શ્રીકૃષ્ણની રાણીઓ ભાગ 1 : જાણો રુક્મિણી અને કૃષ્ણના લગ્ન કેવી રીતે થયા હતા.

0
1244

વૈકુંઠલોકમાં ભગવાન શ્રીવિષ્ણુ અને તેમના પત્ની, મહાદેવી લક્ષ્મી નિરાંતની પળોમાં વાર્તાલાપ કરી રહ્યા છે, ત્યારે આ વખતનો વિષય, શ્રીવિષ્ણુએ પૃથ્વી પર લીધેલ અનેક અવતારો બાબતેનો છે.

મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન અને પરશુરામ અવતારમાં તો લક્ષ્મીજી, શ્રીવિષ્ણુ સંગે અવતરિત થયા નહોતા. પણ સાતમા રામાવતારમાં સીતાસ્વરૂપે, અને આઠમા કૃષ્ણાવતારમાં રુક્મિણી સ્વરૂપે, લક્ષ્મીજી પણ માનવ-દેહ ધારણ કરીને શ્રીવિષ્ણુ સંગે જ પૃથ્વીલોકમાં પધાર્યા હતાં.

એ સર્વે અવતારોની ચર્ચા કરતા કરતા પછી એ વાર્તાલાપ કૃષ્ણાવતાર બાબતે શરૂ થયો. આ અવતારમાં કૃષ્ણના બાલ્યાવસ્થામાં ગોકુળ-લીલા, તો કિશોરાવસ્થામાં મથુરા-લીલા જેવા પ્રસંગો, કે જ્યાં લક્ષ્મીજી પ્રત્યક્ષ હાજર નહોતા, એવા પ્રસંગો બાબતેના તેમનાં સંદેહો શ્રીવિષ્ણુએ દૂર કર્યા બાદ તેમની ગોષ્ટિ શ્રીકૃષ્ણના લગ્ન અને તેમની રાણીઓના વિષય પર આવી પહોંચી.

“હે દેવી,” -શ્રીહરિ બોલ્યા- “કૃષ્ણની અન્ય રાણીઓ બાબતે તો તમારી શંકા-સંદેહો હું અવશ્ય દૂર કરીશ, પણ એની પ્રથમ પટરાણી રુક્મિણી સ્વરૂપે તો આપ સ્વયં જ પૃથ્વી પર અવતરિત થયેલા. તો કૃષ્ણના જીવનમાં પ્રત્યક્ષ શામેલ થયા પૂર્વે પિતૃગૃહે રુક્મિણીની, એક કુંવારી કન્યા સ્વરૂપેની, મનોગત તમે ખૂબ સારી રીતે પ્રતીત કરી શકતા જ હશો. માટે આપ ઈચ્છો તો એ પ્રતીતિઓને અત્રે વાચા આપી માનવ-હ્ર્દયની પ્રણયઊર્મિથી અત્યારનું વાતાવરણ રસભર્યું કરી શકો છો.”

“શ્રીહરિ,” -લક્ષ્મીદેવી બોલ્યા- “વાકચાતુર્ય અને વિવરણકલામાં આપ જેટલી પારંગતતા મુજમાં નથી જ. ઉપરાંત મનુષ્યદેહ ત્યજ્યા બાદ, માનવ-હ્ર્દયમાં ઉદભવતી લાગણીઓ હવે સંપૂર્ણપણે કદાચ હું ના પણ અનુભવી શકું.”

“મુગ્ધવયની કુંવારી કન્યા રુક્મિણીએ કૃષ્ણને લખેલ એ પ્રેમપત્ર, પૃથ્વીલોક પરના સર્વપ્રથમ પ્રેમપત્ર તરીકેનું શ્રેય લઈ જાય છે. તો હે દેવી, એ પ્રેમપત્રમાં સમાયેલ લાગણીઓ, તેમ જ એ લખ્યો ત્યારની આસપાસની પરિસ્થિતિઓ વર્ણવો, એટલું પણ અત્રે પર્યાપ્ત રહેશે.”

“વારુ પ્રભુ, હું પ્રયાસ તો અવશ્ય કરીશ.” -શ્રીદેવી સસ્મિત બોલ્યા.

