આજે આધ્યાત્મિક ક્ષેત્રે એક અત્યંત પાવન એવા પરંતુ બહુ ઓછા જાણીતા એક અનાવિલ નરરત્ન શ્રી યોગાનંદ સરસ્વતી એટલે કે ગાંડા મહારાજ વિશે થોડું લખવું છે.
દત્ત સંપ્રદાયમાં ઘણાં સંતો અને દત્તાવતારો થયા જેમાં સંત શિરોમણી પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એટલે કે “ટેમ્બે” સ્વામીનું નામ ખુબ આદર અને ભાવ થી લેવાય છે. અને પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ નાં પટ્ટ શિષ્ય એટલે શ્રી યોગાનંદ સરસ્વતી. જેમનું મૂળ વતન સુરત જિલ્લાનાં સચિન નજીક આવેલું તલંગપુર ગામ.
આ તલંગપુરનાં એક સામાન્ય પરંતુ સંસ્કારી દેસાઈ કુટુંબમાં એમનો જન્મ. પિતા ડાહ્યાભાઈ દેસાઈ અને માતા કાશીબેનનાં આ પુત્રરત્નનો જન્મ ગુજરાતી કેલેન્ડર મુજબ સંવત 1925 ને માગસર સુદ પૂનમ, તથા અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે તા. 29 નવેમ્બર, 1868 માં રવિવારે થયો હતો. એમનું જન્મનું રાશિ પ્રમાણેનું નામ કલ્યાણજી હતું પરંતુ બાળપણ માં તેમને લાડથી સૌ ગાંડો કહી ને બોલાવતા.
યોગાનુયોગ કહો કે પછી ઇશ્વરેચ્છા પરંતુ એમનો જન્મ દત્ત જયંતિ નાં પવિત્ર દિને અને ભગવાન દત્તાત્રેયનાં પ્રાગટ્ય સમયે જ થયેલો. ડાહ્યાભાઈ અને કાશીબેનને ભગવાન નીલકંઠમાં ખુબ શ્રદ્ધા. તલંગપુર માં આવેલ નીલકંઠ મહાદેવનાં મંદિરની પૂજા અર્ચના એ આ દંપતીનો નિત્યક્રમ. આવા શિવભક્ત માતાપિતાનાં સાન્નિધ્યમાં ઉછરેલા કલ્યાણજી પણ માતા પિતાનાં પગલે નીલકંઠ મહાદેવની ભક્તિમાં બાળપણ થી જ તલ્લીન રહેતા.
ખુબ ધાર્મિક અને કુળવાન એવા ડાહ્યાભાઈ અને કાશીબેને આઠ વર્ષની વયે કલ્યાણજી એટલે કે પોતાના લાડકા દીકરા “ગાંડા” ને અનાવિલ પરંપરા પ્રમાણે યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે જનોઈ અપાવી બ્રાહ્મણ બનાવ્યો.
કલ્યાણજી એ પ્રાથમિક શિક્ષણ તલંગપુરની પ્રાથમિક શાળામાંજ લીધું. ત્યાર પછી વધુ અભ્યાસ અર્થે સુરત ગયા. આમ શાલેય શિક્ષણ એમણે સુરત થી પૂરું કર્યું અને ઘરે પરત આવ્યા. પૂર્વજન્મ નાં અને માતાપિતા નાં સંસ્કાર નાં પરિણામે કલ્યાણજીને બાળપણ થી જ વાંચન નો જબરો શોખ. તો વળી જ્યારથી સમજ આવી ત્યારથી ફક્ત પોતાના જીવન નિર્વાહ પૂરતું જ કમાવું અને લોકો ની સેવા વધુ કરવી આ વૃત્તિ કલ્યાણજીભાઇ ઉર્ફે “ગાંડા”માં પ્રબળ હતી. તે સમયે બાળ લગ્ન નું ચલણ હતું તેથી તેમને જનોઈ આપી પછી બે કે ત્રણ વર્ષ પછી તેમના પણ બાળ વયે કેસરબેન સાથે લગ્ન થયેલા.
દરમિયાન તેમને સચિન ની પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે નોકરી મળી. નોકરી એથી આવી સીધા નીલકંઠ મહાદેવ ની આરાધના કરવી એ એમનો નિત્ય ક્રમ રહેતો. પરંતુ થોડા સમય પછી પિતાએ તેમને ઘરનું અને ખેતીવાળીનું કામ ઉપાડી લેવા કહયું અને પોતાને નિવૃત્ત થવું છે એવો પ્રસ્તાવ ઘર માં મુક્યો. “ગાંડા”ને તો આ ગમતું હતું અને વૈદે કીધું. તેઓ તો ફક્ત પિતાને આર્થિક રીતે મદદરૂપ થવા જ નોકરી કરતા હતા. તેમણે નોકરી છોડી દીધી. સાથે પિતાનો ભાર હળવો કર્યો તે વાતે પણ તેઓ રાજી થયા.
