કદરુપી છોકરીને પતિ ન મળવાના કારણે કરી એવી ભક્તિ કે શિવ પર્વતીને કરવું પડ્યું આ કામ.

0
483

એ હતી સાવ કદરુપી.. પણ નામ હતું રુપી.. કાળીભઠ ચામડી, ત્રાંસા અખડાબખડા દાંત, ને આંખે, નાકે જરાય નમણાઈ નહીં… અને એ કારણે જ એ કુંવારી રહી ગઈ..

માં હતી, ત્યાં સુધી વાત કરનાર હતું, પણ એના મર્યા પછી ઘરમાં વાત કરનાર પણ કોઈ ના રહ્યું…

“જેવા નસીબ..” એમ માની એણે એકલતા સ્વિકારી લીધી.. અને વાત કરવાનો ઉપાય શોધી લીધો…

વાડામાંથી કડબનો પૂળો લાવી ખાટલામાં સુવડાવ્યો.. ઓસીકું રાખ્યું.. ગોદડું ઓઢાડ્યું , બોલી “એ.. આ મારો વર..” અને પછી ગાવા લાગી..

છે કડબનો પૂળો, મારું મન રાજી છે..

વર મુછાળો મૂળો, મારું મન રાજી છે..

આજ દિવસ રુડો, મારું મન રાજી છે..

મારો અખંડ ચુડો, મારું મન રાજી છે..

ને.. પછી તો, એ ઘરમાં કામ કરતી જાય.. ને પૂળા મૂળા વર સાથે વાતો કરતી જાય..

“હું બહાર જાઉં છું, ઘરનું ધ્યાન રાખજો..” “આજે શેનું શાક બનાવું ?..” “તમને ટાઢ વાય તો કહેજો.. બીજું ગોદડું ઓઢાડું..”

રુપી ફળીયું વાળતી વાળતી ગાતી હતી.. ” છે કડબનો પૂળો , મારું મન રાજી છે..”

એવામાં શંકર અને પાર્વતિ ફરવા નિકળ્યા.. રુપીનું દુ:ખ જોઈ , પાર્વતીને દયા આવી.. એણે હઠ કરી કે “ભગવાન.. આનું દુ:ખ દુર કરો..”

બન્ને બ્રાહ્મણ બ્રાહ્મણીનું રુપ લઈ ડેલીએ આવ્યા.. રુપીને કહ્યું..

“બાઈ અમે ભૂખ્યા છીએ.. તારા ધણીને પુછીને અમને ભોજન કરાવ..”

રુપી અંદર જઈને બોલી..” એય.. સાંભળો .. આપણે ઘરે અતિથિ આવ્યા છે.. શીરો પુરી ખવડાવું ને..?”

એમ કહી રસોઈ આદરી.. શીરો પુરી બનાવી નાખ્યા..

બ્રાહ્મણે વાત કરી કે “મારે નિયમ છે કે મને પુરુષ ઘરધણી પીરસે, તો જ ખવાય.. તારા વરને કહે કે મને થાળી પીરસે..”

રુપીની આંખમાં આંસુ આવી ગયા..

તત્કાળ શંકર પાર્વતિ સાચા રુપમાં આવી ગયા..

“બાઈ , તારી પતિભક્તિ, પ્રેમ અને ભોળપણથી અમે પ્રસન્ન થયા છીએ.. તારાં બધા દુ:ખ દુર થશે..”

પાર્વતિએ રુપીને રુપ આપ્યું.. શંકરે કડબના પૂળાના મૂળાને જીવ આપ્યો..

“બાઈ જા , તારા ધણીને બહાર બોલાવી લાવ..”

રુપી અંદર ગઈ… ઓઢાડેલ ગોદડું આઘું કર્યું.. મરદ મુછાળા સોહામણા ધણી મૂળાને જોઈ રાજી રાજી થઈ ગઈ..

અરીસામાં જોયું.. તો પોતે પણ રુપનો અંબાર થઈ ગઈ હતી..

બેય બહાર આવ્યા.. જોયું તો શંકર પાર્વતિ અંતર ધ્યાન થઈ ગયા હતા.. રુપી હસતી હસતી ગાવા લાગી..

હતો કડબનો પૂળો, મારું મન રાજી રે..

મળ્યો મુછાળો મૂળો, મારું મન રાજી રે..

આજ દિવસ રુડો, મારું મન રાજી રે..

મારો અખંડ ચુડો, મારું મન રાજી રે..

– જયંતીલાલ ચૌહાણ 20-05-21

બચપણમાં સાંભળેલ વાર્તા પરથી..