આ મંદિરમાં મહાદેવની સામે બિરાજમાન નથી નંદી, જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા.
સનાતન ધર્મમાં ભગવાન શિવને દેવોના દેવનું સ્થાન પ્રાપ્ત થયું છે, એટલા માટે જ તેમને મહાદેવ પણ કહેવાય છે. ભગવાન મહાદેવના દેશભરમાં ઘણા મંદિર છે. અને આ બધા મંદિરોમાં જ્યાં પણ ભગવાન શિવની મૂર્તિ કે શિવલિંગ રહેલા હોય છે, ત્યાં નંદી પણ જરૂર ઉપસ્થિત હોય છે. નંદી શિવગણ કહેવાય છે. તે ભગવાન શિવના પ્રિય પણ છે અને તેમનું વાહન પણ છે. એ કારણ છે કે, દેશભરમાં દરેક જગ્યાએ ભગવાન શિવના મંદિરમાં નંદી દેવતા હોવા અનિવાર્ય માનવામાં આવે છે.
પણ આપણા જ દેશ ભારતમાં એક શિવ મંદિર એવું પણ છે જ્યાં નંદી દેવતા ઉપસ્થિત નથી. સૌથી ખાસ વાત એ છે કે તે દેશનું એકમાત્ર એવું શિવ મંદિર છે જ્યાં ભગવાન શિવના પ્રિય નંદી દેવતા ઉપસ્થિત નથી. મંદિરમાં નંદી દેવતા ન હોવાની પાછળ એક કથા રહેલી છે. અને આજના આ લેખમાં અમે તમને આ અનોખા મંદિર અને આ મંદિર સાથે જોડાયેલી આ કથા જણાવવાના છીએ, જેના કારણે જ અહિયાં નંદી દેવતા બિરાજમાન નથી.
કપાલેશ્વર મહાદેવ મંદિર :
મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરી નદીના કાંઠા ઉપર રહેલા આ અનોખા મંદિરનું નામ છે કપાલેશ્વર મહાદેવ મંદિર. મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે, અહિયાં નંદી દેવતા ઉપસ્થિત નથી. પુરાણોની કથા મુજબ આ સ્થળ ઉપર ભગવાન શિવે વાસ કર્યો હતો. આ મંદિરની કથા ભગવાન શિવની સાથે સાથે ભગવાન બ્રહ્મા સાથે પણ જોડાયેલી છે. તે ઉપરાંત આ મંદિર પાસે રામકુંડ પણ છે. માન્યતા છે કે, આ કુંડમાં ભગવાન શ્રીરામે તેમના પિતા મહારાજ દશરથની અસ્થીઓ પધરાવી હતી.
આ મંદિરની બરોબર સામે ગોદાવરી નદીની બીજી તરફ ભગવાન સુંદર નારાયણનું અતિ પ્રાચીન મંદિર રહેલું છે. દર વર્ષે અહિયાં હરીહર મહોત્સવનું આયોજન થાય છે, જ્યાં બંને મંદિરના મુખવટા ગોદાવરી નદીના કાંઠા ઉપર લાવવામાં આવે છે અને તેમનો એકબીજા સાથે મિલાપ કરાવવામાં આવે છે. શ્રાવણ અને મહાશિવરાત્રી દરમિયાન કપાલેશ્વર મંદિરમાં ઘણી ભીડ થાય છે.
આવો જાણીએ કે કપાલેશ્વર મહાદેવ મંદિરમાં નંદી દેવતા કેમ ઉપસ્થિત નથી?
કપાલેશ્વર મંદિર સાથે જોડાયેલી કથા :
પૌરાણીક કથાઓ મુજબ જગત પિતા ભગવાન બ્રહ્માના પાંચ મુખ હતા. તેમાંથી ચાર મુખ તો ભગવાનની સ્તુતિ કરતા હતા પણ ભગવાન બ્રહ્માનું એક મુખ હંમેશા દેવતાઓની નિંદા કરતું હતું. એક દિવસ ભગવાન શિવને બ્રહ્માજીના આ મુખ ઉપર ગુસ્સો આવી ગયો અને તેમણે ભગવાન બ્રહ્માના તે પાંચમાં મુખને તેમના શરીરથી અલગ કરી દીધું.
પણ તેના લીધે ભગવાન શિવ ઉપર બ્રહ્મહ તયાનું પાપ ચડી ગયું. કહેવાય છે કે ભગવાન શિવ તે પાપને દુર કરવા માટે સમગ્ર બ્રહ્માંડમાં ભટક્યા પણ ક્યાંય પણ તેમને આ પાપ માંથી છુટકારો ન મળી શક્યો. તેથી તે સોમેશ્વર ગયા.
સોમેશ્વરમાં ભગવાન મહાદેવને ગાયનું એક વાછરડું મળ્યું જેણે તેમને તે પાપ માંથી છુટકારો મેળવવાનો ઉપાય બતાવ્યો. તે વાછરડું ભગવાન શિવને ગોદાવરી નદીના કાંઠે લઇ ગયું. જ્યાં તેણે ભગવાન શિવને ગોદાવરીના કિનારે આવેલા રામકુંડમાં સ્નાન કરવાનું કહ્યું. ભગવાન શિવ દ્વારા રામકુંડમાં સ્નાન કરતા જ તેમને તે પાપ માંથી છુટકારો મળી ગયો. ભગવાન શિવની સમસ્યાનું સમાધાન કરવા વાળું આ વાછરડું કોઈ બીજું નહિ પણ નંદી દેવતા જ હતા.
નંદી દેવતાએ ભગવાન શિવને પાપ માંથી મુક્તિ અપાવવામાં મદદ કરી હતી એટલા માટે ભગવાન શિવે તેમને પોતાના ગુરુ માની લીધા. એ કારણે જ આ મંદિરમાં ભગવાન શિવે નંદી દેવતાને પોતાની સામે બેસવાની ના પાડી દીધી, કેમ કે નંદી દેવતાએ આ પવિત્ર સ્થળ ઉપર તેમના ગુરુની ભૂમિકા ભજવી હતી નહિ કે વાહનની.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.