આ જગ્યા પર થયા હતા શિવજીના લગ્ન, અહીં આવેલા કુંડમાં સ્નાન કરવાથી સંતાનહીનતાથી મુક્તિ મળે છે.

0
1051

શિવ વિવાહ :

ત્રિયુગી નારાયણ એ વિષ્ણુ ભગવાનનું એક પ્રાચીન વિશાળ મંદિર છે, જે ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે. ત્રિયુગી નારાયણ સોનપ્રયાગથી આશરે ૪ કિ.મી. જેટલા અંતરે આવેલું છે, તેમજ ત્યાંથી કેદારનાથ ૨૮ કિ.મી. ના અંતરે આવેલું છે.

એવી એક પૌરાણિક માન્યતા છે કે અહિં વિષ્ણુ ભગવાનની સાક્ષીએ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતાં. અહિં મંદિરની સામે એક ધૂણી આવેલી છે જે શિવ વિવાહ કાળથી સતત પ્રજ્વલીત છે. ને એવી વાયકા પણ છે, ભકતો અહીં હવન કરી શકે છે.

અહિં નારાયણની નાભિમાંથી જળ નીકળીને આસપાસ આવેલા ચાર કુંડમાં જાય છે. આ કુંડ બ્રહ્મકુંડ, રુદ્રકુંડ, વિષ્ણુકુંડ અને સરસ્વતીકુંડના નામથી ઓળખાય છે.

શિવરાત્રિ તે પવિત્ર દિવસ છે, જે દિવસે ભગવાન શિવ-પાર્વતીના લગ્ન થયા હતાં. ભગવાન શિવના વિવાહને લઇને ઘણાં પ્રકારની કથાઓ અલગ-અલગ ગ્રંથોમાં પ્રચલિત છે.

એવી માન્યતા છે કે, ભગવાન શંકરે હિમાલયના મંદાકિની ક્ષેત્રના આ ત્રિયુગીનારાયણમાં માતા પાર્વતિ સાથે વિવાહ કર્યા હતાં. તેનું પ્રમાણ એ છે કે, અહીં પ્રગટેલી અગ્નિની જ્યોતિ જે ત્રેતાયુગથી નિરંતર પ્રગટી રહી છે. એવું કહેવામાં આવે છે કે, ભગવાન શિવે માતા પાર્વતી સાથે આ વેદીની સામે વિવાહના ફેરા ફર્યા હતાં.

હિન્દુ પૌરાણિક ગ્રંથો મુજબ પાર્વતી હિમાવત અથવા હિમાવનની પુત્રી હતી. પાર્વતીના સ્વરૂપમાં સતીનો પુનર્જન્મ થયો હતો. પાર્વતીએ કઠોર ધ્યાન અને સાધનાથી શિવનું મન જીત્યું હતું.

જે સ્થાન પર માતા પાર્વતીએ સાધના કરી તે સ્થાનને ગૌરી કુંડ કહેવામાં આવે છે. જે શ્રદ્ધાળુઓ ત્રિયુગીનારાયણ જાય છે, તેઓ ગૌરીકુંડના પણ દર્શન કરે છે. પૌરાણિક ગ્રંથ જણાવે છે કે, શિવજીએ ગુપ્ત કાશીમાં માતા પાર્વતીની સામે વિવાહનો પ્રસ્તાવ રાખ્યો હતો. ત્યાર પછી તે બંન્નેના વિવાહ ત્રિયુગીનારાયણ ગામમાં મંદાકિની અને સોનગંગાના મિલન સ્થળ પર સંપન્ન થયા હતાં.

 

અહીં શિવ પાર્વતીના વિવાહમાં વિષ્ણુએ પાર્વતીના ભાઇ સ્વરૂપમાં બધા જ રિવાજોનું પાલન કર્યું હતું. જ્યારે બ્રહ્મા આ વિવાહમાં પુરોહિત બન્યા હતાં. તે સમયે બધા જ સંત-મુનિઓએ આ સમારોહમાં ભાગ લીધો હતો.

વિવાહ પહેલાં બધા જ દેવતાઓએ અહીં સ્નાન પણ કર્યું અને આ માટે જ અહીં ત્રણ કુંડ બન્યા છે જેને રૂદ્ર કુંડ, વિષ્ણુ કુંડ અને બ્રહ્મા કુંડ કહેવામાં આવે છે. આ ત્રણ કુંડમાં જળ સરસ્વતી કુંડથી આવે છે.

સરસ્વતી કુંડનું નિર્માણ વિષ્ણુની નાભીમાંથી થયું હતું અને આ માટે જ એવી માન્યતા છે કે, આ કુંડમાં સ્નાન કરવાથી સંતાનહીનતાથી મુક્તિ મળે છે.

દર વર્ષે કેદારનાથ ધામ મે થી ઓક્ટોબર મહિનાની વચ્ચે સામાન્ય દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવે છે. બાકીના સમયમાં અહીંનું વાતાવરણ પ્રતિકૂળ રહે છે.

અહીં પહોંચવા માટે હેલિકોપ્ટરથી પણ યાત્રા કરી શકાય છે. આ સિવાય અહીં પહોંચવા માટે બસ માર્ગથી યાત્રા કરવી પડે છે.

કેદારનાથ ધામ દર્શન કરવા માટે ભારતના કોઇપણ શહેરથી ટ્રેન દ્રારા હરિદ્વાર અથવા ઋષિકેશ પહોંચી શકાય છે. હરિદ્વારથી કેદારનાથ ધામ પહોંચવા માટે આવાગમનના ઘણા સાધન ઉપલબ્ધ થઇ શકે છે. રાજેશ ખન્નાની લોકપ્રિય ફિલ્મ ‘રોટી’નુ ચિત્રાંકન પણ અત્રે થયેલુ.

વાચેલી નોંધના આધારે રૂબરૂ મુલાકાત ૧૧/૦૯/૨૦૧૭

– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)