શ્રીસ્વામિનારાયણ જયંતી : રામનવમી પર જ થયો હતો ભગવાન સ્વામિનારાયણનો જન્મ, વાંચો તેમનો મહિમા

0
264

ચૈત્ર સુદ નોમ, એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને દયાળુ, શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મદિન. જેમણે તમામ ગુણો આત્મસાત કરી હંમેશા ધર્મની રક્ષા કરી, મોહનો ત્યાગ કરી પરિવારને મહત્વ આપ્યું એવા ભગવાન રામના ચરણોમાં મારા વંદન. જય શ્રી રામ

જેમણે કળિયુગમાં પણ ધર્મની મર્યાદામાં રહી શકાય એવું સાબિત કર્યું.. જેમણે દરેક જીવ પ્રત્યે દયા રાખવાનું શીખવ્યું એવા અક્ષરાધિપતિ ભગવાન સ્વામિનારાયણ ને મારા વંદન. જય સ્વામિનારાયણ.

સ્વામિનારાયણ જયંતી :

અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભકિત માતાનીની કૂખે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ ને સોમવાર ૩ એપ્રિલ ૧૭૮૧ ની રાત્રિએ ૧૦ વાગીને ૧૦ મિનિટે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો. વળી યોગાનુયોગે તે દિવસે રામનવમી પણ હતી. આથી આ દિવસને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઉજવે છે. તેમનું બાળપણમાં નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું. તેમને બે ભાઈઓ હતા, જેમાં મોટાભાઈનું નામ રામપ્રતાપ પાંડે અને નાનાભાઈનું નામ ઇચ્છારામ પાંડે હતું.

તેમણે સાત વર્ષની ઉમરે હિન્દુ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી તેમાં પારંગત થયા હતા. અને ગૃહત્યાગ કરી વનમાં અને આખા ભારતનાં તીર્થોમાં આશરે ૧૨૦૦૦ કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું અને પીપલાણા મુકામે રામાનંદ સ્વામી પાસેથી વિ.સં ૧૮૫૭ ની કારતક સુદ અગિયારસને ૨૮ ઓક્ટોબર ૧૮૦૦ ના રોજ તેમણે દીક્ષા લીધી.

રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ પાડયાં. રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી તેમને સોંપી. તેમણે અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને ભગવાન સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. આમ ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય બન્યો.

ભગવાન શ્રી સ્વામિનારાયણે શુદ્ધ ઉપાસના જળવાઈ રહે અને મોક્ષનો માર્ગ અવિરત ચાલુ રહે તે હેતુથી મંદિરોના નિર્માણ કરાવ્યા અને સમગ્ર સંપ્રદાયની વહીવટી સરળતા રહે તે હેતુથી ભારતના કલકતાથી દ્વારકા સુધીના ઉત્તર અને દક્ષિણ વિભાગ કરી અમદાવાદ ઉત્તર વિભાગ શ્રી નરનારાયણ દેવ ગાદી અને વડતાલ દક્ષિણ વિભાગ શ્રીલક્ષ્મીનારાયણ દેવ ગાદીની સ્થાપના કરી.

પોતાના બે ભત્રીજાને દત્તક લઈ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને અમદાવાદ ગાદીના આચાર્ય તરીકે અને શ્રી રઘુવીરજી મહારાજને વડતાલ ગાદીના આચાર્ય તરીકે નિમણુંક કરી. વડતાલને સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું.

શિક્ષાપત્રી અને દેશવિભાગના લેખની રચના કરી આશ્રિતો માટે વર્તવાના નિયમો આપ્યા. વડતાલ ગાદીની આચાર્ય પરંપરાના નેતૃત્વ હેઠળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ધીરે ધીરે ભારત સહિત દેશ-વિદેશમાં સતત પ્રગતિ કરતો રહ્યો છે.