શ્રી સત્યનારાયણ કથા અધ્યાય ૩ માં આપણે જાણ્યું કે, કેવી રીતે ભગવાને વણીકોને જેલમાંથી મુક્ત કરાવ્યા. આવો હવે અધ્યાય – ૪ વાંચીએ.
શ્રી સુતજી બોલ્યા: “યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિવાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યુ. આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેષમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા:“હે શેઠ! તમારી આ હોડીમાં શું ભર્યુ છે?”
ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું: “હે સાધુ! તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલા-પાંદડાં જ ભરેલા છે.”
શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહયુ: “સારુ ભાઇ, તમારી વાત સાચી પડો.” એમ કહી સાધુ વેષધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઇ એક જગ્યાએ દરીયાની નજીક બેસી ગયા.
દંડી સન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઇ ગુચવણમાં પડી ગયો. તેણે હોડીમાં વેલા-પાંદડાં જોયાં અને મૂર્છિત થઇ જમીન પર ઢળી પડ્યો. શેઠની એ દશા જોઈ એના જમાઇએ કહ્યું: “ હે પિતા ! આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઇ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધે થઇ રહ્યું છે, એમાં શંકા નથી. આપ એના શરણે જાઓ. એ સર્વ શક્તિમાન છે અને કાંઇ પણ કરી શકે છે.”
જમાઈનાં આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઇ પગે પડી આદર સહીત વિનંતિ કરવા લાગ્યા: “હે ભગવાન! હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો.” આમ વારંવાર કહી ખુબ શોક કરવા લાગ્યો.
વેપારીઓને રડતા જોઇ સાધુ વેષધારી ભગવાને કહ્યું: “ હે શેઠ! વિલાપ ન કર. મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતા તે મારી પૂજા કરી નહી. મિથ્યા વચનો બોલ્યો. આથી જ હેદુર્બુદ્ધિ ! તને વારંવાર દુ:ખ સહન કરવાં પડ્યાં.”
શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો: “હે પ્રભુ! સર્વ બ્રહ્માદી દેવતા પણ આપની માયાથી મોહિત છે, અને આ આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી. તમારી માયાથી મોહીત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારુ જે ધન હતુ તે મને પાછુ આપો. હું મારા વૈભવ અનુસાર આપનુ પૂજન કરીશ. શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા.
શેઠે આવીને પોતાની હોડીને ધન-ધાન્યથી પૂર્ણ જોઇ. ‘સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ’ એમ કહી શ્રીસત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યુ. નગર દેખાતાં જ શેઠે પોતાના જમાઈને કહ્યું, ‘જુઓ મારું રત્નપુરી.’ અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવારવાના કર્યો. દૂતે નગરમાં પહોચી શેઠની પત્નીને જોતા હાથ જોડીશુભ સમાચાર આપતા કહ્યું. શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીકઆવી પહોચ્યા છે.
દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઇ, અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યુ કે, હું જઇને એ લોકોનું સ્વાગત કરૂ છુ અને તું પણ (પૂજા પૂરી કરીને) જલ્દી આવ. કલાવતીએ માઁ નાં વચનો સાંભળી (પ્રસન્ન થઇ) પૂજા પૂરી કરી, પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઇ.
પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને એની હોડી સહીત અદ્રશ્ય કરી દીધો. કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઇજમીન પર ઢળી પડી. કન્યા કલાવતી ને બહુ જ દુ:ખી અને હોડીને અદ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યુ ‘આ તે કેવું આશ્ચર્ય ?’ હોડી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખુબ ગભરાઈ ગઈ અને અતિ દુ:ખથી વિલાપ કરવા લાગી.
‘જરા વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણ જાણે કયા દેવની અવગણના થઈ? હું કશુ જાણી શકતી નથી. સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તીમાન છે?’ આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વીલાપ કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુ:ખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખબુ રુદન કર્યુ. કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતિ થવાનો મનસૂબો કર્યો.
કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંતપ્ત તે ધર્મવિદ્ સજ્જનવણીક પોતાની પત્ની સહીત વિચારવા લાગ્યો. “આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની? ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યાં છીએ.” એમ માની શેઠે પોતાનાંસગાં વહાલાંને બોલાવી સંકલ્પ કર્યો, ‘આ ઘોર સંકટ દૂર થતા જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ.’ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત્ પ્રણામ કરવા લાગ્યો.
આથી દીન જનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું, ‘પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી આથી જ ખરેખર એનો પતિ એ જોઇ શકતી નથી.” જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો એને એનો પતિ તરત જ પ્રાપ્ત થશે એમાં સંશય નથી.
કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાાંભળી કે તરત જ ઘરે જઇ પ્રસાદ લીધો, અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન થયો હતો ત્યાં આવી. પોતાના પતિને સામે જોઇ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું, “ચાલો હવે ઘરે જઈએ, વિલંબ શા માટે કરો છો?’
કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન થઇ ભાઇ-ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો. અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યુ. આ પછી પણ દર મહીનાની પુર્ણીમા તથા સંક્રાંતિના દિવસે નિયમ પુર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો. આ વ્રતના પ્રતાપથી શેઠે આ લોકનાં સઘળાં સુખ ભોગવી અંતે વૈકુંઠધામમાં પહોચ્યો.
બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય.
વધુ આવતા અંકે.
સાભાર એમ. વડોદરિયા (અમર કથાઓ ગ્રુપ)
શ્રી સત્યનારાયણ કથા અધ્યાય ૧ થી ૩ તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.