ઉદેપુરના રાજરાણી : ઝમકુબા
મછીયાવ ગામની એક દીકરીને ઉદેપુર પરણાવી હતી.તેને મળવા મછીયાવનો એક મુળજી નામનો બ્રાહ્મણ ઉદેપુર આવ્યો.માટલી લઇને તે આવેલો એટલે તેને રાણીવાસમાં પ્રવેશ મળ્યો.અહીં તેણે મહારાજના મહિમા ની ઘણી વાતો કરી.આ વાત ઝમકુબા ને કાને પડી.
મૂળ વાગડ ગામના ઝમકુબા સંસ્કારી જીવ હતા.ઉદેપુરના રાણા સાથે તેમને પરણાવેલાં.પણ રાણો આસુરી જીવ હતો. તે અભક્ષ્ય વસ્તુઓ ખાતો અને મ દિરા પાન કરતો.અને રાણીને પણ આ બધુ કરવા આગ્રહ કરતો.આ ત્રાસનો અંત લાવવા ઝમકુબાએ રાજના વૈભવ છોડીને પ્રગટ પ્રભુના શરણે દોડી જવાનો નિશ્ચય કર્યો.
ઝમકુબાનો દેહ સ્ત્રી નો હતો પણ આત્મા માં હિંમત ઘણી. રાત્રે સાડીઓ બાંધી દોરડું બનાવ્યું અને મહેલમાંથી છુપાઇને નીચે ઉતર્યા. પછી પાણીના ગરનાળાં માં ચાલતાં ચાલતાં મહેલ બહાર પહોંચ્યા. આગળ ચાલ્યાં ત્યાં અજવાળું થયું.ગઢડાનો મારગ ભાળેલો નહીં, વળી પાછળ ગોતવાં ઘોડેસવારો આવી ચડે એ બીકથી,એક ખાઈમાં મ રેલું ઉંટ પડ્યું હતું તે ખોખાં માં સંતાઇ ગયા.
સવારે ઘોડેસવારો રાણીને ગોતવાં નીકળ્યાં.ઝમકુબાએ ઉંટના ખોખાંમાં સંતાઇને તે જોયું. તેથી બીકના માર્યા દુર્ગધ મારતા એ ખોખાંમાં પડ્યાં રહ્યાં. ત્રણ દિવસ પછી ઘોડેસવારો પાછા વળ્યાં ત્યારપછી ઝમકુબા ખોખાંમાંથી નીકળી આગળ ચાલ્યાં. એક વણજારાંની પોઠ મળી તેની સાથે ગુજરાતમાં વડનગર સુધી આવ્યાં.સરોવરના કાંઠે અહીં તેમને સ્વામિનારાયણ નું ભજન કરતી બાઇઓનો સંઘ મળી ગયો.તેનો સંગાથ લીધો અને ગઢપુર પહોંચ્યા.
અહીં મહારાજના દર્શનથી જ એમનું હૈયું ટાઢું થઇ ગયું. બ્રાહ્મણે જે વાત કરી હતી તે બધી નજરે નિહાળી તેથી અંતરમાં બહુ આનંદ થયો. ” મહારાજ! મારે સંસારમાં રહેવું નથી, આપની ભક્તિ કરવી છે.” ઝમકુબાએ મહારાજના પગમાં પડી પ્રાર્થના કરી. અંતરયામી પ્રભુ તો ઝમકુબાને ઓળખતાં હતા.તેમની આવી શ્રદ્ધા અને ભક્તિ જોઈ અતિશય રાજી થયાં.તેમને વર્તમાન ધરાવી પોતાના આશ્રિત કર્યા અને દરબારમાં જીવુબા સાથે રહી સેવા કરવા આજ્ઞા કરી.
ઝમકુબા ક્ષત્રિય હોવા છતાં ઘણાં નિર્માની અને ખપવાળાં હતા. જીવુબા તેમને ઓળખે નહીં તેથી છાણ – વાસીદાંનું કામ તેમની પાસે કરાવતાં. જમવામાં રોટલો આપતા. દરબાર વાળવાનો,મહારાજ અને સંતો માટે પાણી લાવવાનું વગેરે કામ પણ ઝમકુબા દોડી દોડીને કરતાં.
એકવાર ઝમકુબા વાસીદું કરતાં હતા ને મહારાજ ત્યાં આવી પહોંચ્યાં. મહારાજે જીવુબાને બોલાવ્યાં ને પૂછ્યું, “આમને ઓળખો છો? ”
‘ ના, મહારાજ! ‘
“એને ઘરે તમારાં જેવા તો ગોલાં(નોકર-ચાકર) છે, મોટું રાજ મુકીને ભગવાન ભજવા આવ્યાં છે. ઉદેપુરના એ રાણી છે રાણી. એમની પાસે એવું કામ ન કરાવવું “- મહારાજે જીવુબાને મીઠો ઠપકો આપતાં કહ્યું.
મહારાજની આજ્ઞાથી ઝમકુબાએ માથે મુંડન કરાવી ધોળાં વસ્ત્રો પહેર્યા. મહારાજે તેમનું નામ ‘ માતાજી ‘ પાડ્યું.
‘ અંતકાળે હું તમને અક્ષરધામમાં તેડી જઇશ’ એવું વરદાન મહારાજે તેમને આપ્યું.પછી લાધીબાઇ સાથે તેમને ભૂજ મોકલ્યાં.
ભૂજમાં માતાજી અને લાધીબાઇ બંન્ને એક ઓરડીમાં રહેતા અને મહારાજનું ધ્યાન કરતાં.મહારાજ તેમને હંમેશા દર્શન આપતા. માતાજી અને લાધીબાઇ એ સાથે દેહ મુક્યો.એક જ ચિતામાં બંનેનો અગ્નિસંસ્કાર થયો. બંન્ને મુક્તોંને મહારાજ અક્ષરધામમાં લઇ ગયા.
જય શ્રી સ્વામિનારાયણ (સત્સંગી બુક)
(સાભાર ભાવેશ ગજેરા, કાઠિયાવાડી સાહિત્ય અને વાર્તા ગ્રુપ)