ફળવાળાએ કર્યું એવું કામ કે કેમ કપડાંની દુકાનના માલિકને મનોમન શરમનો અનુભવ થયો.

0
813

માથે તહેવાર હતો, એટલે આજે રવિવારે પણ અડધો દિવસ બજાર ખુલી હતી.. સુભાષભાઈને બાળકોના કપડાંની દુકાન હતી.. જે હવે બેય દિકરા જ ચલાવતા.. પણ આજે મોટાને બહાર જવાનું થયું, એટલે મદદ કરવા એ દુકાને ગયા હતા..

બપોરે પાછા આવતી વખતે, રસ્તામાંથી દ્રાક્ષ, દાડમ અને સફરજન છોકરાંઓ માટે લેતા આવ્યા.. છોકરાં યે પુરા છ.., બે મોટાના .. બે નાનાના.. ને વેકેસનમાં આવેલી વચેટ દિકરીના બે..

રોજની જેમ જમીને આરામમાં ગયા પછી ચારેક વાગ્યે ઉઠ્યા.. ત્યાં ધીંગામસ્તી વાળું ટોળું આવી ગયું.. સુભાષભાઈએ ભાતભાતની માંગણીઓ અને ઉતાવળ વચ્ચે.. કોઈને સફરજન સુધારી આપ્યું.. કોઈકને દાડમના દાણા કાઢી દીધા..

ખાવાનું પુરું થયું.. પાછળથી ગળે ટીંગાઈને રમત કરતી ચકુડીએ કહ્યું..

“દાદા.. આજે શેની વારતા કહેશો..?”

“જુઓ.. શાંતિથી બેસો.. આજે રાજા કે પરીની નહીં.. પણ મારી જ વારતા કહીશ..”

“આજે સવારે.. આપણી દુકાને એક નાનો છોકરો એના પપ્પા સાથે આવ્યો.. એના જન્મદિવસ માટે કપડાં લીધા.. પૈસા દેવા આવ્યા ત્યારે એના પપ્પા પાસે પચાસ રુપિયા ઓછા નિકળ્યા.. એટલે મેં કહ્યું કે .. ‘તમે ઓળખીતા પાસેથી પૈસા લઈ આવો.. હું આ પેકેટ અહીં રાખું છું.. દુકાન બપોર સુધી ખુલ્લી છે’ .. કલાક પછી એ પૈસા આપી પેકેટ લઈ ગયા..

“પછી શું થયું.. એ કહું.. દુકાનેથી હું આવતો હતો.. રસ્તામાં ફળવાળાની લારી જોઈ.. એટલે મન થયું.. કે લાવ છોકરાંઓ માટે લેતો જાઉં.. મેં દ્રાક્ષ , દાડમ અને સફરજન લીધાં.. ખીસ્સામાં જોયું.. તો પાકીટ ના મળે.. દુકાને ભૂલાઈ ગયું હતું.. મેં ફળની થેલી પાછી આપી.. એટલે ફળવાળાએ કહ્યું.. ‘દાદા.. પૈસા ભૂલાઈ ગયા હોય, તો કાલે આપી જજો.. હું કાયમ અહીં જ લારી રાખું છું’…. ને.. હું તમારા માટે આ ફળ લઈ આવ્યો.

એમ કહી એણે વાત પુરી કરી.. અને છોકરાંઓને પુછ્યું..

“બોલો છોકરાંવ.. હું સારો માણસ કહેવાઉં.. કે ફળવાળો..?”

સૌ એકી સાથે બોલ્યા .. “ફળવાળો..”

ત્યાં રાજલ બોલી..”નાનાબાપા.. અમારી ટીચર કહે છે કે .. ‘આપણાથી ભૂલ થઈ જાય તો, ભગવાન પાસે માફી માંગી લઈએ.. તો એ માફ કરી દે.. ને આપણને સારા માણસ બનાવી દે’ .. મને એ ગીત ગાતાં આવડે છે.. ગાઉં..?”

એ પલોંઠી વાળીને બેસી ગઈ.. હાથ જોડ્યા.. આંખો મીંચી.. ને ગાવા લાગી..

“ઈતની શક્તિ હમેં દેના દાતા.. મનકા વિશ્વાસ કમજોર હો.. ના..”

બીજા છોકરાં પણ જોરજોરથી ગાવા લાગ્યા..

ત્યાં નાની વહુ ચા લઈને આવી.. આવું દ્રશ્ય જોઈ, હસતી હસતી કપ મુકીને ચાલી ગઈ..

– જયંતીલાલ ચૌહાણ 14-06-21