વાંચો શિવ તાંડવ સ્તોત્રમનો ગુજરાતી અનુવાદ.

0
4104

જટાજૂટ જટા બની, વિશાળ વન ઘટા ઘનિ, પવિત્ર ગંગ ત્યાં વસી, ગરલ કંઠ પલાળતી

સર્પ જ્યાં અનેક માપ, ડમરુ નાદ પ્રચંડ થાપ, તાંડવ શિવ નાચતાં, કૃપા કરો કૃપા કરો..૧

કોચલી જટા મહીં, ગંગ ત્યાં ભમે ઘણી, ચંચલ જલ ધાર થી, શિવ શીશ પખાળતી

ધધકી રહી અગન જ્વાળ, શિવ શિરે ચમકદાર, શોભે ત્યાં ચંદ્ર બાળ, કૃપા કરો સદા કાળ..૨

નગાધિરાજ નંદિની, વિલાસ સંગ આનંદીની, કરે કૃપા દયાળ તો, ભીડ ટળે ભક્તની

દિગંબરા જટા ધરા, લગાવું ચીત શિવ ચરણ, ભભૂત નાથ ભવ તરણ, પ્રફુલ્લ ચિત તવ શરણ..૩

શોભે જટા મણીધરો, પ્રકાશ પુંજ ફણીધરો, દિશા બધી પ્રકાશતી, કેસર વરણી ઓપતી,

ગજ ચર્મ શોભતાં, સર્વ પ્રાણી રક્ષતાં, મન વિનોદિત રહે, શિવ કેરા શરણમાં..૪

સહસ્ત્ર દેવ દેવતા, ચરણ કમલને સેવતા, ચડાવી માથે ચરણ ધૂલ, પંકજ પદ પૂજતા.

શોભતા ભુજંગ જ્યાં, ચિત રહે સદાય ત્યાં, કૃપાળુ ચંદ્ર શેખરા, આપો સદાએ સંપદા..૫

ગર્વ સર્વ દેવના, ઉતારવા અહમ્ સદા, કર્યો ભસ્મ કામને, જે રૌદ્ર રૂપ આગથી.

સૌમ્ય રૂપ શંકરા, ચંદ્ર ગંગ મુકુટ ધરા, મૂંડકાની માળ ધરી, સંપત્તિ દેજો ભરી..૬

જે કરાલ ભાલ જ્વાલના, પ્રતાપ કામ ક્ષય થયો, ઇંદ્ર આદી દેવનો, મદ તણો દહન ભયો.

ગિરજા સુતાના વક્ષ કક્ષ, ચતુર ચિત્રકારના, ચરણ કમલ શિવ ના, શરણમાં ચીતડું રહે..૭

નવીન મેઘ મંડળી, આંધી જઈને કંઠ ભળી, હાથી ચર્મ શોભતાં, ચંદ્ર ગંગ શિર ધરી

સકળ જગના ભારને, સહજમાં સંભાળતા, અમ પર ઉપકાર કર, સંપત્તિ પ્રદાન કર..૮

નીલ કમલ સમાન કંઠ, પૂર્ણ પ્રકાશિત કંધ, કાપો સકળ સૃષ્ટિ દુખ, ગજાસુર હંતા.

વિધ્વંસ દક્ષ યજ્ઞ કર, ત્રિપુરાસુર હનન કર, અંધકાસુર કામ હર્તા, નમૂ ભગવંતા..૯

કલ્યાણ કારી મંગલા, કળા સર્વ ભ્રમર સમા, દક્ષ યજ્ઞ ભંગ કર, ગજાસુર મારી

અંધકાસુર મા રનાર, યમના પણ યમરાજ, કામદેવ ભસ્મ કર્તા, ભજું ત્રિપુરારિ..૧૦

વેગ પૂર્ણ સર્પના, ત્વરિત ફૂંકાર ફેણના, ધ્વનિ મધુર મૃદંગના, ડમરુ નાદ ગાજે

અતિ અગન ભાલમાં, તાંડવ પ્રચંડ તાલમાં, શોભે શિવ તાનમાં, સદા શિવ રાજે..૧૧

જે પથ્થર કે ફૂલમાં, સર્પ મોતી માળમાં, રત્ન કણ કે રજ મહી, અંતર નહીં આણે

શત્રુ કે સખા વળી, રાજા પ્રજા કમલ કથીર, ગણતા સમાન શિવ, જીવ ક્યારે માણે..૧૨

બનાવી ગીચ કુંજમાં, વસું હું ગંગ કોતરે, કપટ વિનાનો આપને, શિવ અર્ઘ્ય આપું.

અથાગ રૂપ ઓપતી, સુંદર શિવા શીશ લખ્યું, મંત્ર શિવ નામનું, સુખ સમેત હું જપું..૧૩

દેવાંગના ના મસ્તકે, શોભી રહ્યા જે પુષ્પછે, પરાગ ત્યાંથી પરહરી, પહોંચે શિવ દેહછે.

આનંદ અપાવે સર્વ જન, સુગંધને ફેલાવતી, અપાવતી હ્રદય મંહી, પ્રસન્નતા અપાર છે..૧૪

પાપ હો પ્રબલ ભલે, સમુદ્ર દવ સી કાપતી, સૂક્ષ્મ રૂપ ધારિણી, સિદ્ધિ દાત્રી દેવીઓ

વિવાહ પ્રસંગે શિવના, ધ્વનિ હતી જે મંત્રની, દુ:ખો મિટાવી સર્વના, વિજય અપાવે દેવીઓ..૧૫

નમાવી શીશ શિવને, સ્તવન કરેજે સર્વદા, પઠન કરે મનન કરે, ભજન કરે જે ભાવથી.

જીવ આ જંજાળ થી, મુક્તિને છે પામતો, જીવન મ રણ મટે સદા, શિવ શરણ જે રાચતો..૧૬

રાવણ રચિત આ સ્તોત્રથી, પૂજન કરે જો શિવનું, પઠન કરે જે સાંઝના, ભાતું ભરે જીવનું.

ભર્યા રહે ભંડાર સૌ, અશ્વ ગજ ને શ્રી રહે. સંપતીમાં રાચતો, ના કદી વિપદ રહે..૧૭

રચ્યું જે સ્તોત્ર રાવણે, અનુવાદ શું કરી શકું, ઉમદા અલંકારને કેદાર શું સમજી શકું

સહજ બને ભક્તને, એ ભાવથી સરળ કર્યું, પ્રેમથી પૂજન કરે, એ આશથી અહીં ધર્યું..૧૮

ઇતિ શિવ તાંડવ સ્તોત્ર અનુવાદ સંપૂર્ણ.

– સાભાર પ્રણય બારૈયા (અમર કથાઓ ગ્રુપ)