જાણો શ્રીદ્વારકાધિશજી બ્રહ્માજી પાસેથી કાંકરોલી રાયસાગર મંદિરમાં કેવી રીતે આવ્યા.

0
552

કાંકરોલી નાથદ્વારાની જેમ વૈષ્ણવોનું પુણ્ય પ્રવાસધામ કહેવાય છે. ત્યાંનું મંદિર તો ખાસ મોટું નથી પરંતુ તળાવ ખૂબ જ વિશાળ તથા સુંદર છે. નિધિ એટલે અથાગ / અનંત / વિપુલ . શ્રી વલ્લભ અને શ્રી ગુંસાઇજીના સેવ્ય સ્વરૂપો નિધિ ના નામે ઓળખાય છે કારણકે જેમના માથે આ નિધિ સ્વરૂપો બિરાજે છે, તેમને નિધિજી ના કારણે વિપુલ પ્રમાણ માં યશ, કીર્તિ અને ધન અનાયાસે મળી જાય છે.

જે નિધિ સ્વરૂપો શ્રી ગુંસાઇજીના બાળકો ના સંગે પધરાવ્યા, તેને આપણે જાહેર રીતે નિધિ સ્વરૂપો કહીએ છીએ. શ્રી વલ્લભ અને શ્રી ગુંસાઇજીના સેવ્ય સ્વરૂપો વિશાલ હવેલીઓ માં બિરાજે છે તેથી લોકો તેમનેજ મુખ્ય નિધિ સ્વરૂપો તરીકે સ્વીકારે છે. પણ, ખરેખર તો શ્રી વલ્લભકુલ જે જે સ્વરૂપ પધરાવે, તે તે તેમની નિધિ કહેવાય.

ધન કેવળ પૈસા કે સોના માં નથી. શાસ્ત્રમાં અષ્ટ લક્ષ્મી સ્વરૂપે ધનના અનેક સ્વરૂપો કહ્યા છે. નિજ ધન એટલે જે મને પ્રાણ કરતા પણ પ્યારું લાગે તે. વૈષ્ણવો ને પોતાના ઠાકોરજી આ પ્રમાણે પ્રાણ કરતા પણ પ્યારા લાગે, ત્યારે તેમને પોતાના ઘરે પધરાવેલા ઠાકોરજી ખરેખર નિધિ સ્વરૂપની લીલાઓ નું દાન કરે છે. સારસ્વત કલ્પ માં કૃષ્ણનું વૃજમાં આગમન થયું અને તેમને જુદી જુદી લીલાઓ કરી. આ વિવિધપ્રકારની લીલા ના જુદા જુદા સ્વરૂપો છે. જે શ્રીવલ્લભે નીજ સેવા માટે સ્વીકાર્યા તે બધા સ્વરૂપોને નિધિસ્વરૂપ કહે છે. સારસ્વત કલ્પમાં કૃષ્ણના ૧૨ સ્વરૂપો છે, તેમાં નવ નિધિ સ્વરૂપો મુખ્ય છે.

૧. શ્રીનાથજી (હાલમાં નાથદ્વારામાં બીરાજે છે.) ૨. શ્રીનવનીતપ્રીયજી (હાલમાં નાથદ્વારામાં બીરાજે છે.) ૩. શ્રીમથુરેશજી (હાલ માં કોટા બીરાજે છે.) ૪. શ્રીવિઠ્ઠલનાથજી (હાલમાં નાથદ્વારા બીરાજે છે.) ૫. શ્રીદ્નારકાધિશજી (હાલમાં કાંકરોલી બીરાજે છે.) ૬. શ્રીગોકુલનાથજી (હાલમાં ગોકુલ બીરાજે છે.) ૭. શ્રીગોકુલચન્દ્નમાજી (હાલમાં કામવન બીરાજે છે.) ૮. શ્રીબાલકૃષ્ણજી (હાલમાં સુરત બીરાજે છે.) ૯. શ્રીમદનમોહનજી (હાલમાં કામવન બીરાજે છે.) ૧૦. શ્રીમુકુંદરાયજી (હાલમાં કાશી બીરાજે છે.) ૧૧. શ્રીકલ્યાણરાયજી (હાલમાં બરોડા બીરાજે છે.) ૧૨. શ્રીનટવરલાલજી (હાલમાં અમદાવાદ બીરાજે છે.)

