પરિવાર સાથે પછી સમય પસાર કરીશું એવું વિચારવા વાળા આ આર્ટિકલ જરૂર વાંચે, ઘણી કામની વાત છે આમાં.

0
660

“બાલ્કની”

રસોડામાં થી હાથ લૂછતાં લૂછતાં સ્નેહા હજુ સોફા પર બેસવાની જ હતી, ત્યાંજ તેના પતિ સંદીપે કહયુ “સ્નેહા, તું રસોડામાં થી નવરી થઇ ગઇ હોય તો સ્મિતને સુવડાવી દે પ્લીઝ, મારે હજુ થોડું ઓફિસનું કામ કરવાનુ છે”.

સ્નેહા સોફા પર બેઘડી બેસવાનુ માંડીવાળી સ્મિતને સુવડાવવા ગઇ. સ્મિત હજુ હતો તો એકજ વરસનો, પણ ખુબ રમતિયાળ અને એકદમ મીઠો લાગે એવો.

સંદીપ એક ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતો હતો, દિવસ-રાત ટાર્ગેટ પુરા કરવામાં સ્નેહા અને સ્મિતને પૂરતો સમય આપી શકતો ના હતો અને તેનો તેને રંજ પણ રહેતો. એમના લગ્નના ૨ વરસની અંદરજ સ્મિતનો જન્મ થયો હતો એટલે પતિ-પત્નીને એકબીજા માટે ખાસ સમય ક્યારેય મળીયો નહોતો એનો વસવસો બંન્નેને હતો.

ક્યારેક સ્નેહા આ બાબતને લઈને રિસાઈ પણ જતી ત્યારે સંદીપ તેને પ્રેમથી સમજાવી મનાવી લેતો કે કંપનીમાં થોડો સરખો સેટ થઇ જાવ, એકવાર સરખું પ્રમોશન મળી જાય એટલે આપણી પાસે સમય જ સમય હશે. આ સાંભળી સ્નેહા ખુશ થઇ જતી, પણ અંદરખાને તેને ખબર હતી કે પ્રમોશન મળે એટલે આવક વધે પણ સાથે જવાબદારી પણ વધે અને જવાબદારી વધે તો સમય કેમ મળે?

સ્મિતને સુવડાવી સ્નેહા TV નુ રિમોટ લઇ સોફા પર બેઠી ત્યાંજ એની નજર સામે વાળા ફ્લેટ પર ગઈ. હંમેશા બંધ રહેતા એ ફ્લેટમાં આજ પહેલીવાર પ્રકાશ જોઈ એને લાગ્યું કે કોઈક નવું રહેવા આવ્યું લાગે છે એવુ વિચારતી પોતાની મનપસંદ સિરિયલ જોવામા મશગુલ થઇ ગઇ.

બીજે દિવસે સવારે સંદીપના ઓફિસે ગયા પછી જેવી સ્નેહા બાલ્કનીમાં કપડાં સુકાવા ગઇ કે એનું ધ્યાન સામેના ફલેટમા જ્યા પ્રકાશ જોયો હતો તેની બાલ્કનીમાં પડ્યું. એક નવયુગલ આરામથી બાલ્કનીમાં વાતો કરતા કરતા ચા-નાસ્તો કરી રહ્યા હતા. તેમને જોતાવેંત એ સમજી ગઇ કે આ લોકોજ નવા રહેવા આવ્યા લાગે છે.

એ યુગલને સવારમા સાથે આરામથી બેસી વાતો કરતા જોઈ પહેલાતો તેને આનંદ થયો , પણ પછી તરત બીજો વિચાર આવ્યો કે અમે પણ આમ બાલ્કનીમાં બેસીને આરામથી ચા-નાસ્તો કરી શકયે એટલો સમય સંદીપને ક્યારે મળશે, એ પણ વિક-ડે મા? પછી મનોમન બબડી કે મારે તો એના માટે રિટાયર્ડમેન્ટ સુધી રાહ જોવી પડશે એવું લાગે છે.

