શિવલિંગની પરિક્રમા કેવી રીતે કરવી? કયા છે તેના નિયમો? કેમ તેની અડધી પરિક્રમા જ થાય છે? જાણો કારણ.

0
435

શિવલિંગની પરિક્રમા કેવી રીતે કરશો?

– અશ્વિન મજીઠીયા

શિવલિંગની પરિક્રમા અર્ધ-ચંદ્રકાર પરિક્રમા તરીકે પણ ઓળખાય છે, જે કરવા માટે કેટલાક નિયમો છે. તો શિવલિંગની પરિક્રમા કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે એટલું જાણવું આવશ્યક છે.

શિવલિંગની બરોબર સામે ઊભા રહીને, પરિક્રમા હંમેશા તમારી ડાબી બાજુથી શરૂ કરવી જોઈએ એટલે કે તમારો જમણો હાથ શિવલિંગ તરફ હોવો જોઈએ.

ડાબી બાજુથી પરિક્રમા શરૂ કર્યા પછી, જલધારી સુધી જવું, પરંતુ તેને પાર કરવી નહીં, અર્થાત, તેને લાંઘવી નહીં, ટપવી નહીં. પછી, જળધારી પ્રણામ કરી, તેમાંથી વહેતા જળને સ્પર્શ કરવું અને તેને આંખે અડાડી, માથે ચડાવવું.

તત્પશ્ચાત, ત્યાંથી પાછા વળવું અને શિવલિંગની સામે પુનઃ આવી એ પરિક્રમા પૂર્ણ કરવી. પાછા વળવું એટલે ઊંધે પગે પાછું નથી જવાનું બલ્કે પૂર્ણ પાછા વળી પીઠ જલધારી તરફ ફેરવી પુનઃ શરૂઆતના સ્થળ સુધી ડગલાં ભરી જવા.

શિવલિંગની પરિક્રમા કરતી વખતે નાના બાળકોને તેડીને, કે તેનો હાથ પકડીને રાખવો કારણ, બાળકો આકસ્મિક રીતે જળધારી પાર કરી શકે છે.
હવે કેટલાક શ્રદ્ધાળુઓના મનમાં કદાચ આ પ્રશ્ન ઉઠશે, કે આવી અડધી-અડધી પરિક્રમાઓ શું આપણે એકથી વધુ વાર કરી શકીએ?

તો એનો ઉત્તર છે- ના.

શાસ્ત્રોમાં શિવલિંગની પરિક્રમા કરવાની કુલ સંખ્યા માત્ર અડધી જ કહેવામાં આવી છે. કહેવાનો અર્થ એ છે કે આપણે અડધા શિવલિંગની માત્ર એક જ વાર પરિક્રમા કરવાની છે, તેનાથી વધુ નહીં.

તો શિવલિંગની પૂર્ણ પરિક્રમા ક્યારે કરી શકાય?

જો કે શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા કરવાની તો મનાઈ જ છે, પરંતુ તે છતાંય શાસ્ત્રોમાં શિવલિંગની પૂર્ણ પરિક્રમા કરવાના નિયમો છે. આ મુજબ, જો જલધારી જમીનની નીચે હોય, અથવા તો તે કોઈ પ્રકારથી ઢંકાયેલ હોય, તો તેને ટપીને પાર કરી શકાય છે.

જલધારીને પાર ન કરવા પાછળ ક્યાંક એવું કારણ બતાવાયું છે કે તેમાં વહેતા પાણીમાં ઉર્જાની અધિક ભરપૂર માત્રા વહન થઈ રહી હોય છે, તો એની ઉપરથી પસાર થવાથી આપના બે બે પગ વચ્ચેથી આ ઉર્જાનો ખૂબ જ મોટો જથ્થો એકસાથે આપણા શરીરમાં પ્રવેશ કરી જવાની શક્યતાઓ રહેલી છે કે જેનો તાપ આપણો માનવ દેહ ખમી ના શકે, પરિણામસ્વરૂપે આપણે કોઈને કોઈ પ્રકારની શારીરિક હાનિ થવાની પ્રબળ શક્યતાઓ બની શકે છે.

કારણ જે પણ હોય, શ્રદ્ધાળુઓએ પુરાણોમાં આપેલ આદેશ તો માનવો જ રહ્યો અને અર્ધ-પરિક્રમાથી જ સંતોષ માનવો જોઈએ.

જોકે જો સામે શિવલિંગની બદલે શિવજીની મૂર્તિ હોય તો તેની તો પૂર્ણ પરિક્રમા જ કરવી.

પરિક્રમાનો અર્થ અને મહિમા

પરિક્રમા, અથવા તો પ્રદક્ષિણા, એટલે મંદિરના ગર્ભગૃહની આસપાસ, ભગવાન તરફ આપણું જમણા અંગ રહે તેવી મુદ્રામાં, ફરવું.

જ્યારે પણ આપણે કોઈપણ દેવી-દેવતાના મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે તેમની મૂર્તિને પ્રણામ કરીએ અને પછી તેની પ્રદક્ષિણા કરીએ છીએ, પરંતુ ઘણા શ્રદ્ધાળુઓને શંકા રહે છે કે શાસ્ત્રો અનુસાર કયા દેવતાની કેટલી પરિક્રમા કરવી યોગ્ય છે.