“સ્વાર્થ, લોભ અને મોહની વેદી પર આ લોકો મારું બલિદાન આપી રહ્યા છે, તો શું હું બલિદાનનું કોઈ પ્રાણી છું? કોઈ પણ સંજોગોમાં આવું નહીં થવા દઉં. હું મારા આયુષ્યનો ભોગ તો લેવાવા નહીં જ દઉં..!” -રુક્મિણીનો આક્રોશ ઉકળી રહ્યો હતો.

તેણી પોતાના પિતાના કક્ષની બહાર ઉભી રહીને અંદરની વાતો સાંભળી રહી હતી. અંદર તેનાં પિતા અને ભાઈ મસલત કરી રહ્યા હતા. પોતાનો સ્વાર્થ સાધવા માટે ભાઈ પોતાની પસંદના વર સાથે બહેનને પરણાવવા પિતા પર દબાણ કરી રહ્યો હતો.

કેટલાય દિવસની ચર્ચા, દલીલ અને વિચારણા બાદ આજે તેનું ધાર્યું કરાવવા એ સફળ થયો હતો. આજે પિતા તેનાં દબાણ હેઠળ આવી જ ગયા હતા; તેની દલીલો, તેની મહત્વાકાંક્ષાઓ, તેના તર્કથી પ્રભાવિત થઈ ગયા હતા અને હમણાં અત્યારે દીકરી રુક્મિણીના લગ્ન પુત્રની ઇચ્છાનુસાર કરવા માટે તેને પરવાનગી આપી દીધી.

રુક્મિણી પોતાના ભાઈની મહત્વાકાંક્ષાઓને સુપેરે ઓળખતી હતી. તેનાં ઇરાદાઓથી અવગત હતી. માટે જ જ્યારે જ્યારે એ પિતાના કક્ષમાં જતો ત્યારે રુક્મિણી સાવધ બની જતી; અંદર થઈ વાતો પર કાન દેવા પ્રયત્ન કરતી.

પણ આજે નિર્ણય લેવાઈ ગયો. તેનાં લગ્ન હવે નિશ્ચિત થઈ ગયા, કારણ તેનાં પિતા અને ભાઈ, બન્નેએ એક જ વાત પર પસંદગી સાધી લીધી હતી.

રુક્મિણી ભયભીત તો હતી જ, પણ શું કરવું એ ઉકલતું નહોતું.

ત્યારે જ તેને પોતાના પ્રિયતમનો વિચાર આવ્યો. એ સ્વપ્ન-પુરુષની કીર્તિ તો એણે ખૂબ સાંભળી હતી. ચરિત્રવાન, પરાક્રમી, સોહામણા વર તરીકે, જે કલ્પના-પુરુષની છબી કોઈપણ કોડભરી કન્યાના મનમાં હોય, તેમાં એ કુમાર પર્યાપ્ત માત્રામાં વ્યવસ્થિત બેસતો હતો.

પણ..

પણ, એ વણદીઠયો પ્રીતમ તો તેને કદાચ ઓળખતો પણ નહીં હોય..! આવી પરિસ્થિતિમાં એને લગ્ન માટે પ્રસ્તાવ મુકવો, તો કેમ? અને સૌથી મહત્વની વાત એ કે, એનો પ્રિયતમ પોતે આ લગ્ન માટે તૈયાર છે કે નહીં તેની ખાતરી કઈ રીતે કરવી? એ જાણવા માટે શી હિલચાલ કરવી જોઈએ? ઉપરાંત જે પણ હરકત થાય એ બધી ખૂબ ખાનગી રહેવી પણ જરૂરી હતી, કારણ ભાઈ અને પિતા બન્નેમાંથી કોઈ આ બાબતે જાણી જાય તો તેના લગ્નની બાબતને એ લોકો તીવ્ર વેગ આપી, એ કાર્ય ખૂબ ઝડપી અને જબરદસ્તીથી કરાવે, તો ત્યારે પોતે સંપૂર્ણ વિવશ બની જાય. પરિણામે તેનું બાકીનું જીવન અસ્તવ્યસ્ત થઈ જવાની ઘણી શક્યતાઓ હતી.

ખૂબ વિચાર કર્યા બાદ રુક્મિણીએ જબરી હિંમત કરી. પોતાની નારીસાહજ લજ્જા અને સંકોચને ખૂણામાં મૂકીને તેણે એક પત્ર લખ્યો, કે જે કદાચ વિશ્વના ઇતિહાસમાં પહેલો જ પ્રેમપત્ર હશે. અને એ પણ કેટલી સુંદર રીતે લખાયેલો..!

