રોચક પૌરાણિક કથા : જયારે ભગવાન વિષ્ણુ પોતાના લગ્નમાં શ્રી ગણેશને ના લઇ ગયા

0
761

ભગવાન વિષ્ણુએ પોતાના લગ્નમાં કેમ ન બોલાવ્યા ભગવાન શ્રી ગણેશને, જાણો કારણ.

કથા : શ્રી ગણેશાય નમઃ

એક સમયની વાત છે, જયારે વિષ્ણુ ભગવાનના લગ્ન લક્ષ્મીજી સાથે નક્કી થઈ ગયા હતા. લગ્નની તૈયારી થવા લાગી. દરેક દેવતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું, પરંતુ ગણેશજીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, કારણ જે પણ રહ્યું હોય.

પણ હવે ભગવાન વિષ્ણુની જાન જવાનો સમય થઈ ગયો હતો. દરેક દેવતા પોતાની પત્નીઓ સાથે લગ્ન સમારોહમાં આવ્યા. તે બધાએ જોયું કે ગણેશજી ક્યાંય દેખાઈ રહ્યા નથી. ત્યારે તેઓ પરસ્પર ચર્ચા કરવા લાગ્યા કે, શું ગણેશજીને આમંત્રણ નથી આપ્યું? કે ગણેશજી પોતાની મરજીથી નથી આવ્યા? દરેકને આ વાત પર આશ્ચર્ય થવા લાગ્યું. ત્યારે દરેકે વિચાર કર્યો કે, વિષ્ણુ ભગવાનને જ તેનું કારણ પૂછવામાં આવે.

વિષ્ણુ ભગવાનને પૂછવા પર તેમણે કહ્યું કે, મેં ગણેશજીના પિતા ભોલેનાથ મહાદેવને આમંત્રણ મોકલ્યું છે. જો ગણેશજી પોતાના પિતા સાથે આવવા ઇચ્છતા હોત તો આવી ગયા હોત, અલગથી આમંત્રણ આપવાની કોઈ જરૂર ન હતી.

બીજી વાત એ કે, તેમને આખા દિવસમાં સવા મણ મગ, સવા મણ ચોખા, સવા મણ ઘી અને સવા મણ લાડુનું ભોજન જોઈએ. જો ગણેશજી નહિ આવશે તો વાંધો નહિ. બીજાના ઘરે જઈને આટલું બધું ખાવા-પીવાનું સારું પણ નથી લાગતું.

આ રીતે વાતો કરી રહ્યા હતા કે કોઈ એકે સલાહ આપી કે, જો ગણેશજી આવી પણ જાય તો તેમને દ્વારપાલ બનાવીને બેસાડી દઈશું, અને કહેશું કે તમે ઘરનું ધ્યાન રાખજો. તમે ઉંદર પર બેસીને ધીરે ધીરે આવશો તો જાનથી પાછળ રહી જશો. આ સલાહ દરેકને ગમી, તેમજ વિષ્ણુ ભગવાને પણ પોતાની સહમતી આપી દીધી.

એટલામાં ગણેશજી ત્યાં આવી પહોંચ્યા અને પછી તેમને સમજાવીને ઘરની રખેવાળી કરવા માટે બેસાડી દેવામાં આવ્યા. જાન ઉપડી ત્યારે નારદજીએ જોયું કે, ગણેશજી તો દરવાજા પર જ બેઠા છે. આથી તે ગણેશજી પાસે ગયા અને ત્યાં રોકાવાનું કારણ પૂછ્યું.

ગણેશજી કહેવા લાગ્યા કે વિષ્ણુ ભગવાને મારુ ઘણું અપમાન કર્યું છે. નારદજીએ કહ્યું કે, તમે પોતાની મૂષક સેનાને આગળ મોકલી દો, તો તે રસ્તો ખોદી નાખશે, જેથી તેમના વાહન ધરતીમાં ખૂંપી જશે, ત્યારે તમને સમ્માન પૂર્વક બોલાવવા પડશે.

હવે તો ગણેશજીએ પોતાની મૂષક સેનાને જલ્દીથી આગળ મોકલી દીધી અને મૂષક સેનાએ જમીન પોલી કરી દીધી. જયારે જાન ત્યાંથી નીકળી તો રથોના પૈડા ધરતીમાં ખૂંપી ગયા. લાખ પ્રયત્નો કરવા છતાં પણ પૈડા નીકળ્યા નહિ. દરેકે પોતપોતાના ઉપાય કર્યા, પણ પૈડા નીકળ્યા નહિ અને અલગ અલગ જગ્યાએ તૂટી ગયા. કોઈને સમજાઈ રહ્યું ન હતું કે શું કરવું જોઈએ.

ત્યારે નારદજીએ કહ્યું કે, તમે લોકોએ ગણેશજીનું અપમાન કરીને સારું નથી કર્યું. જો તેમને મનાવી લેવામાં આવે તો તમારું કાર્ય સિદ્ધ થઇ શકે છે, અને આ સંકટ ટળી શકે છે.

શંકર ભગવાને પોતાના દૂત નંદીને મોકલ્યા અને તે ગણેશજીને લઈને આવ્યા. ગણેશજીનું આદર-સમ્માન સાથે પૂજન કર્યું, ત્યારે જઈને રથના પૈડા બહાર નીકળ્યા. હવે રથના પૈડા બહાર તો નીકળ્યા પણ તે તૂટી ગયા હતા, એટલે પ્રશ્ન એ હતો કે તેને સુધારશે કોણ?

નજીકના ખેતરમાં એક સુથાર કામ કરી રહ્યો હતો, તેને બોલાવવામાં આવ્યો. સુથારે પોતાનું કામ કરતા પહેલા ‘શ્રી ગણેશાય નમઃ’ કહ્યું અને મનમાં ને મનમાં ગણેશજીની વંદના કરવા લાગ્યો. જોતજોતામાં તેણે બધા પૈડા સારા કરી દીધા.

ત્યારે તે કહેવા લાગ્યો કે, દેવતાઓ! તમે સૌથી પહેલા ગણેશજીને મનાવ્યા નહિ હોય અને ન તો તેમનું પૂજન કર્યું હોય, એટલા માટે તમારી સાથે આ સંકટ આવ્યું છે. અમે તો મૂર્ખ અજ્ઞાની છીએ, છતાં પણ પહેલા ગણેશજીને પૂજીએ છીએ, તેમનું ધ્યાન કરીએ છીએ. તમે તો દેવતાગણ છો, છતાં પણ તમે ગણેશજીને કઈ રીતે ભૂલી ગયા? હવે તમે બધા ભગવાન શ્રીગણેશજીની જય બોલીને જાવ, તો તમારા બધા કામ બની જશે અને કોઈ સંકટ પણ નહીં આવે.

પછી શ્રીગણેશની જય બોલાવીને જાન ત્યાંથી નીકળી અને વિષ્ણુ ભગવાનના લક્ષ્મીજી સાથે લગ્ન સંપન્ન કરાવીને બધા સકુશળ ઘરે આવી ગયા. બોલો ગજાનન ભગવાનની જય.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.