શ્રીનાથજી અને શ્રીનવનીતપ્રિયાજી સિવાય ના બધા સ્વરૂપો શ્રીમહાપ્રભુજીના સેવકો ના સેવ્ય છે. શ્રીગુંસાઇજી પ્રભુચરણે પોતાના સાત લાલન ને ક્રમશઃ શ્રીગિરિધરજી, શ્રીગોવિન્દજી, શ્રીબાલકૃષ્ણજી, શ્રીગોકુલનાથજી, શ્રીરઘુનાથજી, શ્રીયદુનાથજી, શ્રીઘનશ્યામજીને એક એક સ્વરૂપ પધરાવી દીધું. જ્યારે બધા બાળકોએ પોતાની જાતે પોતાની રીતે જુદા થવાનું નક્કી કર્યું. તે સાત ઘર ને સપ્તપીઠ કહે છે અને આ સ્વરૂપો ને તે ગૃહ ના નિધિસ્વરૂપ કહે છે.

દ્વારિકાધિશજી ની ભાવના શ્રીકૃષ્ણ ના આ સ્વરૂપની વાર્તા કંઇક અદભુત છે. શ્રીમદ્ ભાગવતમાં સાતમા અધ્યાયની વેણુગીત લીલા અને આંખમિચૌલી લીલા આ સ્વરૂપમાં પ્રગટ છે. આ પણ ચર્તુભુજ સ્વરૂપ છે. એકવાર શ્રીસ્વામિનીજી વૃજની ટહેલ કરતાં હતાં, તે સમયે શ્રીઠાકુરજી ચુપકીદી થી આવી ને શ્રી સ્વામિનીજીની ના નેત્ર ઢાંકે છે.

શ્રીસ્વામિનીજીને પૂછે છે, ‘હું કોણ છું’? પછી શ્રીઠાકુરજીના બે હસ્ત નેત્ર પર છે અને બીજા બે હસ્ત પ્રકટ કરી વાંસળી વગાડી વેણુનાદ કરે છે. આ રસવિહારી ચર્તુભુજ સ્વરૂપ શ્રીદ્વારકાધીશજી છે. આ સ્વરૂપ ની પીઠીકા ચોરસ છે. આ સ્વરૂપના નીચેના જમણા શ્રીહસ્તમાં પદ્મ, ઉપરના જમણા શ્રીહસ્તમાં ગ દા, નીચેના ડાબા શ્રીહસ્તમાં ચક્ર, ઉપરના ડાબા શ્રીહસ્તમાં શંખ ધરાવે છે.

સૌ પ્રથમ બ્રહ્માજી દ્વારા સેવાયેલાં આ સ્વરૂપે સૃષ્ટિનાં આરંભે બ્રહ્માજીને તપ કરવાની આજ્ઞા કરી અને બ્રહ્માજી પછી આ સ્વરૂપની સેવા બ્રહ્મપુત્ર કર્દમ ઋષિએ પોતાના બિંદુ સરોવર પર આવેલા આશ્રમમાં સેવા કરી. આ ઉપરાંત આ સ્વરૂપની કપિલદેવજી, દેવહુતિજી, રાજા અંબરીષે ખૂબ રાજવૈભવથી સેવા કરી. તેમના પછી મહર્ષિ વશિષ્ઠ મુનિ એ સેવા કરી. માતા કૌશલ્યાજીએ આ સ્વરૂપની સેવા અયોધ્યામાં કરી. આ સ્વરૂપ પાંડવો અને ભગવાન રામ દ્વારા પણ સેવાયેલ છે.

ઘણા વખત પછી પાછું આ સ્વરૂપ કળિયુગ માં કનોજના દરજી ભક્ત પાસે પધારી ગયુ. તેમની સેવા બાદ કનોજ ના દીવાન દામોદરદાસ સંભરવાળા શ્રીમહાપ્રભુજીના સેવક બન્યા પછી ગુરુની આજ્ઞા મુજબ આ સ્વરૂપને પોતાની ત્યાં લઇ આવ્યા. આ સ્વરૂપ ને શ્રીમહાપ્રભુજીએ પુષ્ટ કર્યું.

દામોદરદાસ સંભરવાળા ના ગૌલોક ગમન પછી તેમની પત્ની આ સ્વરૂપ ને અડેલ શ્રીમહાપ્રભુજીને આપી દીધું. શ્રીગુંસાઇજીએ તેમના તૃતીય પુત્ર શ્રીબાલકૃષ્ણજીને પધરાવી આપ્યું. તેઓ આ સ્વરૂપને મથુરા લઇને આવ્યા અને યમુના નદીને કિનારે મથુરામાં શ્રીબાલકૃષ્ણજીએ મંદિર બનાવ્યું. હાલમાં શ્રીદ્વારકાધિશજી કાંકરોલી રાયસાગર મંદિરમાં બિરાજી રહેલા છે.

વાચેલી નોંધના આધારે મુલાકાત.

– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)

તસવીરો ગૂગલના સૌજન્યથી.