લઘુકથા – પાળિયો
– માણેકલાલ પટેલ
ગીતાના ખેતરમાં પાળિયો ખોડવાનું કામ ચાલુ હતું. એના કુટુંબનાં અને ઘણાં સંબંધીઓ પણ ત્યાં હાજર હતાં.
પુરુષો ખાડો ખોદતા હતા ત્યારે બૈરાંઓ રિવાજ મુજબ ગાણાં ગાતાં હતાં. જમણવાર પણ ત્યાંજ રાખવાનો હોઈ ખેતરની ઉત્તરાદી બાજુ રસોઈની પણ તૈયારીઓ પૂરજોશથી ચાલુ હતી.
ઢોલ પણ ઢબૂકતો હતો.
ક્યારેક કોઈ આદમી તો કોઈ બૈરા માણસને ધ્રુજારી જેવું આવે તો લોકોમાં ગણગણાટ પણ થતો :-” વાલા ભૈ તો……..”
અને ત્યારે ઢોલી જોરથી ઢોલ વગાડતો અને બૈરાંઓના સૂર લાંબા થઈ જતા હતા.
વાલાને ગુજરી ગયે આમતો ઘણાં વર્ષો વીતી ગયેલાં. ગીતાય હવે તો ડોશી લાગતી હતી. પણ, એની દીકરી સાસરે સુખી નહોતી.દીકરાની વહુનેય ખોળો ભરાતો નહોતો. કોઈની પાસે જોવડાવેલું તે એવો વહેમ પડેલો કે વાલાનો આત્મા ભટકે છે.એને ખેતરના શેઢે બેસવું છે, એય પાળિયારૂપે !
પાળિયાનો પથ્થર બાજુના શહેરના સલાટને ત્યાંથી લાવવામાં આવ્યો હતો.
ખાડો ખોદાઈ ગયો એ પછી ત્યાં હાજર જાણકારે એમાં કંઈક બોલી દર્ભ, શ્રીફળ, સોપારી, અક્ષત, અબીલ- ગુલાલ વગેરે નાખી જગ્યાને પવિત્ર કરી. પાળિયાને પણ દૂધ અને પાણીથી નવડાવવામાં આવ્યો. પછી ધીરેથી એને એ ખાડામાં ખોડવામાં આવ્યો ત્યારે ઢોલીએ જોરજોરથી ઢોલ પર દાંડી પીટવા માંડી.
હવે છેલ્લી વિધિ બાકી હતી એ શરૂ થઈ.
ગીતાએ પળિયાને સિંદૂર ચઢાવ્યું અને થાળી લઈને એ બાજુમાં ઉભી રહી. વારાફરતી લોકો એ પાળિયા પર સિંદૂર ચઢાવતાં હતાં.
ચંપાનો વારો આવ્યો. એણે થાળીમાંથી ચપટી સિંદૂર લીધું. પાળિયા પર ચઢાવવા જતી હતી અને એને વીસેક વર્ષ પહેલાં શેઢાની આ જગ્યાએ જ વાલાએ એના સિંદૂરનું કરેલું અપમાન યાદ આવતાં જ એને આવેલી ધ્રુજારીથી ચપટી થાળીમાં ઠલવાઈ ગઈ અને એ સહેજ પાછી હટી ગઈ.
– માણેકલાલ પટેલ.