આવો પ્રેમપત્ર બીજો ક્યાંક ભાગ્યેજ જોવા મળશે ..! કારણ આમાં એક કન્યા બેધડકપણે પોતાનો એકતરફી પ્રેમ પ્રદર્શિત કરી, પોતાના સ્વપ્નકુમારનું મન તપાસવાનો પ્રયત્ન કરે છે. એમાં પ્રીતમના સદગુણોના વખાણ કર્યા છે, તો સામે પોતાનાય ગુણોનો ઉલ્લેખ કરીને પોતાનો પ્રભાવશાળી પરિચય પણ આપ્યો છે. વળી, તેને લગ્ન માટે તેડું પણ મોકલ્યુ છે. ઉપરાંત, તેમનો ફેરો ફોગટ ન જાય તે માટેની યુક્તિઓ પણ આ પ્રેમપત્રમાં રુક્મિણી સુચવે છે.

રુક્મિણી ઉવાચ–

શ્રુત્વા ગુણાન્ ભુવનસુંદર શ્રુણ્વતાં તે

નિર્વિશ્ય કર્ણવિવરેર્હરતોડગતાપમ્

રૂપં દૃશાં દ્રશિમતામખિલાર્થલાભમ્

ત્વય્યચ્યુતાવિશતિ ચિત્તમપત્રપં મે

કા ત્વા મુકુન્દ મહતી કુલશીલ રૂપ

વિદ્યાવયોદ્રવિણધામભિરાત્મતુલ્યમ્

ધીરા પતિ કુલવતી ન વૃણીત કન્યા

કાલે નૃસિંહ નરલોકમનોડભીરામમ્

તન્મે ભવાન્ ખલુ વૃત: પતિરંગ જાયા

માત્માર્પિતશ્ચ ભવાતોડત્ર વિભો વિધેહિ

માં વીરભાગમભિમર્શતુ ચૈદ્ય આરાદ્

ગોમાયુવનમૃગપતેર્બલિમમ્બુજાક્ષ

પૂર્તેષ્ટ દત્તનિયમવ્રતદેવવિપ્ર-

ગુર્વર્ચનાદિભિરલં ભગવાન પરેશ:

આરાધિતો યદિ ગદાગ્રજ એત્ય પાણિમ્

ગૃહણાતું મે ના દમઘોષસુતાદયોન્યે

શ્વોભાવિનિ ત્વમજીતોદ્વહને વિદાર્ભાન

ગુપ્ત: સમેત્ય પૃતનાપતિભિ: પરીત:

નિર્મથ્ય ચૈદ્યમગધેન્દ્ર બલ પ્રસહ્ય

માં રાક્ષસેન વિધિનોદ્વહ વીર્યશુલ્કામ્

અંત:પુરાન્તરચરિમનિત્ય બંધૂમ-

સ્ત્વામુદ્રહે કથમિતિ પ્રવદામ્યુંપાયમ્

પૂર્વેદ્યરસ્તી મહતી કુલદેવીયાત્રા

યાસ્યાંબહિર્નવવધૂર્ગીરિજામુપેયાત્

યસ્યાઘ્ર પંકજરજ: સ્નપનમ મહંતો

વાન્છ્ન્ત્યુમાપતિરિવાત્મતમોપહત્યે

યરહ્યમ્બુજાક્ષ ણ લભેય ભવત્પ્રસાદમ્

જ્હ્યામસૂન વ્રતકૃશાંશછતજન્મભિ: સ્યાત્

(પત્રનું અર્થઘટન)

રુકિમણી શ્રીકૃષ્ણને લખે છે કે, “ગૌરવપૂર્ણ અદભૂત શૌર્ય, અલૌકિક નિષ્ઠા અને તમારું તેજસ્વી વ્યકતિત્વ જોઈને કોઈપણ કન્યા મુગ્ધ થઇ જાય એ સાવ સ્વાભાવિક છે અને હું પણ આકર્ષાઈ છું તેથી આ પત્ર લખવાનું સાહસ કરું છું.

