શ્રીરામકૃષ્ણદેવે એક પતિ પત્નીને આ રીતે આપ્યું પોતાના પ્રત્યક્ષ હોવાનું પ્રમાણ, અદ્દભુત પ્રસંગ છે.

0
700

શ્રીરામકૃષ્ણદેવ આજે પણ પ્રત્યક્ષ છે (૧)

– અશ્વિન રાવલ (અમદાવાદ).

૧૯૭૩ ની આ વાત. એ સમયે મારી ઉંમર ૨૪ વર્ષ ની. ઓખા પોસ્ટઓફિસ માં ટેલિગ્રાફ વિભાગ હું સંભાળતો હતો. અમારી ઓફિસની બરાબર સામે ટેલિફોન એક્ષચેન્જ હતું. ટેલીગ્રામની લાઈન જ્યારે બંધ હોય ત્યારે ફોનથી ટેલીગ્રામ આવતા એટલે ટેલિફોન ઓફિસ સાથે મારો રોજનો વ્યવહાર હતો.

ટેલિફોન એક્ષચેન્જમાં ૩ ટેલિફોન ઓપરેટર હતા. એક્સચેન્જ ૨૪ કલાક ચાલુ રહેતું એટલે દરેકના સમય બદલાતા રહેતા. દિવસની પાળીમાં મોટા ભાગે રમણભાઈ પટેલ નામના એક યુવાન ઓપરેટરની ડ્યુટી હોવાથી મારે એમની સાથે વાતચીત વધારે થતી. ૧૯૭૩ માં તો અમારી વાતચીત માત્ર ટેલીગ્રામ પૂરતી જ રહી. પણ ૧૯૭૪ શરૂ થતાં એમનો પરિચય વધતો ગયો. આગળની વાત સમજવા માટે આટલું બેકગ્રાઉન્ડ જરૂરી છે.

ઓખામાં એ સમયે શ્રી રામ શર્મા આચાર્ય પ્રેરિત ગાયત્રી પરિવાર ખૂબ સક્રિય હતો. દર રવિવારે ગાયત્રી પરિવાર તરફથી કોઈને કોઈ વ્યક્તિના ઘરે ગાયત્રી યજ્ઞ થતો. અને એક નાગર તરીકે ગાયત્રી મંત્ર માં રસ વધારે હોવાથી હું પણ ક્યારેક ગાયત્રી યજ્ઞમાં ભાગ લેતો.

ગાયત્રી પરિવાર માં ભદ્રકાંતભાઈ આચાર્ય મારી આધ્યાત્મિક પિપાસા વિષે જાણતા એટલે એમણે એક દિવસે મને ટેલિફોન એક્સચેન્જ વાળા રમણભાઈનો એક જુદો જ પરિચય આપ્યો કે એ એક મળવા જેવા માણસ છે અને બહુ ઓછા લોકો રમણભાઈને ઓળખે છે. એ શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથે ક્યારેક પ્રત્યક્ષ વાતો પણ કરે છે.

મને આ વાતની નવાઈ લાગી એટલે એક દિવસ ઓફિસ છૂટ્યા પછી સાંજે સાત વાગે હું એક્સચેન્જમાં એમને રૂબરૂ મળવા ગયો. ત્યારે એ ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ વાંચતા હતા. મેં એમને કહ્યું કે મેં તમારા વિષે ખૂબ સાંભળ્યું છે અને હું પણ આધ્યાત્મિક પંથ નો પ્રવાસી છું.

” મને ખબર હતી કે તમે આજે મને મળવા આવશો.” રમણભાઈએ હસીને મને કહ્યું. જો કે મને તેમની વાત સમજાઈ નહી. હું એમની સામે જોઈ રહ્યો.

” એક કામ કરો રાવલ ભાઈ. કાલથી સાંજે સાત વાગે આવી જજો. આપણે રોજ દરિયા કિનારે લટાર મારીશું. એ બહાને થોડો સત્સંગ થશે. “રમણભાઈ બોલ્યા.

અને બીજા દિવસથી અમારી સત્સંગ યાત્રા ચાલુ થઈ. શ્રી રામકૃષ્ણ પરમહંસ ને એમના ભક્તો ‘ઠાકુર’ તરીકે ઓળખે. રમણભાઈ પટેલે રામકૃષ્ણ મિશન રાજકોટમાં મંત્ર દિક્ષા લીધેલી એટલે મારી સાથે રોજ એ ઠાકુર ની જ વાતો કરતા.” ઠાકુરની ચેતના પૃથ્વીથી ખૂબ જ નજીક છે. ગુરુ મહારાજ મારું કેટલું ધ્યાન રાખે છે. ગુરુ મહારાજે મારા માટે શું શું નથી કર્યું ” વગેરે વાતો કર્યા કરે.

