શ્રીજીની આજ્ઞામાં મક્કમ રહી સંતે 4 દિવસ સતત ઉપવાસ કર્યો, વાંચો અદ્દભુત પ્રસંગ.

0
392

એક વખત મુક્તાનંદ સ્વામી પચાસેક સાધુઓનું મંડળ લઈ મારવાડ તરફ સત્સંગ પ્રચાર અર્થે ગયેલા. સાથે ભાઈ આત્માનંદ સ્વામી પણ હતા. થતો સંપ્રદાય ને આજના જેવા મંદિરો કે સત્સંગીના ગામડાં ન હોવાથી તે દિવસોમાં ઠેકઠેકાણે સત્કારને બદલે સાધુઓનો અનાદર વધારે થતો. ખાખી વેરાગીઓનો મા ર પણ સહન કરવો પડતો. ભિક્ષા મળવી ઘણી વાર દુર્લભ થઈ પડતી.

મારવાડ જેવા દેશમાં આ સંતોને ભિક્ષા ન મળવાને કારણે લગલગાટ ત્રણ ઉપવાસ થયા. ચોથે દિવસે કોઈ શ્રદ્ધાળુ બ્રાહ્મણે આ સાધુને સુપાત્ર જાણી પોતાને ઘેર ભોજન કરવા આવવાનું કહ્યું. આ સાંભળી મુક્તમુનિએ કહ્યું, ‘અમારે સંતોને ગળ્યું ચીકણું ન ખાવાના નિયમો છે માટે જો એકલી ખીચડી જ કરો તો આવીએ. જોજો, ખીચડીમાં ઘી પણ નહિ નાખવાનું!’

આવી સાધુતાને જોઈને પેલો બ્રાહ્મણ બહુ રાજી થયો. એણે હોંશથી ખીચડી બનાવી. સંતોને જમવા બેસાર્યા. સ્વામિનારાયણ નારાયણ નારાયણ… ધૂન શરુ થઈ. પેલા ભૂદેવે સંતોને પત્તરમાં ખીચડી પીરસવા માંડી. સજાગ ભાયાત્માનંદ સ્વામીને સુગંધ ઉપરથી ખીચડીમાં ઘી હોવાનો ભાસ થયો એટલે ધૂનને અંતે જેવી જે બોલાણી કે તુર્ત જ એ એમની ટેવ પ્રમાણે બોલી ઉઠયા, ‘અનીડો, ખીચડીમાં ઘી નાખ્યુ હોય એમ લાગે છે?’

આ સાંભળી તમામ સંતોના હાથ થંભી ગયા. સદ્‌. મુક્તાનંદ સ્વામીએ પેલા ભૂદેવને પૂછયું, ‘તમે ખીચડીમાં ઘી નાખ્યું છે?’

‘ના મહારાજ, તમારા નિમિત્તે તો મુદ્દલ ઘી નાખ્યું નથી પણ વિષ્ણુને નૈવેદ્ય ધરાવવા કાઢેલ ખીચડીમાં થોડુંક ઘી નાખ્યું હતું ખરું. પછી પ્રસાદીની એ ખીચડી આ બધી ખીચડીમાં મેળવી દીધી છે.’ ભૂદેવે ચોખવટ કરતાં કહ્યું.

આ સાંભળતાં ભાયાત્માનંદ સ્વામી તો તુર્ત જ ઉભા થઈ ગયા અને બોલ્યા કે આ ખીચડી મને તો નહિ જ ખપે ! માટે મારાથી જમાશે નહિ. આથી બીજા સંતો પણ અટકયા એટલે સમય અને સંજોગનો વિચાર કરી સદ્‌. મુક્તાનંદ સ્વામીએ સંતોને ખીચડી ખાઈ લેવા આગ્રહ કર્યો. અંતમાં ઉમેર્યું આપણા માટે એણે ઘી નાખ્યું નથી પણ દેવને ધરાવવા માટે નાખેલું.

આ ઘી પ્રસાદીરુપે અલ્પ માત્રામાં ખીચડીમાં ભળ્યું હોવાથી એ ખાવામાં બાધ નથી. વળી સહુ સંતોને ત્રણ દિવસના કોરા કડાકા છે અને પાછું આ ખીચડીનો બગાડ થાય તો આ શ્રદ્ધાળુની શ્રદ્ધાને ધક્કો લાગે ને આપણો અભાવ આવે એ જુદું, માટે ભલા થઈને કોઈ ઉઠી જશોમા. ‘વચનમૂર્તિ’ ભાયાત્માનંદ સ્વામીનો વાદ લઈને ઉઠી જવું એ ઠીક નથી છતાં નિયમ ભંગ થયાનો કાંઈ બાધ આવશે તો મહારાજ પાસે હું બધા વતી ક્ષમા યાચીને તેનુ પ્રાયશ્ચિત માગી લઈશ.

મુક્તમુનિની વિનયવાણીથી સહુ સંતો જમ્યા પણ વચનમૂર્તિ આત્માનંદ સ્વામી શ્રીજીની આજ્ઞામાં મક્કમ રહ્યા ને ચોથો ઉપવાસ ખેંચી કાઢયો. એ કાંઈ નાની સૂની વાત નથી. ગઢપુર આવી શ્રીજીના દર્શને ગયા ત્યારે મુક્તમુનિએ પોતાનાથી થયેલ આજ્ઞાલોપની સઘળી વાત કહી સંભળાવી અને અંતમાં ક્ષમા માગી ત્યારે શ્રીજીએ ભાયાત્માનંદ સ્વામીની આજ્ઞા પાલનની દૃઢતાની ને મુક્તમુનિની સત્સંગના સમાસની સૂક્ષ્મ દૃષ્ટિની ભારોભાર પ્રશંસા કરી.

જય શ્રી સ્વામિનારાયણ.

સાભાર અંકુર ભાવસાર (મનોમય ચક્ર ને તેની ધારા ગ્રુપ)