યા : “હે પાપાત્મા ! તેં આ નિંદિત કાર્ય શું કર્યું? વિવાહના સમયે મારી સ્ત્રીનું મુખ અનુરાગપૂર્વક જોયું.” વિષ્ણુના સમજાવવા છતાં તેમણે કહ્યું : “આ પાપાત્માને હું મારી નાખીશ. તેમને સતીને કામદ્રષ્ટિથી કેમ જોયાં? તેનો વીર્યપાત પણ થઇ ગયો. હું આ અપરાધીનો વધ કરીશ.” શિવજીના આમ કહેવાથી બધા દેવ કંપી ઉઠ્યા.

આ સમયે વિષ્ણુએ શિવજીની સ્તુતિ કરી. આ રીતે વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા : હે ઈશ ! આપણે ત્રણે દેવતાઓ તમારું જ રૂપ છે. ના બ્રહ્મા તમારીથી ભિન્ન છે અને ના હું પણ. હે સર્વજ્ઞ ! તમે બધું જ જાણો છો. તમે શિવ જ અનંત અને સર્વરૂપ છો.” વિષ્ણુના આ રીતે કહેવાથી શિવજીએ મને માર્યો નહિ. પછી મહાદેવજી પ્રસન્ન થઇ ગયા.

પછી બ્રહ્માજીએ અનેકવિધ સ્તોત્રોથી શંકરની સ્તુતિ કરી, ને તેમના પાપના બદલામાં શિક્ષા કરવા વિનવ્યા. ત્યારે શંકરે કહ્યું : “તમે નિર્ભય થઇ પોતાના હાથ વડે મસ્તકનો સ્પર્શ કરો.” બ્રહ્માજીએ તે પ્રમાણે કર્યું, ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર નંદી પર બિરાજેલા શંકરને જોયા. શંકરે કહ્યું : “હે બ્રહ્માજી ! તમારામાં મેં પ્રવેશ કરેલો સ્વરૂપે તમે મારી આરાધના કરજો. તમને લોકો રુદ્રશિર કહેશે. તમે મારુ વિવાહકાર્ય પૂરું કરી આપ્યું, હવે તમે દક્ષિણ અધિકારી બન્યા છો. બોલો, હું તમને શું આપી શકું?”

બ્રહ્માજીએ કહ્યું : હે સદાશિવ ! હું એવું માંગુ છું કે ચૈત્ર સુધી તેરસને રવિવારના દિવસે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય, તેવે વખતે જે કોઈ આપનાં દર્શન કરે, તેનાં સર્વ પાપો નાશ પામે.” શિવજીએ ‘તથાસ્તુ’ કહ્યું. દક્ષે સ્તુતિ કરી. શિવ-સતીને વિદાય આપી. સર્વએ શિવગણનો જય જયકાર કર્યો. શિવજી સતીને લઇ પોઠિયા પર બેસી દેવગણો સહિત કૈલાસ પહોંચી, બધા દેવોનું યોગ્ય સન્માન કરીને તેમને વિદાય આપી.