એ મોટા ભાગે ભાવ અવસ્થા માં રહેતા અને માત્ર ઠાકુરની જ વાતો કરતા. આવી વાતો કરતાં ક્યારેક એમની આંખમાં આંસુ પણ આવી જતાં. ચમત્કારો વિશે મેં સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ ચમત્કારો મેં એમના સત્સંગમાં અનુભવ્યા.

એક વાર અમે દરિયા કિનારે જઈ રહ્યા હતા ત્યારે અચાનક એ ઊભા રહી ગયા અને મને કહ્યું ” રાવલ ભાઇ આજે આપણે અહીં અટકી જઈએ. મારા ઘરે કોઈ મહેમાન આવ્યા છે અને મારો દીકરો લાલો મને બોલાવવા દોડતો આવી રહ્યો છે.”

અને ખરેખર ૩ મિનિટ માં એમનો દીકરો દોડતો આવ્યો કે ઘરે મહેમાન આવ્યા છે.

એક વાર હું સાંજની બસ માં દ્વારકા જવા માટે બસ સ્ટેન્ડ જઇ રહ્યો હતો. રસ્તામાં જ એક્ષચેન્જ હોવાથી હું રમણભાઈને મળવા ગયો. રમણભાઈ એ કહ્યું ” તમે પાછા વળી જાઓ. કાલે જજો. બસને આજે પંક્ચર પડશે એટલે નહી આવે. ”

વિશ્વાસ નહોતો એટલે હું ડેપો માં ગયો. દોઢ કલાક સુધી બેસી રહ્યો પણ બસ ના આવી. કોઈક સમાચાર લાવ્યું કે બસના ટાયરને પંકચર થયું છે.

આવા અનેક અનુભવો થતા રહ્યા એટલે મને એમનામાં શ્રદ્ધા બેઠી અને મેં પણ શ્રી રામકૃષ્ણદેવને જ મારા ગુરુ તરીકે સ્વીકારવાનો સંકલ્પ કર્યો.

એક બીજી વાત પણ કરી લઉં કે રમણભાઈને શ્રી ઠાકુર એકદમ પ્રત્યક્ષ હતા અને એ એમની સાથે વાતો પણ કરતા. ઘણી વાર એ મને કહેતા કે આ ડોસો મને છોડતો નથી. સાચું કહું તો એમના આ ચમત્કારોથી હું ખૂબ જ અંજાઈ ગયેલો.

શ્રી ઠાકુરને ગુરુ તરીકે સ્વીકારવાનો સંકલ્પ મેં ૪ એપ્રિલ ૧૯૭૪ ની સાંજે સાત વાગે રમણભાઈ ના ઘરે રામકૃષણદેવની છબી આગળ કર્યો. મેં ઠાકુરના ફોટા આગળ મસ્તક નમાવી મને શિષ્ય તરીકે સ્વીકારવા હૃદય પૂર્વક વિનંતી કરી.

હવે બીજા દિવસે ૫ એપ્રિલના રોજ મારા જીવનમાં જે ઘટના બની એણે મને હલાવી દીધો. એ યાદ કરતાં આજે પણ એક રોમાંચક અનુભૂતિ થાય છે. બન્યું એવું કે બીજા દિવસે એટલે કે પાંચ તારીખે સવારે ૬ વાગે મેં મારી પત્ની પ્રભુતા ને ચા પીતાં પીતાં જસ્ટ વાત કરી કે ” મેં શ્રી રામકૃષ્ણદેવ ને મારા ગુરુ તરીકે સ્વીકાર્યા છે અને હવે હું રામકૃષ્ણ આશ્રમ રાજકોટ માં મંત્ર દિક્ષા લઈશ.”

મારી પત્નીએ મારા આ નિર્ણયનો વિરોધ કર્યો. ખૂબ લાંબી ચર્ચા થઈ.