અહીં મારા વડીલો મારો હાથ એક પશુના હાથમાં સોંપી દેવાની પેરવીમાં પડ્યા છે, પોતાના સ્વાર્થ ખાતર તેઓ મારું બલિદાન આપવા તૈયાર થયા છે. પણ હું તો તમારા ગુણ, શીલ અને બુદ્ધિમત્તાથી ખૂબ પ્રભાવિત બની છું.

મારે તો જેની પાસે મારું મસ્તક નમે એવો પતિ જોઈએ છે. જેની આગળ મસ્તક નમે તેવી અલૌકિક વ્યક્તિ એક તમે જ છો. તમારો જન્મ પરિત્રાણય સાધુનામ છે. શિશુપાલ પાસે મારું મસ્તક કદાપિ નમવાનું નથી. ડરથી પત્નીનું મસ્તક નમાવે એવા અનેક પતિઓ હોય છે પણ તેમાં એમની વિશેષતા શું?

તમને મળવાનો પહેલો માર્ગ એ છે કે હું અહીંથી નાસીને તમારી પાસે આવી જાઉં, પરંતુ તમારા જેવા વીરને, આવી રીતે નાસી આવેલી બીકણ યુવતી ગમશે નહિ જ..!

બીજો માર્ગ અંત:પુરમાંથી તમે મને લઇ જાઓ, તે છે. પરંતુ એ ચોરીછુપીની માર્ગ તમને શૂરવીરને શોભે નહિ. માટે તમે અહીં ભેગા થયેલા પશુઓનો સન હાર કરીને જ મને સૌની સામેથી જ લઇ જાઓ, એ જ ઈચ્છવા યોગ્ય છે.

વળી રાતોરાત મને ઉપાડી લઇ જાઓ એ પણ પૌરુષયોગ્ય નથી. આથી તમારે તો મને ખુલ્લેખુલ્લા બધાના દેખતા જ હરણ કરી જવી પડશે.

આમ તો ઘર બહાર હવે નીકળી શકાય એમ નથી, પણ શિશુપાળ સાથેના મારા લગ્ન પહેલા, અમારી કુળદેવી ગિરિજાને મંદિરે દર્શન કરવા જવાનો અમારા ઘરનો રિવાજ છે. હું ત્યાં દર્શન કરવા આવીશ અને તમે મને ત્યાંથી આ સૌ શિયાળોના દેખતા જ ઉપાડી જાઓ, એ મારી અભિલાષા છે.”

આ પ્રેમપત્રમાં રુક્મિણીનું કેટલું ચાતુર્ય ભર્યું છે..! કેવા પતિની પોતે અપેક્ષા રાખે છે, એ રુકિમણી એમાં જણાવે છે. પોતે એકલી જ નાસીને સામેથી કૃષ્ણ પાસે જવાનું પસંદ કરતી નથી તેમાં તેની રાજનૈતિક બુદ્ધિ છે, કારણ કે કદાચ શ્રીકૃષ્ણ તેનો અસ્વીકાર કરે તો? વળી આમ ન કરીને એ, શ્રીકૃષ્ણના પૌરૂષની પણ પ્રતીતિ કરવા ઈચ્છે છે.

તો આમ, આને એક મુત્સ્દ્દીગીરી ભર્યો પ્રેમપત્ર કહી શકાય. બુદ્ધિમાનો જ આવી કોટીના પ્રેમપત્રો લખી શકે..! માનસશાસ્ત્રનો કેટલો ઊંડો અભ્યાસ તે કાળમાં પણ હશે..!

(શ્રીકૃષ્ણ અને રુકિમણીના પ્રેમપત્રની કથા ભાગવતમાં જે રીતે આલેખાઈ છે તે સાચે જ અદભૂત છે..!)

વિદર્ભ-રાજ્યનો રાજા ભીષ્મક હતો. ખરું પૂછો તો એ, મગધના રાજા જરાસંધનો જાગીરદાર જ હતો અને માટે તેનાં કહ્યામાં જ રહેતો. રુક્મિણી આ રાજા ભીષ્મકની પુત્રી હતી, જે સમય જતાં, શ્રીકૃષ્ણના ગુણગાન અને ચરિત્ર તેમજ રૂપની કીર્તિ સાંભળીને તેમની સાથે પ્રેમમાં પડી ગઈ હતી અને તેમની સાથે જ લગ્ન કરવાનું મક્કમ મન બનાવી ચુકી હતી

