શ્રી ક્રિષ્ણ સર્વત્ર તમે છો…
એકાક્ષર ૐ કાર તમે છો, મહર્ષિઓમાં ભૃગુ તમે છો;
યજ્ઞોમાં જપયજ્ઞ તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૧
સેનાપતિમાં કાર્તિકેય ને, જળાશયોમાં સમુદ્ર છો;
પુરોહિતોમાં બૃહસ્પતિ છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૨
વેદોમાં તમે સામવેદ છો, આદિત્યોમાં વિષ્ણુ છો;
તેજપુંજમાં સૂર્ય તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૩
દેવગણોમાં ઇન્દ્ર તમે છો,
નક્ષત્રોમાં ચંદ્ર તમે છો;
ઈન્દ્રિયોમાં મન તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૪
વાયુશ્રેષ્ઠ મરીચિ છો ને,
નગાધિરાજ હિમાલય છો;
સર્વ મનોના મન તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૫
રુદ્રોમાં તમે શંકર છો,
વસુઓમાં તમે પાવક છો;
યક્ષોમાં તમે કુબેર છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૬
ગંધર્વોમાં ચિત્રરથ ને,
દેવર્ષિમાં નારદ છો;
વાણીમાં ૐ કાર તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૭
પર્વત શ્રેષ્ઠ સુમેરુ તમે છો,
વૃક્ષોમાં તમે પીપળ છો;
સ્થાવર જંગમના ચેતન છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૮
હાથીમાં ઐરાવત છો ને,
અશ્વોમાં ઉચૈઃશ્રવા છો;
ગાયોમાં તમે કામધેનુ છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૯
મુનિઓમાં શ્રી કપિલ તમે છો, માનવગણમાં રાજા છો;
સૃષ્ટિસર્જક કામદેવ છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૧૦
સર્પોમાં છો વાસુકી ને,
અનંત નામે નાગ તમે છો;
ધર્મરાજ-યમરાજ તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૧૧
ખગમંડળમાં ગરુડ તમે છો ને, વનચરમાં વનરાજ તમે છો;
સમયેશ્વર ત્રિકાળ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૧૨
પિતૃઓમાં સૂર્ય-અર્યમાં,
પવિત્રકર્તા પવન તમે છો;
જળના દેવ શ્રીવરુણ તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૧૩
શ સ્ત્રધારીમાં રામ તમે છો,
દૈત્યોમાં પ્રહલ્લાદજી છો;
કર્મનું ફળ દેનાર તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૧૪
મગરમચ્છ છો જળચરમાં જે, નદીઓમાં ગંગાજી છો;
આદિ મધ્ય ને અંત તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૧૫
વિદ્યામાં અધ્યાત્મ તમે છો, વક્તાઓમાં વાદ તમે છો;
સમુદાયમાં દ્વંદ્વ તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૧૬
સર્વના ઉત્પત્તિ કારણ છો ને, મહાકાળ સંહારક છો;
ભાવિ સૃષ્ટિના સર્જક છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૧૭
કીર્તિ સ્મૃતિ ને લક્ષ્મી છો,
ધીરજ ક્ષમા ને બુદ્ધિ છો;
શબ્દાતીત વિભૂતિ છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૧૮
સામવેદમાં બૃહત્સામ ને,
છંદોમાં ગાયત્રી છો;
સકળ સૃષ્ટિનું બીજ તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૧૯
મસોત્તમમાં માર્ગશીર્ષ ને,
ઋતુઓમાં ઋતુરાજ તમે છો;
તેજસ્વીનું તેજ તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૨૦
નિશ્ચયીના દ્રઢ નિશ્ચય છો ને, વિજયવરોના વિજય છો;
સત્યશાળીના સત્ય તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૨૧
આયુધોમાં વજ્ર તમે છો,
દ્યુતમાં છલબલ શ્રેષ્ઠ તમે છો;
ન્યાયી દમનમાં દંડ તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૨૨
કવિઓમાં શ્રીશુક્ર તમે છો,
ગુપ્ત ભાવમાં મૌન તમે છો;
અકાર ઉકાર મકાર તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૨૩
મર્યાદા પુરુષોત્તમ છો ને,
પૂર્ણપણે પુરષોત્તમ છો;
સર્વ થકી સર્વોત્તમ છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૨૪
સર્વ હ્રદયમાં આત્મા છો,
વિરાટના ક્ષેત્રાત્મા છો;
પરબ્રહ્મ પરમાત્મા છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૨૫
યદુવંશભૂષણ કૃષ્ણ તમે છો, પાંડવમાં અર્જુન તમે છો;
દ્વૈપાયન શ્રીવ્યાસ તમે છો,
શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો… ૨૬
જે કાંઈ શોભાવાળું છે,
ઐશ્વર્ય ઓજસવાળું છે;
પ્રાણ ને બળમાં ન્યારું છે,
રૂપ ને તેજ તમારું છે… ૨૭
સૌને મોહિત કરનારું છે,
સૌને સુખ દેનારું છે;
વૈષ્ણવ જનને પ્યારું છે,
શ્રી કૃષ્ણ એ નામ તમારું છે… ૨૮
શ્રી કૃષ્ણઃ શરણં મમ,
શ્રી કૃષ્ણઃ શરણં મમ
શ્રી કૃષ્ણઃ શરણં મમ,
શ્રી કૃષ્ણઃ શરણં મમ
– અજ્ઞાત
(સાભાર હસમુખ ગોહિલ, અમર કથાઓ ગ્રુપ)