જાણો એવા જ્યોતિર્લિંગ વિષે જેની પૂજા માત્રથી ઇચ્છિત વરદાનની પ્રાપ્તિ થાય છે.

0
788

શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગ : કથા – મહિમા

મિત્રો મહાશિવરાત્રીના પાવન અવસર પર અમે તમારા માટે શિવજીના ૧૨ જ્યોતિર્લિંગોની કથા લાવ્યા છીએ. શિવજીના ૧૨ જ્યોતિર્લિંગનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ભક્તો તેમના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તેમના મનને પરમ શાંતિનો અનુભવ થાય છે. આજે અમે અહીં ૧૨ જ્યોતિર્લિંગોમાંથી એક શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગની કથા અને તેનો મહિમા જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો તેનું રસપાન કરીએ.

સુતજી બોલ્યા : હે ઋષિઓ વિષ્ણુ ભગવાનના સ્વરૂપ નારાયણ ભગવાને બદરિકાશ્રમમાં જઈને તપ કર્યું. શિવજી ત્યાં પાર્થિવ લિંગમાં પ્રગટ થઇ તેમની પૂજાનો અંગીકાર કરતા રહ્યા. આ રીતે ઘણો સમય વ્યતીત થઇ ગયો. ભગવાન શિવે નરનારાયણને વરદાન માંગવાનું કહ્યું.

નારાયણ ભગવાને શિવજીને કહ્યું : “હે નાથ ! તમે અનુગ્રહપૂર્વક સાક્ષાત રૂપમાં અહીં સદા બિરાજો.” આથી નારાયણની પ્રાર્થનાથી સદાશિવ જ્યોતિર્લિંગ રૂપથી બિરાજમાન થઇ ગયા. તેમનું નામ કેદારેશ્વર તરીકે પ્રસિદ્ધ થયું. જે કેદારેશ્વરના દર્શન અને પૂજન કરે છે, એમની બધી કામનાઓ પૂર્ણ થાય છે.

એક સમયની વાત છે કે પાંડવોએ શંકરજીને ત્યાં મહિષ (પાડા) રૂપમાં જોઈ લીધા. તેઓ એમની પાસે પહોંચ્યા તો શિવ ભાગવા લાગ્યા. પરંતુ પાંડવોએ એમની પૂંછડી પકડી લીધી અને પ્રાર્થના કરી : “હે પ્રભ ! તમે ભાગીને ન જાવ. તમે સાક્ષાત શિવ છો. અમે તમને ઓળખી લીધા છે.”

ત્યારે શિવજીની કૃપાથી એમના બધા સંકટ દૂર થઇ ગયા અને તેમને ઇચ્છિત વરદાન આપ્યા. હે ઋષિઓ ! કેદારેશ્વરની પૂજા-અર્ચનાથી ઇચ્છિત વરદાનની પ્રાપ્તિ થાય છે.

ૐ નમઃ શિવાય… બોલો હર હર મહાદેવ…