આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રનાં મેદાનમાં હસ્તિનાપુરના જ એક ઘરના બે કુટુંબ વચ્ચે લડાયેલું મહાભારતનું યુધ્ધ વિશ્વના ઇતિહાસની એક અજોડ ઘટના છે.
કૌરવ પક્ષની 11 અક્ષૌહિણી સેના અને પાંડવ પક્ષની 7 અક્ષૌહિણી સેના વચ્ચે થયેલું, આ 18 દિવસના યુધ્ધની ભયાનકતાનો અંદાજ કાઢવો પણ ખુબ મુશ્કેલ છે. આશરે 50,00,000 યોદ્ધાઓ રણભૂમિ ઉપર ઉતર્યા હતા.
આટલા બધા માણસોનાં ભોજનનું શું?
આવો સવાલ કદાચ તમારા મનમાં કદી જાગ્યો જ નહી હોય. જાગ્યો હશે, તો પણ તેનો સંતોષકારક જવાબ નહી મળ્યો હોય.
પ્રશ્ન ખરેખર સ્વાભાવિક પણ છે અને ગૂંચવડ ભરેલો પણ! દરરોજ આટલા યોદ્ધાઓને ખવડાવવું શું ને કેવી રીતે?
રણભૂમિ હસ્તિનાપુરથી જોજનો દૂર હોવાને કારણે સ્વાભાવિક છે કે ઘરેથી તો ભોજન ના જ આવતું હોય! ભોજનની સગવડ તો રણમેદાનમાં જ કરવી પડે.
આટલા માણસોને ખાવાનું પૂરું પાડવું એ કંઈ ખાવાના ખેલ તો હતા જ નહી! યુધ્ધની શરૂઆતમાં જ સિપાહીનો આંકડો 50 લાખનો હતો. વળી, રોજ હજારો સૈનિકો યુધ્ધમાં મૃત્યુ પામે. એટલે દરરોજ જીવતા રહેલા સિપાહીની સંખ્યા મુજબ ભોજનમાં પણ ફેરકાર કરવો પડે.
દરરોજ હજારોની સંખ્યામાં મૃત્યુ પામતા સિપાહીના ભાગનું ભોજન વધી પડે એ તો લગીરે પોષાય નહી.
કુંતીપુત્ર અર્જુન, મહારથી ભીષ્મ, અંગરાજ કર્ણ કે આચાર્ય દ્રોણાચાર્યની કમાનમાંથી સરખી રીતે છટકેલું એક બાણ હજારો સૈનિકોનો સોંથ વાળી નાખે, તો રાત્રી ભોજન બનાવતા રસોઈયાઓએ પણ એ પ્રમાણે ભોજનમાં ઘટાડો કરવો પડે!
પણ પ્રશ્ન એ થાય કે, આ સંખ્યા ગણવી તો ગણાવી કેવી રીતે?
એ કામ જ અસંભવ હતું. છતાં પણ, કુરુક્ષેત્રનાં યુધ્ધમાં કાયમ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સૈનિકોને ભોજન પીરસાતું હતું! કાયમ સૈનિકોની સંખ્યા પ્રમાણે જ ખોરાક રંધાતો અને એમાં તલભાર પણ વધઘટ નહોતી થતી! આ કેવી રીતે બન્યું?
કર્યું કોણે?
અહીં એ પેચીદા પ્રશ્નનો એકદમ રોચક ખુલાસો આપ્યો છે :
લડવા આવેલી ઉડુપીની સેના રસોડું સંભાળવા લાગી!:
મહાભારતના યુધ્ધમાં બે જણાઓએ પ્રત્યક્ષ રીતે ભાગ નહોતો લીધો, એવું આપણે બધા જાણીએ છીએ. એક હતા બલરામ અને બીજા રૂક્મી(ભગવાન કૃષ્ણના પત્ની રૂક્મણીના ભાઈ). બહુ ઓછા લોકો જાણે છે કે આ સિવાય એક ત્રીજી વ્યક્તિ પણ આ લડાઈમાં તટસ્થ રહી હતી. એ હતા ઉડુપીના મહારાજા(ઉડુપી કર્ણાકટમાં આવેલું છે).
મહાભારતનાં યુદ્ધ માટે મળેલું આમંત્રણ સ્વીકારીને ઉડુપીના રાજા સેના લઈને લડવા તો આવ્યા હતા. પણ અહીં આવીને એમણે જોયું, તો તેમની સેનાને પોતાના પક્ષમાં રાખવા માટે પાંડવો-કૌરવોમાં જબરજસ્ત ખેંચતાણ થઈ રહી હતી.