સાંજના ફરીથી સ્મિત ને સુવડાવી જેવી સોફા પર બેઠી કે સામેના ફલેટમા થી આવતા પ્રકાશમા 2 પડછાયા ડાન્સ કરતા દેખાયા. એ એકીટસે જોતી જ રહી ગઈ. બન્ને કેટલી સહજતા થી ડાન્સ કરી રહ્યા હતા, લાગે છે બન્ને ડાન્સર હશે.

એટલીવારમાં સંદીપ ત્યા આવ્યો એને જોઈ પહેલા તો ખૂબ હોશે હોશે સંદીપ ને એ યુગલ બતાવ્યું અને પછી નિસાસો નાખતા કહ્યું આપણેને આવો સમય ક્યારે મળશે? સંદીપને આ વાત લાંબી નહોતી ખેંચવી એટલે એને ટૂંકમાં પતાવ્યું કે, બસ થોડા વર્ષોમાં સરખા સેટ થઈ જઈએ એટલે સમય જ સમય છે. આટલુ કહી સ્નેહા ના જવાબની રાહ જોયા વગર એ સુવા જતો રહ્યો.

હવે સ્નેહાનુ આ રોજનું થઈ ગયું હતું. સવારે કપડાં સૂકવતી વખતે એ યુગલને તે બાલ્કનીમાં ચા પીતા જોવે અને સાંજે ડાન્સ કરતા. સ્નેહાને આ યુગલ ને જોઈને પોતાના જીવનની ખામીઓ ખૂબ ખૂચવા લાગી હતી, અંદર ક્યાંકને ક્યાંક હવે થોડી ઈર્ષા પણ થવા લાગી હતી. લગભગ આ એકાદ મહીનો ચાલ્યું હશે, ત્યા એકાએક એ યુગલની સવારની ચા અને સાંજનો ડાન્સ બન્ને બંધ થઇ ગયા. સ્નેહા નું ફરી ફરી ધ્યાન ત્યાંજ જતુ હતું. પેલા ફ્લેટમાંથી પ્રકાશ આવતો, એ યુગલ માંથી યુવતી નો પડછાયો દેખાતો પણ એ યુવક ક્યાંય ના દેખાતો. કદાચ એ બિઝનેસ ટૂરમાં ગયો હશે, કદાચ તેના માતા-પિતા ને મળવા ગયો હશે આવા અનેક અનુમાન તે કરતી.

આજે આ પાંચમી સાંજ હતી આજે પણ એ બન્ને સાથે ના દેખાયા.

હરરોજની જેમ સ્નેહા TV જોઇ સૂવા ગઇ, હજુતો નીંદર પણ નહોતી આવી ત્યાં સોસાયટી ના કમ્પાઉન્ડમાં એમ્બ્યુલન્સ નો અવાજ સંભળાયો. આટલી મોડી રાતે એમ્બ્યુલન્સ? કોને ઘરે આવી છે એ જોવા બાલ્કનીમાંથી ડોકયુ કર્યુ તો સામે ફલેટવાળા યુવક ને સ્ટ્રેઅચેરમાં સુવડાવી એમ્બ્યુલન્સ માં લઇ જતા જોયા. આ દ્રશ્ય જોય ને એને મનોમન દુઃખ થયું, તે ભલે ક્યારેય એમને મળી નહોતી છતાં એમને ઘણીવાર જોયેલા, એમના જેવી જિંદગી ની કલ્પના કરેલી, સ્વાભાવિક છે થોડું દુઃખ તો થાય જ.