પરંતુ આત્મ કલ્યાણ અને ઈશ્વર પ્રાપ્તિ એ એમનું અંતિમ ધ્યેય હોવાથી ક્યાંય એમનું મન લાગતું ન હતું. સંસાર માં કે લગ્ન જીવન માં તેમને કોઈ રસ ન હતો. માત્ર માતા પિતા ની આજ્ઞા નું પાલન કરવું એ સંતાનો નો ધર્મ છે એ વિચારે તેઓ ચૂપ રહેતા. પરંતુ… એક રાત્રે મન મક્કમ કરી કલ્યાણજી એ ગૃહત્યાગ કર્યો. ખુબ રઝળપાટ અને મુશ્કેલીઓ વેઠી, પરંતુ આખરે પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજને પોતાના ગુરૂ બનાવી, તેમનું શરણું લીધું અને કલ્યાણજીભાઈ માંથી યોગાનંદ સરસ્વતી ઉર્ફે ગાંડા મહારાજ બન્યા.
પોતાના ગુરુદેવ સ્વામી મહારાજની જ આજ્ઞા થી તેમણે મહારાષ્ટ્ર નાં ગુંજને કર્મ ભૂમિ બનાવી. ગુરુની આજ્ઞા નાં પાલન માટે તેમણે મહારાષ્ટ્ર નાં અનેક ગામો માં પરિભ્રમણ કરી દત્ત ઉપાસનાનો પ્રચાર કર્યો અને અનેક લોકો નાં ઉદ્ધારનું તેમણે કામ કર્યું. સાથે આધ્યત્મિક પ્રગતિનાં અનેક સોપાનો સર કરી અંતે સંવત 1985ને ફાગણ વદ બારસ, તથા અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 06 એપ્રિલ, 1929, શનિવારે ગુંજ મુકામે સમાધિસ્થ થયા.
હાલ ગરુડેશ્વર નું જે દત્ત મંદિર છે તેનું અને સ્વામી મહારાજ નાં સમાધિ મંદિર નું નિર્માણ કાર્ય પણ પૂજ્ય ગાંડા મહારાજે કર્યું છે. કહેવાય છે કે સંતો નાં જન્મદિન કરતા પુણ્યતિથિ ખુબ મહત્વ નાં હોય છે કેમકે સાવ સામાન્ય બાળકની જેમ જન્મી, મનુષ્ય દેહધારી આવા સંતો પોતાના કર્મરૂપી તેજપુંજ થી સમગ્ર સમાજને પ્રભાવિત કરે છે. પૂજ્ય ગાંડા મહારાજ ની પુણ્યતિથી આજે પણ મહારાષ્ટ્ર નાં ગુંજ ખાતે ખુબ ભાવ થી ઉજવાય છે. ગુંજ સંસ્થાન નાં આયોજન થકી હજારો લોકો જયારે મહા પ્રસાદ લે છે ત્યારે ખુબ ભાવવાહી દ્રશ્યો સર્જાય છે એવું ત્યાં દર વર્ષે જનારા ભક્તોનું કહેવું છે.
નારેશ્વર નાં નાથ પૂજ્ય રંગ અવધૂત મહારાજ પૂજ્ય ગાંડા મહારાજ ને હંમેશા ઉત્તમ શિષ્ય અને પોતાના મોટાભાઈ ગણાવતા. (પૂજ્ય રંગ અવધૂત મહારાજ અને ગાંડા મહારાજ બંનેના ગુરુ એક જ હતા : પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ જેઓ “ટેમ્બે” સ્વામી તરીકે પણ ઓળખાતા ) અંત માં, પૂજ્ય રંગ અવધૂત મહારાજે ગુરુ લીલામૃતનાં ઉપાસના કાંડમાં 147 માં અધ્યાય માં 57 માં દોહા માં ખુબ સુંદર રીતે પૂજ્ય ગાંડા મહારાજને અંજલિ આપતા લખ્યું છે કે :
“ગાંડા સમ ગુરુ ભક્ત ના, દીઠો બીજો ક્યાંય,
જાઉં વારી તન્નામ પર, વંદન કરું સદાય ”
સૌને ગુરુદેવ દત્ત.
ફાલ્ગુની મિહિર દેસાઈ, તા. 21/06/2020, વલસાડ.
(સાભાર અનિલ પઢીયાર, અમર કથાઓ ગ્રુપ)