“ગુરુ કરવા જેવી બાબત માં આવા ઉતાવળા નિર્ણયો તમારે ના લેવા જોઈએ. આપણે નાગર છીએ. ગાયત્રી મંત્ર ની દિક્ષા તમે શ્રી રામ શર્મા આચાર્ય પાસેથી લઈ લો. રામકૃષ્ણ તો કલકત્તા માં મહાકાળી ના ઉપાસક હતા એટલી મને ખબર છે. એ આજે હયાત નથી. એમનો મંત્ર લેવાનો શું મતલબ? તમે કોઈની વાતો માં બહુ આવી જાઓ છો. તમારે એમની મંત્ર દીક્ષા લેવાની કોઈ જરૂર નથી. ”

મારી પત્નીની જોરદાર દલીલો સાંભળી મને પણ થયું કે ચમત્કારોથી અંજાઈ ને મંત્રદિક્ષા લેવાનો મેં ખોટો નિર્ણય લીધો છે. હું મુંઝાઈ ગયો. મેં તો રામકૃષ્ણદેવ નું નામ પણ રમણભાઈ પાસેથી પહેલી વાર સાંભળ્યું છે. ગુરુ કરવાની બાબતમાં આટલી ઉતાવળ કરવી જોઈએ નહીં.

મને અચાનક રમણભાઈએ કહેલી ઍક વાત યાદ આવી. ” ગુરુ મહારાજ હંમેશા કહેતા કે મને માનતા પહેલાં મારી કસોટી કરવી.”

શું કરવું હવે? પરીક્ષા કેવી રીતે કરવી?

(અહીં એક બીજી વાત જણાવી દઉં કે રમણભાઈ ઓખામાં પોર્ટ કોલોની માં રહેતા જ્યારે હું નવી બજાર એરિયા માં રહેતો. ઓખામાં આ બંને અલગ અલગ વિસ્તારો છે. અમે હંમેશા એક્ષચેન્જમાં મળતા અને ક્યારેક હું એમના ઘરે જતો. પરંતુ હું ક્યાં રહું છું એ એમણે મને ક્યારે પણ પૂછ્યું નહોતું.)

મને બસ એ જ વિચાર આવ્યો કે રમણભાઈને હું ક્યાં રહું છું એ ખબર નથી. શું અત્યારે આટલી વહેલી સવારે રમણભાઈ મારા ઘરે આવે ખરા? મારી પત્નીને સમજાવી શકે?

“ઠાકુરે પરીક્ષા કરવાનું કહ્યું છે તો ચાલો આપણે એક પરીક્ષા કરીયે. જો ઠાકુર આજે પણ હાજરા હજુર હોય તો એ રમણભાઈ ને અત્યારે જ આપણા ઘરે મોકલે. અત્યારે ૬ અને ૨૫ મિનિટ થઇ છે. જો રમણભાઈ અત્યારે ૧૫ ૨૦ મિનિટ માં આવે તો તું માનીશ ને કે મારો નિર્ણય ખોટો નથી?” — અચાનક મેં મારી પત્ની પ્રભુતાને કહ્યું. મારી વાત સાંભળીને એ હસવા લાગી.

એ વખતે મોબાઈલ ફોન નહોતા. મેં ઠાકુરનું માનસિક સ્મરણ કરી સાચા દિલથી પ્રાર્થના કરી કે દીક્ષા લેવાનો મારો નિર્ણય સાચો હોય અને તમે જો આજે પણ પ્રત્યક્ષ હો તો અત્યારે ને અત્યારે રમણભાઈને મારા ઘરે મોકલો.

૧૫ મિનિટ માં રમણભાઈ હાંફળા ફાંફળા મારા ઘરે દોડતા દોડતા આવ્યા. બરાબર સવારે ૬ અને ૪૦ મિનિટે !!

અમારા બંને ઉપર ગુસ્સે થઈ ને બોલ્યા.

” તમને લોકોને કંઈ ભાન છે? મારી આજે રાત પાળી હતી. હજુ પાંચ વાગે ઘરે આવીને માંડ સૂતો છું ત્યાં ઠાકુરે મારી રજાઈ ખેંચી લીધી અને મને હચમચાવી નાખ્યો. મને કહે ચાલ, પેલાને મારી પરીક્ષા કરવી છે. અને મને ધક્કો મારી મારી ને તમારા ઘર સુધી દોડાવ્યો અને ઘર પણ બતાવ્યું. સવારના પહોરમાં ગુરુ મહારાજને હેરાન કરો છો બંને જણાં? ”

અમે બંને અવાચક બની ગયાં. સ્તબ્ધ બની ગયાં !! બોલવા જેવું કંઈ હતું જ નહી. ઠાકુર શું આટલા બધા પ્રત્યક્ષ છે?

(આ અનુભવ એકદમ સત્ય છે અને એમાં જરા પણ અતિશયોક્તિ નથી કરી.)

– અશ્વિન રાવલ (અમદાવાદ). (અમર કથાઓ ગ્રુપ)