વાંચો માઁ ભગવતી કુળદેવી શ્રી અંબાજી માતાજી મંદિર નાના રામપરનો રોચક ઇતિહાસ.

0
675

ઉગમણા ગોખે બીરાજતી, છે માઁ અંબાનો દરબાર,

ભાવે કભાવે ભજીએ, માઁ દુઃખ હરતી વારંવાર.

મોરબીથી 18 અને ટંકારાથી 10 કિલોમીટરના અંતરે નાના રામપર ગામ આવેલું છે. ક્ષત્રિય દરબારો, પાટીદાર સમાજ તેમજ અન્ય પરિવાર નો આ નાના એવા ગામ વસવાટ છે, નાનું પણ ગોકુળ જેવું ગામ છે ગામમાં ઘણા મંદિરો આવેલ છે. જેમાં એક માં અંબાજીનું પવિત્ર અને પ્રખ્યાત મંદિર આવેલું છે. તેમાં માં અંબા તેમના વીર કાલ ભૈરવ અને તેમના પરમ સેવક મોના ભગત ની સાથે બિરાજમાન છે.

ઇતિહાસ અનુસાર જાણવા મળે છે કે આ ગામમાં વ્યાસ પરિવારના વડવા મોના ભગત તેમના કુળદેવી માં અંબાજીના પરમ ભક્ત અને ઉપાસક હતા, જેમની ભક્તિ, ઉપાસના, પૂજા પાઠ, ભોળપણ, સત્યતા, વંદના આદિ ધાર્મિકતાથી માં અંબાજી તેમને પ્રસન્ન થયા હતા.

વ્યાસ પરિવારના ઇતિહાસ મુજબ એમના કુળદેવીનું મૂલ સ્થાનક, હડમતીયા ગામે આવેલું છે, અને તેમનો પરિવાર આજે પણ હડમતીયા માતાજી ના સ્થાનકે નવ પરણેલાં વર વધુ છેડા છેડી છોડવા જાય છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

એ હડમતીયાના સ્થાનકે બિરાજમાન માં અંબાજી તેમના પરમ ભક્ત મોના ભગતને પ્રસન્ન થઈ રામપર ગામે પધારે છે.

નાના રામપર ગામના તેમજ અમારા વડીલોની જાણ મુજબ ત્યાં માં અંબાના બેસણા થયા અને તેમના મંદિર નું કામ શરૂ થયું. જોત જોતામાં પ્રાણ પ્રતિષ્ઠા નો સમય આવી ગયો.

જાણકાર સૂત્રો મુજબ એમ કહેવાય છે કે, જેતે વખતે આજુબાજુના ગામો ધુંવાડા બંધ અને તે સમયમાં એમ કહેવાય છે કે ચાર ગામના રસ્તા રોકી લોકોને પ્રસાદ માટે આમંત્રણ આપી પ્રસાદ આપવામાં આવેલ.

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં નાના રામપર ગામે પ્રથમવાર સમસ્ત વ્યાસ જ્ઞાતિનું નાત તેડું મોના ભગત દ્વારા નાના રામપર ગામે માઁ અંબાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કરવામાં આવેલ.

જેતે સમયે વાહનનો યુગ ન હતો લોકો ચાલીને અથવા તો ઘોડે સવારીથી એક ગામથી બીજા ગામ જતા એટલે વટેમાર્ગને જમાડવાનો મહિમા વધુ હતો. છતાં પણ ચાર ગાડાં ચોખા ઘી ની સુખડી આજુબાજુ ગામના ધર્મસ્થાનો, શ્રમિકો તેમજ અન્ય લોકોને મોકલવી પડી એટલો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો.

દિવસે દિવસે મોના ભગતની ઊજળી ભક્તિ અને સેવા તેમજ માં અંબાના પરચા સાંભળી અનેક દુખીયા લોકો માતાજીની માનતા, બાધા, આખડી વિગેરે પોત પોતાના શ્રદ્ધા અનુસાર રાખતા.

જેના ફળ સ્વરૂપે અનેક પ્રકારના દુઃખો દૂર થયાના પરચા વિખ્યાત થતા ગયાં, તો ઘણા નિઃસંતાન દંપતીઓના ઘેર પારણાં ઝૂલતા થયા. માં અંબાજીએ આપેલ સંતાનનું નામ કરણ પણ અંબાજીના બોલ મુજબ થતું. હાલમાં પણ અંબાજીના દીધેલ સંતાન એવા આંબાભાઈ નામથી જાણીતા ઘણા માતાજીના સેવકો અને એમના પરિવારજનો માં ના દર્શન કરવા રામપર ગામે આવે છે. ઘણા પરિવારની આજે ચોથી પેઢી પણ એટલું જ માને છે કે જેટલું એમના વડવા માનતા હતા.

જે શ્રદ્ધા થી આવે છે એમના દુઃખ દૂર થયાના અનેક પુરાવા છે. બીજું કે સૌથી અગત્યનું અને મુખ્ય જમા પાસું આ મંદિરનું એ છે કે, આજે મોના ભગતની પાંચમી પેઢી હયાત છે અને સેવા પૂજા કરે છે પરંતુ એકપણ રૂપિયો લેવામાં આવતો નથી, કે દોરા ધાગા કરતા નથી. મોના બાપાના સિદ્ધાંત પ્રમાણે શ્રદ્ધા હોય તો વિશ્વાસ રાખો, તમારું કામ થાય તો માનતા કરવાની અને વિશ્વાસ ધરાવતા લોકોના કામ આજે પણ થાય છે.

માઁ અંબાના દર્શન કરવા એ જીંદગીનો એક લ્હાવો છે.

જય માઁ અંબે, જય કાળ ભૈરવ દાદા, જય મોના દાદા.

– સંકલન, લેખક : રાજેશભાઇ સુખદેવભાઇ કુકરવાડિયા, ધ્રુવનગર મોરબી.