પગની જુતી : આ લઘુકથા પુરુષ પ્રધાન દુનિયામાં સ્ત્રીની પરિસ્થિતિ વર્ણવે છે, વાંચજો જરૂર.

0
1031

આજનું દૃષ્ય જોઈને દેવકી મનથી હચમચી ગઈ.. પાડોશમાં રહેતા અશોકની યુવાન પત્ની ચાર વર્ષના દિકરાને મુકી સર્પ દંશથી મ રીગઇ.. એ વાતથી લાગેલ આઘાત કરતાં ભારે વજ્રાઘાત નનામી ઘરમાંથી બહાર નિકળી ત્યારે કરાયેલ વિધિથી લાગ્યો..

સમાચાર મળતાં અશોકની મોટીબેન લાભુ તરત જ પહોંચી ગઈ હતી.. રોકકળ વચ્ચે અનુભવી અને જાણકાર સ્ત્રીઓએ દેહ નવડાવ્યો.. અને પુરુષોએ નનામી બાંધી.. ચાર કાંધિયા નનામીને ડેલી બહાર લઈ ચાલ્યા..

દેવકી પણ જોવા એકઠી થયેલી સ્ત્રીઓ વચ્ચે હતી.. એણે જોયું.. અશોક નાહી ધોઈ નવા કપડાં પહેરી ડેલીએ ઉભો.. લાભુએ ચાંદલો કર્યો , અને ગોળ ખવડાવી મોં મીઠું કરાવ્યું..

એક ડોશીએ કહ્યું.. ” બીજીવાર લગ્ન કરવા હોય તો આમ કરવું પડે.. અને તે સમશાને પણ ના જઈ શકે.. ને ખાપણ અને સરપણના પૈસા પણ પિયરિયા આપે.. એવો ચાલ્યો આવતો રિવાજ છે..”

દેવકી ઘરે આવી.. એનું હૈયું વલવલતું હતું.. ” શું એક સ્ત્રીની આટલી જ કિંમત? એનો શ્વાસ બંધ થાય કે તરત જ નવા લગ્નની તૈયારી? આ તે કેવા ક્રુર રિવાજ?”

દોઢ વરસ પહેલાની પોતાની ઘટના નજર સામે આવી.. એનો પતિમ રીગયો.. સ્ત્રીઓએ ભેગા મળી એના સેંથો ચાંદલો ભુંસી નાખ્યા.. બંગડીઓ ફોડાવી નાખી.. પતિની ચીતામાં સ ળગી મ રવાના પ્રતિક રુપે એની સાડીમાં સ ળગતી અગરબતી અડાડી કાણાં પાડ્યા.. મુંડનના નમુના રુપે વાળની એક લટ કાપી નાખી.. અને જે જગ્યાએ પતિનો દેહ રાખ્યો હતો, એ જગ્યાએ રાતે નીચે સુવાની ફરજ પાડી.. એ બિચારી બીકની મા રી.. આખી રાત એકલી બેઠી રહી..

એને ગુમસુમ જોઈ, ભાભીએ કારણ પુછ્યું, તો દેવકીએ કહ્યું.. ” ભાભી.. સ્ત્રીનો પતિ મ રેતો, જાણે આખું જગત લુંટાયું હોય, તેવા રિવાજ.. ને પત્ની મ રેતો જાણે પગની જુતી ગઈ.. એવા રિવાજ.. તમે અશોકને ગોળ ખાતો જોયો ને?”

એ આગળ બોલી.. ” હવે મારે બીજું ઘર નથી કરવું.. જ્યાંની વાત ચાલે છે, તેને ના પાડી દેજો.. આવા ઘાતકી રિવાજો જોઈ, હવે બીજીવાર કોઈની પત્ની થવું નથી.. મને સીલાઈ કામ ફાવી ગયું છે.. હું એકલી રહીને જીવન ગાળીશ..”

ભાભીએ નિસાસો નાખ્યો.. ” સાવ સાચી વાત છે , બેન.. પુરુષો તો સ્ત્રીને પગની જુતી જ સમજે.. એટલે કોઈએ લગ્નગીત જોડ્યું છે ને..

‘ ઓછા છે માન .. એના ઓછા સન્માન.. દિકરીનો જન્મ ના દેજો ભગવાન..’

બેન, તમારો આણાનો પાછો આવેલ સામાન રાખ્યો છે, એ ઓરડો હવેથી તમારો.. અને મારી એક વાતમાં તમે ના પાડતા નહીં.. તમે વાપરો છો એ સંચો ખુબ જુનો થઈ ગયો છે.. મેં બચત કરીને પૈસા ભેગા કર્યા છે.. એમાંથી એક નવો સંચો હું લઈ દઈશ..”

– જયંતીલાલ ચૌહાણ ૯-૮-૨૧