રાજકુમાર રુક્મિ, એ રુક્મિણીનો મોટો ભાઈ હતો કે જે દુષ્ટ રાજા કંસનો મિત્ર પણ હતો. પણ કૃષ્ણએ કંસનો વ ધકરી નાખ્યો, તેથી તે નાની બહેન રુક્મિણીના કૃષ્ણ સાથેના લગ્નની સખત વિરુદ્ધમાં હતો. ઉપરાંત આ રુકમી, એક મહત્વાકાંક્ષી રાજકુમાર હતો અને માટે જ પોતાના ઉપરી, એવા નિર્દય રાજા જરાસંધનો ક્રોધ ઇચ્છતો ન હતો.

આ જરાસંધની ઈચ્છા હતી કે રુક્મિણીના લગ્ન ચેદીના રાજકુમાર શિશુપાળ સાથે થાય. શિશુપાળ જોકે કૃષ્ણનો પિતરાઇ ભાઈ જ હતો, પણ રાજકુમાર રુક્મિ ની જેમ જ, શિશુપાળ પણ જરાસંધનો એક જાગીરદાર અને નજીકનો સાથી હતો, આમ રુક્મિ અને શિશુપાલ, બન્ને સહકર્મી અને મિત્રો હતા. અને તેથી જ રાજકુમાર રુક્મિ પણ પોતાની બહેન રુક્મિણીના લગ્ન શિશુપાળ સંગે કરાવવા ઇચ્છુક હતો.

એટલે એ મુજબની જ, પોતાના પિતા સાથે એણે વાત કરી. કેટલીક દલીલો અને ચર્ચાઓ બાદ રુક્મિણીના પિતા રાજા ભીષ્મકે શિશુપાલ સાથે પુત્રીના લગ્ન માટે પરવાનગી આપી દીધી, પણ રુક્મિણી પોતાના પિતા અને ભાઈની વાતચીત સાંભળી લીધી અને તે ભયભીત થઈ ગઈ.

રુકિમણીને જ્યારે ખબર પડી કે, જરાસંઘ શિશુપાલ સાથે તેનું લગ્ન કરાવવા માટે પિતા ભીષ્મક પર દબાણ કરી રહ્યો છે અને તેના પિતાએ પણ એ વાત કબુલ કરી છે ત્યારે તે હતાશ થઈ ગઈ.

આખરે, અંતિમ ઉપાય તરીકે તેણે પોતાના સ્વપ્ન-પુરુષ શ્રીકૃષ્ણને એક લખ્યો જેમાં તેણે પોતાનું હ્ર્દય ઠાલવી દીધું, ઉપરાંત ત્યાંની પરિસ્થિતિ અને પોતાની વિવશતાથી તેમને અવગત કરાવી દીધા અને આગળ શુ કરવું જોઈએ એની ચોખવટ પણ કરી દીધી.

પછી આ પ્રેમસંકેત રુકિમણીએ શ્રીકૃષ્ણને, સુદેવ નામના એક વિશ્વાસુ બ્રાહ્મણ દ્વારા વિદર્ભથી છેક દ્વારકા મોકલ્યો.

પત્ર લઈને સુદેવ દ્વારિકા આવ્યો ને શ્રીકૃષ્ણને આપ્યો. એ વાંચીને તરત જ શ્રીકૃષ્ણે રુકિમણીનું બલિદાન અપાતું અટકાવવાનો નિર્ણય લીધો. તેઓએ આ નિર્ણય ત્રણ રીતે વિચારીને કર્યો હતો.

(૧) ડરી ગયેલા લોકોને નિર્ભય બનાવવા,

(૨) પોતાનું, ભાવિનું મહાન કાર્ય હતું ધર્મ સંસ્થાપના. અને એ માટે રાજકુટુંબ સાથે નાજુક સંબંધ બંધાવવો જોઈએ,

(૩) જરાસંધ તો દ્વારિકા ઉપર ચડાઈ લઈને આવતો નથી, તો આ બહાને ત્યાં જ એની પશુતાને ખલાસ કરવાનો એક અવસર પણ પ્રાપ્ત થશે.

દરમિયાન, રાજકુમાર રુક્મીનો સંદેશો મળવાથી શિશુપાલ ખુશ થયો, કે તે અમરાવતી જિલ્લાના કુંદિના ખાતે(હાલના કૌંડિનીપુર) આવી શકે છે અને રૂક્મિણીનું માંગુ નાખી શકે છે.

