જાણો કેવી થઇ હતી હનુમાનજી અને શ્રીરામની પહેલી ભેટ, વાંચો આખી સ્ટોરી.
એકવાર હનુમાનજી ઋષ્યમૂક પર્વતના એક ઊંચા શિખર પર બેઠા હતા. તે સમયે ભગવાન શ્રીરામચંદ્રજી લક્ષ્મણજી સાથે સીતાજીની શોધમાં ઋષ્યમૂક પર્વત પાસે પહોંચ્યા. ઊંચા શિખર પરથી વાનરોના રાજા સુગ્રીવે તે લોકોને જોયા. તેમણે વિચાર્યું કે તે બાલીએ મોકલેલા બે યોદ્ધા છે, જે મને મારવા માટે હાથમાં ધનુષ-બાણ લઈને આવી રહ્યા છે.
તે બંને દૂરથી જ ઘણા શક્તિશાળી દેખાઈ રહ્યા હતા. તેમનાથી ગભરાઈ જઈને તેમણે હનુમાનજીને કહ્યું, હનુમાન જુઓ બે ઘણા જ શક્તિશાળી મનુષ્ય હાથમાં ધનુષ-બાણ લઈને આ તરફ આવી રહ્યા છે. લાગે છે કે બાલીએ મને મારવા માટે તેમને મોકલ્યા છે. તેઓ ચારેય તરફ મને જ શોધી રહ્યા છે. તમે તરત તપસ્વી બ્રાહ્મણનું રૂપ લઈને તે બંને યોદ્ધાઓ પાસે જાવ, તથા તે જાણકારી મેળવો કે તે કોણ છે અને અહીં શા માટે ફરી રહ્યા છે? જો તમને સંકટ જેવું જણાય તો તરત મને સંકેત આપી દેજો. હું તરત આ પર્વત છોડીને ક્યાંય બીજે જતો રહીશ.
સુગ્રીવને અત્યંત ડરેલા અને ગભરાયેલા જોઈને હનુમાનજી તરત તપસ્વી બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ભગવાન શ્રીરામચંદ્ર અને લક્ષ્મણજી પાસે પહોંચ્યા. તેમણે બંને ભાઈઓને માથું નમાવીને પ્રણામ કરતા કહ્યું, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? અહીંની ધરતી ઘણી કઠોર છે. અને તમારા લોકોના પગ ઘણા કોમળ છે. તમે કયા કારણથી અહીં ફરી રહ્યા છો? તમારા લોકોની સુંદરતા જોઈને તો એવું લાગે છે કે, જાણે તમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાંથી કોઈ છો અથવા નર અને નારાયણ નામના પ્રસિદ્ધ ઋષિ છો. તમે તમારો પરિચય આપીને મારા પર ઉપકાર કરો.
હનુમાનજીની આવી મનને સારી લાગે એવી વાતો સાંભળીને ભગવાન શ્રીરામચંદ્રજીએ પોતાનો અને લક્ષ્મણનો પરિચય આપતા કહ્યું કે, રાક્ષસોએ સીતાજીનું હરણ કર્યું છે. અમે તેમને શોધવા માટે ચારેય તરફ ફરી રહ્યા છીએ. હે બ્રાહ્મણ દેવ, મારું નામ રામ તથા મારા ભાઈનું નામ લક્ષ્મણ છે. અમે આયોધ્યા નરેશ મહારાજ દશરથના પુત્ર છીએ. હવે તમે તમારો પરિચય આપો.
ભગવાન શ્રીરામચંદ્રની વાતો સાંભળીને હનુમાનજી જાણી ગયા કે તે પોતે ભગવાન જ છે. તે તરત જ તેમના ચરણોમાં પડી ગયા. પછી શ્રીરામે તેમને ઉભા કર્યા અને તેમને ભેટ્યા.
હનુમાજીએ કહ્યું, પ્રભુ તમે તો આખા સંસારના સ્વામી છો. મને મારો પરિચય શા માટે પૂછો છો? તમારાચરણોની સેવા કરવા માટે જ મારો જન્મ થયો છે. હવે મને તમારા પરમ પવિત્ર ચરણોમાં જગ્યા આપો.
ભગવાન શ્રીરામે પ્રસન્ન થઈને તેમના માથા પર પોતાનો હાથ મુક્યો. હનુમાનજીએ ઉત્સાહ અને પ્રસન્નતાથી બંને ભાઈઓને ઉંચકીને પોતાના ખભા પર બેસાડી દીધા. સુગ્રીવે હનુમાનજીને કહ્યું હતું કે, સંકટની કોઈ વાત હોય તો ત્યાંથી જ મને સંકેત આપજો. અને હનુમાનજીએ શ્રીરામ અને લક્ષ્મણને પોતાના ખભા પર બેસાડ્યા, તે સુગ્રીવ માટે એ વાતનો સંકેત હતો કે ડરવાની કોઈ જરૂર નથી. પછી હનુમાનજી બંને ભાઈઓને પોતાના ખભા પર બેસાડીને સુગ્રીવ પાસે ગયા અને તેમનો પરિચય કરાવ્યો. ભગવાન શ્રીરામે સુગ્રીવના દુઃખ અને કષ્ટની બધી વાતો જાણી. તેમને પોતાના મિત્ર બનાવ્યા અને દુષ્ટ બાલીને મારીને તેમને કિષકિંધાના રાજા બનાવી દીધા. આ રીતે હનુમાનજી અને શ્રીરામની મદદથી સુગ્રીવના બધા દુઃખ દૂર થઈ ગયા.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.