આ શુભ અમૃત વચનોમાં આપણા શાસ્ત્રોનો સાર છે, જે સમજી લીધો તો જીવન ધન્ય થઈ જશે.

0
464

કુદરતના કાનૂન ના પાળો તો મન બગડે અને ઊંઘ હરામ થાય. સંસારમાં અનિંદ્રા જેવો કોઈ રોગ નથી. ઊંઘ વિના માણસ કેટલો સમય જીવી શકે? જેનું મન ખોરવાયેલું હોય તેને ઊંઘ ના આવે. કારણ જીવનમાં કુદરતના નિયમોનું પાલન નથી.

આપણા મેળવેલા ફળ બીજાને આપો તો કુદરત આપણું બધું ચલાવશે.

સાધુ મહાત્માએ ઘરબાર, પૈસા, પત્ની, પરિવાર બધું જ છોડ્યું તો વ્યવહાર ચાલે છે ને?

સાધુ – સાધ્વીજી ભગવંતોને બધી જ જીવન જરૂરિયાત કુદરત પહોંચાડે છે. આપણી જરૂરિયાત મેળવવા આપણે કેટલું કરવું પડે છે? આપણે પકડીને બેઠા છીએ, સાધુ ભગવંતો છોડીને બેઠા છે.

ઝાડ ટાઢ, તડકો, વરસાદ સહન કરીને મુસાફરને શાંતિ આપે છે, ઠંડક, ફળ, ફૂલ આપે છે, વનસ્પતિ ઔષધ આપે છે તો હવા – પાણી વગેરે જરૂરીયાતો કુદરત ઘેર બેઠા આપે છે.

જેણે પોતાનું જીવન પરોપકાર માટે ખર્ચયુ તેને જીવાડવાની જવાબદારી કુદરતની છે, માટે દરરોજ વિચારો કે પરોપકાર કરવાની કેટલી તકો મળી? અને સફળ કરી?

સાધુ મહાત્મા પાસે આવનારાને શું મળે? અમારી પાસે કાંઈ નથી છતાં લોકો મેળવે છે અને તમારી પાસે ઘણું હોવા છતા તમે આપતા નથી.

જ્યાં સાચા ગુરુ છે ત્યાં ફક્ત ભગવાન છે.

આપણે બહારથી નિષ્ક્રિય બનીએ અને અંદરથી સક્રિય બનીએ તે માટે સાત નવકાર.

મહાપુરૂષો પોતાને જે મળ્યું છે, તે બીજાને આપ્યાં વગર રહી શકતા નથી. શું આપણે મહાપુરૂષ બની ન શકીએ? આવા દિવસોમાં તો મહાપુરૂષ બનવાનો ગોલ્ડન ચાન્સ છે.

સમાજમાં ટકી રહેવા શક્તિ ઉપરાંત ખર્ચો કરીએ છીએ તો સમાજમાં સાધર્મિક ટકી રહે તે માટે શક્તિ મુજબનું પણ સુકૃત ન કરીએ તે કેમ ચાલે?

ઉદાર જેવો કોઈ કંજૂસ નથી કે જે પોતાની સંપત્તિ સુકૃત કરીને પરલોકમાં પોતાના માટે જ રીઝર્વ સલામત કરી દીધી અને કંજૂસ જેવો કોઈ ઉદાર નથી કે જે પોતાની મહેનતથી ભેગી કરેલી બધી સંપત્તિ જતી વખતે આખી દુનિયા માટે મૂકીને જાય છે.

શુભ ભાવમાં રહેવું.

– સાભાર એન ડી રાજપૂત (અમર કથાઓ ગ્રુપ)