જોકે જરાસંધને આટલો વિશ્વાસ ન હતો, માટે તેણે તેના તમામ જાગીરદારો અને સાથીઓને પણ સાથે મોકલ્યા, કારણ કે તેમને લાગ્યું કે કૃષ્ણ કદાચ રૂક્મિણીના લગ્નમાં બાધા નાખવા આવશે. રાજા ભીષ્મકે તે સર્વેનું સ્વાગત કર્યું અને ખુશીથી આવકાર આપ્યો.

દરમિયાન રુક્મિણી મહેલમાં લગ્ન માટે અસહમત જ હતી. તેણે સહમતીનો ડોળ માત્ર જ કર્યો, બાકી ભીતરમાં તો તે નિરાશ અને વ્યથિત હતી કે કૃષ્ણ તરફથી હજી સુધી કોઈ સમાચાર આવ્યા નથી. પરંતુ તે પછી, તેની ડાબી જાંઘ, હાથ અને આંખ વળી ગઈ, કે જેને તેણે શુભ શુકન તરીકે માની લીધું.

ટૂંક સમયમાં જ પેલાં બ્રાહ્મણે આવીને જાણ કરી કે કૃષ્ણે તેમની વિનંતી સ્વીકારી છે. તે હર્ષિત થઈ ઉઠી અને કુળદેવીની પૂજા માટે મંદિરે જવાનો નિશ્ચય જાહેર કર્યો. મહેલ બહાર નીકળતાંની સાથે જ તેણે ત્યાં કૃષ્ણને જોયા અને બસ, પળવારનોય વિલંબ કર્યા વિના, વીજળીની ઝડપે તે તેની સાથે રથમાં સવાર થઈ.

જ્યારે શિશુપાલે તેમને જોયા ત્યારે તે બંને ત્યાંથી ચાલવા લાગ્યા. જરાસંધના બધાં દળોએ તેમનો પીછો કરવાનું શરૂ કર્યું. બલરામે તેમાંથી મોટાભાગના લોકોને પકડ્યા અને બધાને પાછા મોકલી દીધા. પણ રાજકુમાર રુકમીએ કૃષ્ણ અને રૂક્મિણીને લગભગ પકડી લીધા. તેની મુલાકાત ભદ્રોડ નજીક કૃષ્ણ સાથે થઈ.

પછી તો, કૃષ્ણ અને રુકમી વચ્ચે ભયંકર દ્વંદ્વ-યુ ધથયું. જ્યારે કૃષ્ણ તેનો વ ધકરવા જઇ રહ્યા હતા, ત્યારે રુક્મિણી કૃષ્ણના પગે પડી અને તેના ભાઈને માફ કરવાની વિનંતી કરી. હંમેશાં પરોપકારી એવા શ્રીકૃષ્ણ એ માટે સંમત થયા, પરંતુ સજા તરીકે રૂક્મીના માથાના બધાં જ વાળ કાપીને તેને છોડી દીધો.

(યો ધામાટે આથી વધુ શરમજનક કંઈ નહોતું. આ હારને કારણે ગામલોકો દ્વારા રાજકુમાર રુક્મીને ગૌડેરા તરીકે પૂજવામાં આવતા, પછીથી તે હાર અને શરમના દેવ તરીકે જાણીતો થયો.)

કૃષ્ણ, રુક્મિણીનું હરણ કર્યા બાદ, પોરબંદર પાસેના માધવપુર ઘેડ ગામે આવ્યા અને તેની સાથે આ સ્થળે લગ્ન કર્યાં.

ત્યાંથી પછી દ્વારકામાં કૃષ્ણ અને રૂક્મિણીનું ખૂબ ધૂમધામ અને સમારોહ યોજીને સ્વાગત કરવામાં આવ્યું.

આ લગ્નપ્રસંગની યાદમાં માધવપુર ખાતે માધવરાયનું એક મંદિર બનાવવામાં આવ્યું છે. અને દર વર્ષે ચૈત્ર સુદ નવમીથી તેરસ સુધી સાંસ્કૃતિક મેળામાં આ લગ્નની યાદમાં માધવપુરમાં આ સમારોહનું આયોજન કરવામાં આવે છે.

(ક્રમશ:)

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)