શિવના સુરેશ્વર અવતારની કથા, જેમાં સમાયેલો છે શિવનો ચમત્કારિક પંચાક્ષર મંત્ર.

0
786

સુરેશ્વર સ્વરૂપે અવતાર :

ભગવાન શિવ, શંભુ, રુદ્ર, મહાકાલ, ગંગાધર, સોમેશ્વર, ભોલેનાથ એવા અનેક નામથી ઓળખાતા ભગવાન શંકરની પ્રિય એવી શિવરાત્રી આવી રહી છે. અમે તમારા માટે શંકર ભગવાનના અલગ અલગ અવતારોની કથા લઈને આવ્યા છીએ, જે આપ સૌ શિવ ભક્તોને ચોક્કસ ગમશે. શંકર ભગવાનની એવી કેટલીય કથા શતરુદ્ર સંહિતામાં રહેલી છે, જે તમે ક્યારેય પણ સાંભળી નહિ હોય. તો આવો આ શિવકથાનું રસપાન કરીએ.

શિવના સુરેશ્વર સ્વરૂપની કથા સાંભળો. નંદીશ્વર બોલ્યા : હે તાત ! વ્યાઘ્રપાદનો પુત્ર ઉપમન્યુ જે કેટલાય જન્મોથી પુત્ર થઈને આ જન્મમાં ફરી કુમારપને પ્રાપ્ત થયો. દૈવવશ અત્યધિક દરિદ્ર થઈ ગયો. તેથી માતાના ઘરે તેમને થોડું દૂધ પીવા મળતું હતું. તે વારંવાર પોતાની માતા પાસે દૂધ માંગતો હતો. માતાએ બાળકનું મન રાખવા માટે ઘરની અંદર જઈને કણોના બચેલા બીજને વાટીને પાણી મેળવીને કૃત્રિમ દૂધ એમને પીવા દીધું. પરંતુ બાળક ઉપમન્યુએ એ પીધું નહિ અને કહ્યું : માં ! આ દૂધ નથી.”

તો વાત્સલ્યમયી માતાએ તેને ખોળામાં બેસાડીને કહ્યું : બેટા ! આપણે વનવાસીઓ પાસે દૂધ ક્યાં હોય? પૂર્વજન્મમાં જેવું કર્મ કર્યું હોય, તેવું ભોગવી રહ્યા છીએ. હવે શિવજીની કૃપાથી દૂધ મળી શકે છે.” માતાના આવાં દુઃખી વચનો સાંભળીને બાળક ઉપમન્યુ બોલ્યો : “માં ! શોક ન કર. જો શિવ કલ્યાણ કરનાર છે, તો કલ્યાણ થશે. જો મહાદેવજી ક્યાંક છે, તો તેઓ શીઘ્ર અથવા મોડું અવશ્ય દૂધ તો આપશે જ. હું એમની કૃપા માટે એમની તપસ્યા કરીશ.” એવું કહીને માતાને પ્રણામ કરીને તે હિમાલય પર જઈ પંચાક્ષર મંત્ર (નમ: શિવાય) જપવા લાગ્યો.

તેના નિત્ય પૂજન અને પંચાક્ષર જપવાથી ત્રણે લોક પ્રદીપ્ત થવા લાગ્યું. બાળક પાસે શિવજી પાર્વતી સાથે ઇન્દ્ર અને ઈન્દ્રાણીનું રૂપ ધારણ કરી ઐરાવત હાથી પર સવાર થઈને આવ્યાં. તેને કહેવા લાગ્યાં : “તું વરદાન માંગ. હું ત્રણે લોકોનો રાજા, દેવતાઓનો સ્વામી ઇન્દ્ર છું. તું નિર્ગુણ રુદ્રને પૂજશે તો દેવજાતિમાંથી કાઢી દેવામાં આવશે તેમજ પિશાચ બનાવી દેવામાં આવશે.

આ સાંભળીને ઉપમન્યુ તેને પોતાના તપમાં વિઘ્ન સમજીને પુન: જપ કરવા લાગ્યો. તેણે ઇન્દ્રને કહ્યું : “તમે રુદ્રને જાણતા નથી. તે દેવતાઓના સ્વામી છે. હું સારી રીતે જાણું છું કે શિવથી કોઈ તત્વ મોટું નથી. તમે અહીંયા એમની નિંદા ના કરો. તમારી પાસે તો શું, હું બ્રહ્મા વિષ્ણુ પાસેથી પણ વરદાન ઈચ્છતો નથી. પરંતુ હવે જો તમે મારા સામે શિવજીની નિંદા કરશો તો તમને ભસ્મ કરી દઈશ.’ એણે ભસ્મ ઉઠાવીને તેને અઘોર મંત્રથી અભિમંત્રિત કરી ઇષ્ટદેવના યુગલ ચરણોનું ધ્યાન કરી તરત ઈંદ્ર ઉપર છોડી દીધું.

પરંતુ તેઓ તો સાક્ષાત શંકર ભગવાન હતા. તરત જ પ્રગટ થઇ ગયા. તે બાળકને હજારો દૂધ, દહીં, અન્ન આદિના સમુદ્ર તથા ભંડાર ત્યાં જ બતાવ્યા. બાળકે તેમને ‘આવો આવો’ કહીને દંડવત કર્યા. માતા પાર્વતીજીએ તેને ખોળામાં લઈને કુમારની જેમ લાડ કર્યા. તેમને પોતાનો અક્ષયકુમાર બનાવ્યો. એણે શિવની ભક્તિ માંગી. શિવજીએ તેને અજર અમર ભક્તિ આપી.

આ સમાચાર એણે માતાને પ્રણામ કરી કહ્યા. માતા ખુબ પ્રસન્ન થઈ. તે જ ઉપમન્યુ શિવકૃપાથી બધાનો પૂજ્ય બની ગયો. આ રીતે શિવે ઉપમન્યુ માટે સુરેશ્વર ઇન્દ્રનો અવતાર લીધો હતો. આ રીતે શિવજીએ લીલા કરી. બોલો ચમત્કારી મંત્ર ” ૐ નમઃ શિવાય”