શિવના યક્ષેશ્વર અવતારની કથા, જાણો શા માટે શિવજીએ યક્ષનો અવતાર લેવો પડ્યો.

0
448

યક્ષેશ્વર સ્વરૂપે અવતાર :

ભગવાન શિવ, શંભુ, ભોલેનાથ એવા અનેક નામથી ઓળખાતા ભગવાન શંકરની પ્રિય એવી શિવરાત્રી આવી રહી છે. અમે તમારા માટે શંકર ભગવાનના અલગ અલગ અવતારોની કથા લઈને આવ્યા છીએ, જે આપ સૌ શિવ ભક્તોને ચોક્કસ ગમશે. શંકર ભગવાનની એવી કેટલીય કથા શતરુદ્ર સંહિતામાં રહેલી છે, જે તમે ક્યારે પણ સાંભળી નહિ હોય. તો આવો આ શિવકથાનું રસપાન કરીએ.

શિવના યક્ષેશ્વર અવતારની કથા સાંભળો. સમુદ્ર મંથન સમયે જયારે સમુદ્રમાંથી વિષ નીકળ્યું, ત્યારે બધા દેવતા ભયભીત થઈને શિવાજી પાસે આવ્યા, તેમણે પોતાનું દુઃખ સંભળાવ્યું. ત્યારે દયાળુ શિવજીએ વિષપાન કરી લીધું, તેનાથી તે નીલકંઠ કહેવાયા. સમુદ્રમાંથી અન્ય રત્ન અને અમૃત પણ નીકળ્યું. તે અમૃતનું પાન માત્ર દેવતાઓએ કર્યું, પરંતુ દૈત્યોને કરવા મળ્યું નહિ. તેથી દેવ અને દાનવો વચ્ચે પ્રચંડ યુદ્ધ થયું. રાહુના ભયથી ચંદ્ર શિવજીના શરણમાં આવ્યા. શિવે તેમને પોતાના મસ્તક પર ધારણ કરી લીધા.

દેવો દાનવોના યુદ્ધમાં અમૃત પીધા પછી દેવતા વિજયી થયા. તેથી તેમને ભારે અહંકાર થઇ ગયો. તે દૈત્યબળને નગણ્ય સમજીને પોતાના પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે શિવજી તેમનો મદ દૂર કરવા માટે એક યક્ષના રૂપમાં ત્યાં આવ્યા. તેમણે દેવતાઓને કહ્યું, “તમે અહીં રોકાયા છો? શું વિચાર કરો છો?” ત્યારે બધા દેવતાઓ ગર્વ સહીત કહેવા લાગ્યા, “દૈત્યોને અમે પરાસ્ત કર દીધા છે. અમારા જેવા બળવાનની આગળ દૈત્યોનું બળ તુચ્છ છે.” આમ કહેવા લાગ્યા.

તેથી યક્ષે કહ્યું, “દેવતાઓ! તમારો ગર્વ મિથ્યા છે. તમારો નિર્ણાયક બીજો છે. તમે પોતાના પ્રભુ મહાદેવને ભૂલી ગયા છો. જો તમને તમારા બળ ઉપર અભિમાન છે તો હું એક તણખલું સ્થાપિત કરું છું. તમે એને ઉખાડીને ફેંકી દો, અથવા તો તમે તમારા અસ્ત્રોથી એને કાપી દો.” આમ કહીને યક્ષે એક તણખલું સ્થાપિત કર્યું.

ઇન્દ્ર, સૂર્ય, અગ્નિ, વરુણ આદિ બધા દેવતાઓએ પોતપોતાના અસ્ત્રોનું જોર લગાવ્યું, પણ એ તણખલું દૂર ન થયું કે કપાયું નહિ. આથી આકાશવાણી થઇ કે “દેવતાઓ, આ યક્ષ રૂપમાં સ્વયં મહાદેવજી છે. તેઓ તમારા બધાના ગર્વનો નાશ કરવા આવ્યા છે.” આ સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા અને યક્ષેશ્વર મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. આ રીતે શિવજીએ લીલા કરી. બોલો ૐ નમઃ શિવાય.

તમે હવે પછી શિવજીના કયા અવતારની કથા સાંભળવા માંગો છો, તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, અમે ચોક્કસ પ્રયત્ન કરીશું કે હવે પછીની કથા તમારા દ્વારા જણાવેલ હોય એ શિવ અવતારની લાવીએ. બોલો ૐ નમઃ શિવાય.