ધનના દેવતા કુબેરને પણ થયું હતું ધનનું અભિમાન, તો ભગવાન ગણેશે આવી રીતે કર્યા હતા સીધા. હિંદુ ધર્મ અનુસાર કુબેર ધન અને વૈભવના દેવતા છે. માનવામાં આવે છે કે, તેમની પાસે ઘણું બધું ધન છે. અને તમે એ તો સાંભળ્યું હશે કે જરૂરિયાત કરતા વધારે પૈસા વ્યક્તિને અંધ બનાવી દે છે. અને એવું જ કંઈક ધનના દેવતા કુબેર સાથે પણ થયું. તેમને એવું લાગ્યું કે, ત્રણેય લોકોમાં સૌથી વધારે ઘન તેમની પાસે જ છે. અને તેમને આ વાતનું અભિમાન થવા લાગ્યું.
એક દિવસ પોતાની પાસે રહેલું ધન દેખાડવા માટે ધનના દેવતા કુબેરે મહાભોજનું આયોજન કર્યું. આ મહાભોજમાં તેમણે દરેક દેવતાગણને બોલાવ્યા. કાર્યક્રમનું આમંત્રણ લઈને તે કૈલાશ પર્વત પર ભગવાન શિવ પાસે પણ ગયા અને તેમને વિશેષ અતિથિના રૂપમાં આવવાનું આમંત્રણ આપ્યું.
ભગવાન શિવે કુબેરનું અભિમાન માપી લીધું અને વિચાર્યું કે આમને પાઠ ભણાવવો જરૂરી છે. આવું વિચારીને તેમણે કુબેરને કહ્યું, કુબેર મને તમારું આમંત્રણ સ્વીકાર છે, પણ કોઈ જરૂરી કામને કારણે હું મહાભોજમાં નહિ આવી શકું, પણ તમે ચિંતા ના કરો. મારી જગ્યાએ અમારો પુત્ર ગણેશ તમારા કાર્યક્રમમાં જરૂર આવશે. ભગવાન શિવની વાત સાંભળીને કુબેર ખુશી-ખુશી ત્યાંથી જતા રહ્યા.
મહાભોજનો દિવસ આવી ગયો. દરેક દેવતાગણ કુબેરના ઘરે પધારવા લાગ્યા. ભગવાન શ્રીગણેશ પણ સમયસર કાર્યક્રમમાં પહોંચી ગયા. જેવી જ ભોજનની શરૂઆત થઇ કે, ભગવાન ગણેશ બધું ભોજન જમી ગયા. જયારે કુબેરે અન્ય મહેમાનો માટે ફરીથી ભોજન બનાવ્યું તો ભગવાન શ્રીગણેશ ફરીથી બધું ભોજન જમી ગયા.
ભગવાન શ્રીગણેશ કુબેરના રસોડામાં મૂકેલું બધું ભોજન પૂરું કરી રહ્યા હતા, પણ તેમની ભૂખ શાંત થઈ રહી નહતી. ધીરે ધીરે કુબેર પાસે રહેલી બધી ખાવાની વસ્તુઓ ખતમ થઇ ગઈ, તો તેમણે ભગવાન શ્રીગણેશને કહ્યું, પ્રભુ બીજું ભોજન આવવામાં સમય લાગશે, ત્યાં સુધી તમે બેસો. તેના પર ભગવાન શ્રીગણેશે કહ્યું, જો તમે મને અત્યારે ભોજન નહિ આપ્યું, તો હું તમારા મહેલમાં રહેલી બધી વસ્તુઓ ખાઈ જઈશ. આ સાંભળીને કુબેર ગભરાઈ ગયા અને તેમને પોતાની ભૂલનો અનુભવ થઇ ગયો. તે તરત ભગવાન શ્રીગણેશના ચરણોમાં પડી ગયા અને તેમની માફી માંગી.
સ્ટોરીની શીખ : મિત્રો, આ સ્ટોરીથી આપણને એ શીખ મળે છે કે, આપણે ક્યારેય પણ ઘમંડ નહિ કરવું જોઈએ.
આ માહિતી મોમજંકશન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.