તો, આપણા વિવિધ દેવી-દેવતાઓની પરિક્રમા વિશે પણ શાસ્ત્રોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું જ છે. તો તેમાં જણાવેલ માહિતી મુજબની સંખ્યામાં જ અન્ય દેવી-દેવતાઓની પરિક્રમા કરવી યોગ્ય ગણાશે.

જેમ કે:

શિવલિંગ – અર્ધ પરિક્રમા (સોમસૂત્રને પાર કર્યા વિના)

મા દુર્ગા – એક પરિક્રમા

ભગવાન ગણેશ – ત્રણ પરિક્રમા

ભક્ત હનુમાન – ત્રણ પ્રદક્ષિણા

ભગવાન વિષ્ણુ – ચાર પરિક્રમા

સૂર્ય દેવ – સાત પ્રદક્ષિણા

પીપળનું વૃક્ષ – ૧૦૮ પ્રદક્ષિણા

શાસ્ત્રોમાં કેવળ ઉપરોક્ત દેવીદેવોની જ પ્રદક્ષિણા કરવાનું વર્ણન આપવામાં આવ્યું છે. તો એ અનુસાર, આપણે અન્ય દેવતાઓની કેટલી વાર પ્રદક્ષિણા કરવી જોઈએ એ વિશે પણ સમજવું આવશ્યક છે.

જેમ કે:

માતા દેવીના અન્ય સ્વરૂપો – એક પરિક્રમા

શ્રીરામ અથવા શ્રીરામ દરબાર – ચાર ફેરા

શ્રીકૃષ્ણ અથવા રાધા-કૃષ્ણ – ચાર પરિક્રમા

ભગવાન વિષ્ણુના અન્ય અવતાર – ચાર પ્રદક્ષિણા

આ ઉપરાંત જે દેવી દેવતાઓની પરિક્રમાનો કોઈ ઉલ્લેખ નથી થયો એ સર્વેની આપણે વિધિવત ત્રણ પ્રદક્ષિણા કરી શકીએ.

આત્મ-પ્રદક્ષિણા અથવા આત્મ-પરિક્રમા:

કોઈ-કોઈ મંદિર કે ગર્ભગૃહમાં પરિક્રમાનો માર્ગ નથી હોતો તો એવી સ્થિતિમાં આપણે ગર્ભગૃહની સામે ઊભા રહી ઘડિયાળના કાંટાની દિશામાં આપણો દેહ ફેરવી પુનઃ: મૂળ સ્થિતિમાં આવી જવું જોઈએ આને સ્વ-પ્રદક્ષિણા કહેવામાં આવે છે, તથા તેને પણ પરિક્રમાનું એક સ્વરૂપ જ માનવામાં આવે છે.

જો કે, પ્રદક્ષિણાનો અર્થ થાય છે ગોળાકાર આકારમાં ભગવાનની આસપાસ ફરવું. તે સંસ્કૃત શબ્દ છે અને તેની ઉપયોગિતાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પ્રદક્ષિણા કરવાનો અર્થ એ છે કે આપણે આપણું સર્વસ્વ ભગવાનને અર્પણ કરીને ભગવાનના આશ્રયમાં આવ્યા છીએ.

તો ક્યારેક કોઈ શુભ દિવસે પ્રદક્ષિણા કરવાનો સંકલ્પ કરવો. તમે જે ઈચ્છા પૂર્ણ કરવા ઈચ્છતા હો તેને તમારા ઈષ્ટદેવ સમક્ષ વ્યક્ત કરવી. આ પછી, એ ઇષ્ટદેવની પ્રદક્ષિણા પૂર્ણ શ્રદ્ધા સાથે કરવી. તે હંમેશા ઘડિયાળની દિશામાં કરવાની હોય છે. પ્રદક્ષિણાનો પ્રારંભ સદાય જમણા પગથી કરવો ને પછી ડાબો પગ તેની પાસે લાવવો. તેવી રીતે નાના ડગલાં ભરીને પ્રદક્ષિણા કરવી જોઈએ. આ દરમિયાન મૌન રહી ચિત્તને શાંત અને પ્રસન્ન રાખવું, તથા મનમાં આ શ્લોકનો જાપ કરતા રહેવું.

यानि कानि च पापानि जन्मान्तरकृतानि च ।

तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणे पदे पदे ॥

पदे पदे या परिपूजकेभ्यः सद्योऽश्वमेधादिफल ददाति ।

तां सर्वपापक्षयहेतुभूतां प्रदक्षिणां ते परितः करोमि ॥

તથા વચ્ચે-વચ્ચે જેમની પ્રદક્ષિણા કરતા હોઈએ એ દેવ-દેવીનું નામ-સ્મરણ પણ કરતાં રહેવું.

પ્રદક્ષિણાથી થતાં લાભ:

પાછલા જન્મના પાપોનું શમન પ્રદક્ષિણાથી થઈ જાય છે.

પ્રદક્ષિણા અશ્વમેધ યજ્ઞ જેટલી પુણ્યશાળી ગણાય છે.

શનિદેવનો સંબંધ આપણા પગ સાથે છે. આવા સંજોગોમાં પ્રદક્ષિણા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. કુંડળીમાં શનિદેવના લગતા કોઈપણ દોષનું નિવા રણ પ્રદક્ષિણા દ્વારા થાય છે.

તે એક પ્રકારની તપસ્યા છે. જેના કારણે મનમાં ભગવાન પ્રત્યેની ભક્તિ આવે છે અને પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે.

આશા રાખું છું કે આપ સૌને આ માહિતી ઉપયોગી લાગી હશે.

– અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)