શ્રવણની કથા એકદમ અલગ કાવ્યના અંદાજમાં, તમે પણ વાંચો અને બાળકોને પણ જરૂર વંચાવજો.

0
1269

શ્રવણ કથા

માછલી વિયાણી દરિયા ને બેટ

શ્રવણ રિયો એની માને પેટ

કાળી પછેડીને ભમરીયાળી ભાત

શ્રવણ જન્મ્યો માજમ રાત

અડી કડીવાવ ને નવઘણ કૂવો

ત્યાં શ્રવણનો જન્મ હુવો

લાંબી પીપળને ટૂંકા પાન

શ્રવણ ધાવે એની માને થાન

ચાર-પાંચ વર્ષનો શ્રવણ થયો

લઈ પાટીને ભણવા ગયો

ભણી ગણીને બાજંદો થયો

સુધરી નારને પરણી ગયો

સુધરી નાર મારા વચન સુણો

મારા આંધળા મા બાપની સેવા કરો

આંધળા મા-બાપને કૂવામાં નાખ

મને મારે મૈયરિયે વળાવ

મોર્ય શ્રવણ ને વાંહે નાર

શ્રવણ ચાલ્યો સસરાને દ્વાર

તમારી દીકરીને ઘરમાં પૂરો

ર્યો ર્યો! જમાઈ જમતા જાવ

(મારી)દીકરીના અવગુણ ગાતા જાવ

ઈ રે અભાગણીના મોં કોણ જુવે

( મારા) આંધળા મા-બાપને નાખે કૂવે

ત્યાંથી શ્રવણ ચાલતો થયો

સુતારીના ઘર પૂછતો ગયો

ભાઈ સુતારી મારાં વચન સુણો

આંધળા માબાપની કાવડ ઘડો

કાવડ ઘડજો ઘાટ સુઘાટ

સોયલા બેસે મારા મા ને બાપ

આંધળા મા-બાપ રાજી થાય

અડસઠ તીરથ કરવાને જાય

ગંગા જમુના નાયા રે તીર

આંધળા મા-બાપ તરસ્યા રે થાય

શ્રવણ પાણીડા ભરવા ને જાય

ભરિયા લોટાને ખખડ્યાં નીર

શ્રવણ વિંધાણો પેલે તીર

તરસ્યા તપસ્વી પાણીડા પીઓ

તમારો શ્રવણ સરગે ગિયો

આંધળા મા-બાપે સાંભળી વાત

દાઝેલ દલડે દીધો રે શ્રાપ

દશરથ તારે દીકરા ચાર

અંત સામે નહીં એકેય પાસ.