ત્રણ ગામને તરભેટે, ચાર-પાંચ નેસડાની વસ્તીમાં, કલાણ મામા ભેગો રહી મોટો થયો. નાનપણમાં જ મા-બાપ દુનિયામાંથી વિદાય લઈને જતા રહ્યા હતા, પણ ઘોડીયું સગપણ મામાની દિકરી દેવી સાથે કરતા ગયાં.
મામાએ હથેવાળો કરાવી દીધો. કલાણ ને દેવી પોતાને અલગ નેસડે રહેવા ગયાં. આજુ-બાજુના વાડી-ખેતરમાં બેઉ સાથે જ મજુરીએ જતા રહેતાં.
” દેવી.. તને જાંજરી બહુ ગમે ને.. પૈસા ભેગા થશે ત્યારે ઘડાવી લઈશું..” કલાણે વાત મુકી હતી.
પણ મજુરી મળે.. ના મળે.. ને પૈસા ભેગા થાય નહીં.
એક દિવસ તેણે કહ્યું ” ખેતીમાં બસો મળે.. તેમાં કાંઈ ના વળે.. પુંજાની ભઠ્ઠીએ જાઉં તો પાંચસો આપે.. મને જવા દે ને.. તારી જાંજરી થઈ જશે..”
પુંજો બાવળની કાંટમાં ડા રુની ભઠ્ઠી ચલાવતો..
દેવીએ હા પાડી..” જા.. પણ પીતો નહીં.. હો..”
મહીના ભરમાં શહેરમાં જઈ જાંજરી ખરીદી..
કલાણે કહ્યું ” અહીં જ પહેરી લે..”
દેવીએ કાનમાં કહ્યું ” અટાણે નહીં..રાતે તું જ પહેરાવજે..”
તે દિવસ રોજના ટાણે કલાણ ભઠ્ઠીએથી પાછો ના આવ્યો. રોંઢાટાણે દેવીના ભાઈએ સમાચાર આપ્ચા. ભઠ્ઠીએથી કલાણને પોલીસ પકડી ગઈ છે. છોડવા માટે પૈસા માંગે છે.
સોનીને જાંજરી પાછી આપી, તે કલાણને છોડાવી લાવ્યો.
રાતે.. પોલીસના મા રથી પીડા થતી હતી, તોય બોલ્યો..
” લાવ.. જાંજરી પહેરાવું..”
” મુઈ જાંજરી.. એણે જ તારા આ હાલ કર્યા.. હવે હું કોઈ દી જાંજરી નહીં પહેરું.. ને તું કોઈ દી ભઠ્ઠીએ જાતો નહીં..!! ”
– જયંતીલાલ ચૌહાણ ૪-૨-૧૮