કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણએ આ રીતે ઉતાર્યું હતું અર્જુનનું અભિમાન, વાંચો દરેકને ઉપયોગી પ્રસંગ.

0
337

અર્જુનને શ્રી કૃષ્ણનો બોધ : ક્યારેય અભિમાન ન કરવું અને દુશ્મનને નાના ન સમજવા, આ ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન.

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીની તિથિને લઈને પંચાંગના તફાવતને કારણે આ તહેવાર 18 અને 19 ઓગસ્ટે ઉજવવામાં આવશે. ભગવાન કૃષ્ણની ઉપાસનાની સાથે-સાથે જો આપણે તેમના ઉપદેશોને જીવનમાં ઉતારીએ તો બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

મહાભારતનો એક કિસ્સો છે, જેમાં શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું હતું કે અભિમાન ન કરવું અને શત્રુને કદી નાનો ન સમજવો. એ પ્રસંગ પ્રમાણે મહાભારતના યુદ્ધમાં અર્જુન અને કર્ણ સામસામે આવી ગયા હતા.

અર્જુન અને કર્ણ બંને દૈવી શ-સ્ત્રો-થી લડતા હતા. જ્યારે પણ અર્જુનના તીર કર્ણના રથ પર વાગતા હતા ત્યારે કર્ણનો રથ ઘણો વધારે પાછળ ખસતો. બીજી તરફ જ્યારે પણ કર્ણના તીર અર્જુનના રથ પર વાગતા ત્યારે તેનો રથ થોડો જ પાછળ ખસતો.

જ્યારે કર્ણના તીર અર્જુનના રથ પર વાગતા હતા ત્યારે શ્રી કૃષ્ણ કર્ણની પ્રશંસા કરતા હતા, પરંતુ અર્જુનના તીર વખતે કશું બોલતા નહિ. શ્રી કૃષ્ણ દ્વારા કર્ણની પ્રશંસા સાંભળીને અર્જુનથી રહેવાયું નહિ. તેણે શ્રી કૃષ્ણને પૂછ્યું કે – કેશવ, જ્યારે મારો પ્રહાર કર્ણના રથ પર પડે છે, ત્યારે તેનો રથ ઘણો પાછળ ધકેલાય જાય છે, જ્યારે મારો રથ તેના પ્રહારને કારણે થોડો જ પાછો ધકેલાય છે. કર્ણના બાણ મારા કરતા ઘણા નબળા છે, છતાં તમે તેની પ્રશંસા કરો છો, આવું કેમ?

ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે હું તારા રથ પર છું, ઉપર ધ્વજ પર હનુમાનજી છે, શેષનાગે પોતે રથનાં પૈડાં પકડી રાખ્યાં છે, તેમ છતાં કર્ણના તીરથી આ રથ થોડો પાછળ ધકેલાય છે, તો તે ઘણી મોટી વાત છે. કર્ણના પ્રહારો નબળા નથી. આ સાંભળીને અર્જુનનો અહંકાર તૂટી ગયો.

શ્રી કૃષ્ણએ અર્જુનને શીખવ્યું કે આપણે ક્યારેય આપણી શક્તિનું અભિમાન ન કરવું જોઈએ અને દુશ્મનને ક્યારેય નાનો ન ગણવો જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.