બીજા દિવસે સવારે ઉઠી ફટાફટ થોડુ કામ પતાવી, સ્મિતને લઈ એ બાજુની વિંગમાં આવેલ નવયુગલના ફ્લેટ પર ગઇ, જરા હિચકિચાટ સાથે ડોર બેલ પણ વગાડી. થોડીવારમાં પેલી યુવતીએ દરવાજો ખોલ્યો, એ ક્યાંય બહાર જવા તૈયાર થઇ હોય એવું લાગ્યું. સ્નેહાએ પોતાનો પરિચય આપતા તેને કહ્યું કે તમે અહીં નવા આવ્યા લાગો છો, ગઇકાલે તમારે ત્યાં એમ્બ્યુલન્સ આવેલ એટલે થયું કે પૂછી જોવ કઈ મદદની જરૂર હોય તો. પેલી યુવતીએ સ્નેહાને અંદર આવવા કહ્યું, પછી માંડી ને વાત કરી જે સાંભળીને સ્નેહાના પગ નીચેથી જમીન સરકી ગઇ.

એ નવયુગલના થોડા મહિના પહેલાજ લગ્ન થયા હતા, લગ્ન પછી થોડાજ સમયમાં ખબર પડી કે એના પતિને કેન્સર છે. જ્યાં ગામમાં રહેતા હતા ત્યાં કેન્સરનો ઇલાઝ થઇ શકે તેમ નહોતો, એટલે મહાનગરમાં સારવાર માટે આવ્યા હતા. ડૉક્ટર ના કહેવા પ્રમાણે એના પતિ પાસે બહુ ઓછો સમય હતો એટલે એ બંનેએ નકકી કરેલ કે જેટલો સમય છે એટલો સાથે રહી મનભરીને જીવશુ. ગઈકાલ રાતે તેના પતિની તબિયત વધુ ખરાબ થતા એને હોસ્પિટલએ દાખલ કરેલ, અને અત્યારેએ ચા લઇને એના પતિ પાસેજ જતી હતી એ પણ ઉમેર્યું. એનો અવાજ ભરાયેલો હતો, જાણે હમણા ધૂસકે ધૂસકે રડી પડશે.

આ બધું સાંભળીને સ્નેહાની આંખો પણ ભીની થઇ ગયેલ, શું કહેવું શું ના કહેવું એ એને સમજાતું નહોતું. એ યુવતીને આશ્વાસન આપીએ ઘરે આવ્યા પછી એનો આખો દિવસ વિચારો ના વંટોળામાં જ પસાર થયો. સાંજે જયારે સંદીપ આવ્યો ત્યારે એને વળગી પડી. આજે એને સમજાણુ હતુ કે તેની પાસે શું છે, તે કેટલી ખુશનસીબ હતી.

આ તો એક વાર્તા છે, પણ આજકાલ હકીકત પણ કંઈક આવીજ નથી? સોશ્યિલ મીડિયામાં બીજાની વોલ પર જોયેલા ફોટા ઘણા ને પોતાના જીવનમાં રહેલ ઉણપ ની યાદ અપાવે છે, અને ધણીવાર કોઈકની જીંદગીની જગમગાટ જોઈ ઈર્ષા પણ ઉત્પન્ન કરે છે. આ વાર્તા પર થી એક વાત શીખવા જેવી છે કે જે દેખાતું હોય એવું જ હોય એ જરૂરી નથી. હસતા ચહેરાઓની પાછળ ધણીવાર ધણી વેદના પણ છુપાયેલી હોય છે.

જીવનમાં બધા પોતપોતાની લડાઈ લડે છે, બધાને ક્યાંક ને ક્યાંક તકલીફ છે. એટલે સરખામણી કરવા કરતા, જિંદગી એ જે કાઇ આપ્યું છે એને મોજથી જીવીએ. જે સમય મળ્યો છે તેનો પોતાના પરિવાર, મિત્રો સાથે આનંદથી વીતાવીએ. જિંદગીમાં નાની મોટી કંઈક ઉણપ તો રહેવાની જ છે, એને હસતા હસતા સ્વીકારી જે કઈ છે એની મજા લઇએ.

– નિશા બુટાણી