ભક્તોના દુઃખ દૂર કરનારી ‘સિંધવાઈ માં’ માટે બનાવેલી આ રચના તમારા મનને પાવન કરી દેશે.

0
942

હજારો હારેલા, થાકેલા, દુઃખી, પિડીત નો આશરો જયાં કોઈ જ નિરાશ નથી જતુ. એટલે પાટણ જિલ્લાના સમી તાલુકાના કચ્છના નાના રણ ને કાંઠે વીરડી સમાન સ્થળ એટલે મા સિંધવાઈનું સાનિધ્ય, અઢારે વરણ નો આશરો એટલે માં સિંધવાઈ…

આજે માં કૃપાથી અને માં ચરણોમાં કરેલી અરજ સાથેની ચરજ..

રચના : સિંધોઈ ચરણરજ શંકરસિંહ સિંધવ (લોકસાહિત્યકાર,વઢિયાર પ્રદેશ)

ઉરથી કરો જો યાદ તો ક્ષણમાં જ સિંધોઈ આવતી,

હો અનંત કોટી દાળદર ભગવતી ભાવે કાપતી,

જંજાળ સઘળી પળ ઘડી અવરથી અળગી રાખજે,

સુણી સાદ મા છોરું તણા સિંધોઈ તુ ઝટ આવજે.

વખત વહમો, વિપત્યું ઘેરે ડૂબત વાણ મઝધારમાં,

થાય સાબદી સંકટ મહી ઈ તારતી પળવારમાં,

ડગતો નહી લગાર તુ ઈતબાર મા પર રાખજે,

સુણી સાદ મા છોરું તણા સિંધોઈ તુ ઝટ આવજે.

સુના ખોળલા કરિયાતના કરે ધા ધીડી આયલ તુને,

કિલ્લોલ કરતાં આંગણાં મા ધા સુણતી તતક્ષણે,

કલેશ મા કુટુંબના વળી વેર સઘળા કાઢજે,

સુણી સાદ મા છોરું તણા સિંધોઈ તુ ઝટ આવજે.

કળજુગ છે આ કારમો કોઈ ભ્રાન્તમાં ના ભટકતા,

દુર્લભ મળ્યો છે દેહ આ સતકામમાં ના અટકતા,

ભ્રાત વચ્ચે ભાવ રે ઇર્ષાને અળગી રાખજે,

સુણી સાદ મા છોરું તણા સિંધોઈ તુ ઝટ આવજે.

ભટક્યા ભવરમાં પાર વિણ હવે એક તારો આશરો,

શરણુ છે આયલ એક તારું શરણેશ્વરી દયા કરો,

“શંકર” સ્તવન છે આઈ તારું ક્ષેમકુશળ રાખજે,

સુણી સાદ મા છોરું તણા સિંધોઈ તુ ઝટ આવજે.

રચના : સિંધોઈ ચરણરજ શંકરસિંહ સિંધવ (લોકસાહિત્યકાર,વઢિયાર પ્રદેશ) (અમર કથાઓ ગ્રુપ)