વાંચો શૂરવીર ભાથીજીની ગાથા જેમણે ગાયો માટે પ્રાણ ન્યોછાવર કર્યા.

0
970

ગુજરાતની ધરતી માથે ફુલના દડા જેવું ફાગવેલ ગામ, એની ફોરમથી ધમધમી રહ્યું છે. ત્રણસો ઘરની વસ્તીના ઉરમાં આજ આનંદ સમાતો નથી. ટોડલે આસોપાલવના તોરણ ટીંગાઇ રહ્યા છે. ત્રંબાળુ ઢોલ ધડુકે છે. મીઠી જીભની શરણાયુંના સામટા સૂર ફાગવેલના ચોકમાં છુટી રહ્યાં છે. નરવા કંઠની નારીયુના ગળાં ગુંજી રહ્યાં છે. લાંબે લહેકે ગવાતાં ગીત અને શરણાઇના સૂરનો સથવારો મીઠપ પાથરી રહ્યો છે.

તખુભા ત્રણસે ગરાસિયાથી વીંટળાઇને બેઠા છે. ડાયરામાં કસુંબાની છોળો ઉડે છે. મોજમાં તખુભા ભાટ ચારણોને રાજી કરે છે. ડાયરો રંગમાં છે રાજને આંગણે લગન એટલે ગામ આખાને અંતર આનંદના હિલોળા.

મીંઢળબંધો ભાથીજી ડાયરામાં બેઠો છે. પીઠી ચોળેલા અંગનું રૂપ અદકેરૂ ઉઘડી ગયું છે. વનરાજ જેવો જોરાવર અને મોરલા જેવો રૂપાળો કુંવર આજ વસતીને વધુ વહાલો લાગે છે. ફાગવેલની ફુલ જેવી બેન દીકરીયું કંકુ – ચોખા છાંટીને કુંવર ભાથીજીનાં ઓવારણા લ્યે છે. શંકરના ગણ જેવા ભાથીજીના મોં માથે શરમના ભારણ પડયા છે.

આથમણા આભમાં ભાગતો સૂરજ દાદો હોથો ભરીને ગુલાબ છાંટી ગયો. સંધ્યાની ઓઢણી રંગાઇ ગઇ. ઠાકર ઝાલર માથે ડંકા પડયા. કું વરીનું વેલડું પાદરમાં આવીને ઉભું રહ્યું. સામૈયાની સાબદાઇ થઇ. ફૂલશંકર ગોર ચકરી પાઘડી મૂકી હાથમાં કંકાવટીવાળી થાળી લઇને સામૈયું કરવા હાથ થઇ ગયા. વેલડું વધાવાઇ ગયું. સામૈયું ઉપડયું. મૌઢાગળ કુંવર ભાથીજીનો ઘોડો રમતો આવે છે. કોઇ નટવો નાચતો હોય એમ ધીરા ધીરા ડાબા ઉપાડતો ડગ દઇ રહ્યો છે.

દરબારગઢના ચોકમાં વેલડું છુટયું. કુંવર ભાથીજીને ચોથો ફેરો કરવા માટે કું વરીએ વેલડાનો ચક આધો ખસેડી ડગ દીધા. કંકુની લોળ જેવી કું વરીની કાયા પાનેતરમાં ઢંકાયેલી છે. હાથમાં હેમનાં કંકણ છે. હૈયે નવસારો હાર ઝૂલી રહ્યો છે. પગમાં સુવર્ણ ઝાંઝર રૂમઝૂમ રણકી રહ્યાં છે. મંગળ ગીત ગવાઇ રહ્યાં છે. ફુલશંકર ગોરના ગળામાંથી મંત્રોચ્ચાર થઇ રહ્યાં છે.

કું વરીએ જ્યાં કુંવરના કંઠમાં વરમાળા આરોપી ત્યાં તો તરઘોળો વાગ્યો. ધ્રીજાંગ…ધ્રીજાંગ… ધ્રીજાંગને ભાથીજીના કાન ચકક્યા, વરમાળા તોડી નાંખી. માંડવામાંથી બહાર પગ દીધા. આખો ડાયરો બેઠો થઇ ગયો. ભૂંડી કરી? ભાથીજીને વારવા માંડયા. તખુભા પોતાની ભુજાઓ પહોળી કરી આડા ઉભા રહી બોલવા લાગ્યાં.

‘ભાથી, તું નહિ, હું વારે ચડું છું. ‘

‘બાપુ! ગાયુનું ઘણ વાળ્યું. હું રોકાવ તો તો સંસારમાં સ્વાદ શો રે? રાજપૂતાણી ભવ આખો મેણાં દે.’

‘ના બાપ, તું મીઢોળબંધો. આખો ડાયરો ગાયુની વારે ચડે છે. જો સૌ સાબદા થાય છે. હથિ આર હાથ કરે છે.’

ભાથીજીએ જાણ્યું કે બાપુ હઠે ચડયા છે. મારા જીવતરમાં એનો જીવ વળગ્યો.

‘બાપુ, તમે મને રોકો તો મારૂં લો હી.’

આહુરા સોગંદથી તખુભા આઘા ખસી ગયા. ભાથીજીએ ઘોડે પલાણ નાંખ્યાં. અર્જુનનું તીર વછૂટે એમ ઘોડો છુટયો. ફાગવેલ સામે બહારવટું ખેડતા મલકોએ મોકો સાધી ફાગવેલનું જડમૂળમાંથી નાક કાપ્યું હતું. ફાગવેલનું ઘણ વાળ્યું હતું.

મોંઢાગળ ભડવીર ભાથીજી પાછળ ડાયરાના ઘોડા છુટયાં. ઉઘાડી તર વારૂં સીમમાં ચમકવા માંડી. સીમમાં પૂગતાં જ ભાથીજીએ દુશ્મનોને ભિડવ્યા. સામસામો જંગ મંડાણો. પાંચ પાંચ દુશ્મનો સામે ભાથીજી કાળ થઇને ઘૂમવા માંડયો. ભાથીજીની તર વારે બે વેતરાણાં.

દુશ્મનોએ ડાયરો એક ખેતરવા છેડે ઘૂળની ડમરી ઉડાડતો દેખ્યો. જાણ્યું કે, હમણાં પાંચેયનાંમો ત થાશે. કટકા કરશે. બહારવટીઆએ ભાથીની પીઠ પાછળથી ઘા કર્યો. કોણ જાણે કેવાય મેળની તર વાર પડી કે ભાથીજીનું માથું એક જાટકે ઉતરી ગયું પણ રૂંવાડે રૂંવાડે શુરવીરતાને રમાડતા ભાથીનું ઘડ લડવા માંડયું. ત્યાં તો ફાગવેલના લગનિયા પૂગ્યા. દુશ્મનો ભાગ્યા. પાંચેયને ઠામ મારી કુંવર ભાથીજીના દેહને જોળીમાં નાંખી ચોકમાં લાવ્યા અને દેહને દેન દીધો.

ભાથીજીની દેરી ફાગવેલમાં છે ઝેરી જનવાર કરડે તો લોકો તેની માનતા કરે છે. દર્શને આવે છે.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

રવિપુર્તિ

આપણી સંસ્કૃતિ આપણો વારસો

જયુભા ઝાલા (અમર કથાઓ ગ્રુપ)