એમાં પાછું, આ તો ભાઈ-ભાઈ વચ્ચેનું યુધ્ધ હતું. આમ ઉડુપીના મહારાજાનું મન ખાટું થઈ ગયું અને તેમણે યુધ્ધમાં સામેલ થવાની ઘસીને ના પાડી.
એ પછી એક વાર ઉડુપીરાજ ભગવાન શ્રી કૃષ્ણને મળ્યા અને કહ્યું કે, વાસુદેવ! આપની આજ્ઞા હોય તો કુરુક્ષેત્રમાં અકઠી થતી સેના માટે હું અને મારા સૈનિકો કાયમ માટે ભોજનની વ્યવસ્થા કરવા તૈયાર છીએ.
શ્રી કૃષ્ણ ઉડુપીરાજના આ વિચારથી બહુ પ્રભાવિત થયા. તેમને આવેલો વિચાર પ્રશંસનીય હતો અને મુખ્ય હતો. ભગવાને રજા આપી.
ભોજનમાં વધઘટ ના થતી હોવાનું કારણ…
18 દિવસ ચાલેલું મહાભારતનું યુધ્ધ પૂરું થયું. પાંડવોનો ધર્મ વિજય થયો. હસ્તિનાપુરની ગાદી પર ભારતપતિ મહારાજા યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો.
એ પછી એક દિવસ મનમાં ઘણી ઉત્તેજના જગાડનારો, પ્રશ્ન યુધિષ્ઠિરે દરબારમાં હાજર રહેલા ઉડુપીરાજને પૂછી નાખ્યો.
“ઉડુપીનરેશ! હસ્તિનાપુર તમારો ધન્યવાદ માને એટલો ઓછો છે. અમારા બધા માટે તમે યુધ્ધના દિવસોમાં ભોજનની જે વ્યવસ્થા કરી આપેલી, તેનો બદલો ચૂકવી શકાય એવો નથી.
પણ મને નવાઈ એ વાતનું થાય છે કે, તમે ભોજનમાં આટલી ચોક્કસાઈ કેવી રીતે રાખી? રોજ અગણિત સૈનિકો મૃત્યુ પામે છતા, તમે ભોજન માટે નિશ્વિત સંખ્યાનો આંકડો કેવી રીતે તારવી શકતા હતા કે જેથી કરીને અન્નનો એક દાણો પણ વધઘટ ના પામે?”
યુધિષ્ઠિર દ્વારા પૂછાયેલા પ્રશ્ન સામે ઉડુપીરાજે પણ સવાલ કર્યો, “ધર્મરાજ! તમારી પાસે 7 અક્ષૌહિણી સેના હતી અને સામે પક્ષે કૌરવો પાસે 11 અક્ષૌહિણી. સંખ્યાબળમાં દુર્યોધનનું લશ્કર તમારાથી સવાયું હતું, છતાં પણ તમે જીત્યા. આનો ફાળો કોને જાય છે?”
“અલબત્ત, ભગવાન શ્રીકૃષ્ણને!” યુધિષ્ઠિરે જવાબ આપ્યો.
“તો ભોજનનો ચોક્કસાઈપૂર્વકનો પ્રબંધ થયો એ પણ બીજા કોનું કામ હોય, મહારાજ?” મંદ સ્મિત સાથે ઉડુપી નરેશે ખુલાસો કર્યો,
“યુધ્ધ સમયે દરરોજ રાત્રે હું શિબિરમાં વાસુદેવ પાસે ગણીને મગફળી લઈને જતો. મેં આપેલી મગફળી તેઓ ખાતા. જેટલી મગફળી તેઓ ખાય એના હજાર ગણા સિપાહીની આવતીકાલે ભોજનમાંથી બાદબાકી કરવાની છે એ મને સમજાય જતું!
વાસુદેવ 10 મગફળી ખાય એનો અર્થ એ કે એના દસ ગણા એટલે કે 10,000 સૈનિકો કાલે રણભૂમિમાં વીરગતિને વરવાના છે માટે એમનું ભોજન નથી બનાવવાનું!”
આ અજોડ આયોજન પાછળ વાસુદેવનો હાથ હતો, એ જાણી સહુ આશ્વર્ય ચકિત થઈ ગયો અને મનોમન ગોવર્ધનધારીને વંદી પડ્યા.