શિવજીની ત્રીજી આંખના રહસ્ય અને મહત્વ બંને વિષે જાણવા વાંચો આ લેખ.
ભગવાન શિવની દરેક મૂર્તિમાં તેમના મસ્તક પર એક આંખ જોવા મળે છે. તેને ભગવાન ભોલેનાથની ત્રીજી આંખ કહેવામાં આવે છે. ભગવાન શિવના મસ્તક પર ત્રીજી આંખ છે, એટલા માટે તેમને ત્રિલોચન પણ કહેવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે શિવજીને આ ત્રીજી આંખ કઈ રીતે મળી? આ ઘટનાની પાછળ એક કથા પ્રચલિત છે, જેમાં શિવજીની ત્રીજી આંખનું રહસ્ય અને મહત્વ બંને ખબર પડે છે.
એક સમયની વાત છે, ભગવાન શિવ કૈલાશ પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે દેવી પાર્વતી ત્યાં આવ્યા. દેવી પાર્વતીને મજાક કરવાનું મન થયું અને તેમણે પોતાના બંને હાથથી પોતાના પતિ શિવની આંખો ઢાંકી દીધી. દેવી પાર્વતીને જરા પણ અંદાજો ન હતો કે, તેમના આ મજાકનું શું પરિણામ આવશે?
પાર્વતીજીએ જેવી જ ભગવાન શિવની આંખો ઢાંકી કે સમગ્ર સૃષ્ટિમાં અંધારું છવાઈ ગયું. દરેક લોકો અંધારાથી ગભરાઈ ગયા. લોકોની આ હાલત શિવજીથી છુપાઈ શકી નહિ, અને તેમણે પોતાના મસ્તક પર વધુ એક આંખ ઉત્પન્ન કરી લીધી. ભગવાન શિવજીની ત્રીજી આંખ ખુલતા જ સમગ્ર સૃષ્ટિમાં અજવાળું થઈ ગયું. ત્યારથી શિવજીની ત્રીજી આંખને પ્રકાશ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે.
ભગવાન શિવ આ ઘટના પછી પાર્વતીજીને જણાવે છે કે, તેમની બે આંખો સમગ્ર સૃષ્ટિની પાલનહાર છે અને ત્રીજી આંખ પ્રલયનું કારણ. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે, જયારે પણ ભગવાન શિવ પોતાની ત્રીજી આંખ ખોલશે, ત્યારે સંસારે વિનાશનો સામનો કરવો પડશે.
આ માહિતી મોમજંકશન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.