બીમાર ભાઈને બચાવવા નાનકડી છોકરી મેડિકલ સ્ટોર પર “ચમત્કાર” ખરીદવા ગઈ, જાણો પછી શું થયું?

0
243

આ વાત છે અમેરીકાના ન્યુયોર્ક શહેરની.

એક સામાન્ય પરિવારમાં રહેતી ટેઝી નામની છોકરી પોતાના નાના ભાઇ એન્ડ્ર્યુને ખુબ પ્રેમ કરતી હતી.

શાળાએથી પરત આવ્યા બાદનો એનો મોટાભાગનો સમય ભઇલાને રમાડવામાં જ જાય.

એન્ડ્ર્યુ ટેઝીનો નાનો ભાઇ જ નહી, પણ તેનો જીવ હતો.

નાનો એવો એન્ડ્ર્યુ ધીમે ધીમે ગળવા લાગ્યા. ઘરના બધા જ સભ્યો ચિંતામાં હતા. નિદાન કરાવતા ખબર પડી કે એન્ડ્ર્યુના મગજમાં ગાંઠ છે.

નાની ટેઝીને તો શું થઇ રહ્યુ છે એની કંઇ સમજ નહોતી.

પોતાના ભાઇની પરિસ્થિતી અને માતા-પિતાના ચહેરા જોઇને એ એટલુ સમજતી હતી કે ઘરમાં કોઇ મોટી મુશ્કેલી આવી છે.

એક દિવસ એ ઘરના કમાડની પાછળ સંતાઇને એના માતા-પિતાની વાત સાંભળી રહી હતી.

રડતા રડતા મમ્મી બોલી, “એન્ડ્ર્યુને હવે માત્ર ચમત્કાર જ બચાવી શકે તેમ છે.”

મમ્મીની વાત સાંભળીને ટેઝી પોતાના રૂમમાં આવી અને પોતાની ગલ્લાપેટી (પીગીબેંક) તોડી નાંખી તેમાંથી જે કંઇ પરચૂરણ નીકળ્યુ તે લઇને એ ઘરની બહાર નીકળી ગઇ.

ઘરથી થોડે દુર આવેલા એક મેડીકલ સ્ટોર પર એ પહોંચી. બધુ જ પરચુરણ એણે ટેબલ પર ઠાલવ્યુ અને કહ્યુ, “અંકલ, મારો નાનો ભાઇ બિમાર છે. મમ્મી કહે છે કે એને હવે માત્ર ચમત્કાર જ બચાવી શકે તેમ છે. મારા આ બધા પૈસા લઇ લો અને મને ચમત્કાર આપો.”

મેડીકલ સ્ટોર વાળા ભાઇ આ ગાંડી છોકરીની વાત સાંભળીને હસવા લાગ્યા અને કહ્યુ, “અમે ચમત્કાર નથી વેચતા.”

ટેઝીએ દલીલ કરતા કહ્યુ, “તમે બધા જ પ્રકારની દવા વેચો છો તો પછી ચમત્કાર પણ વેચતા જ હોવ. ચમત્કારની કીંમત વધુ હોય તો હું ઘરે જઇને મારા બધા જ રમકડા લઇ આવુ. તમે એ પણ લઇ લો પણ મને ચમત્કાર આપો.”

મેડીકલ સ્ટોર પર બેઠેલા એક ભાઇએ ટેઝીની બધી વાત સાંભળી અને પછી કહ્યુ, “બેટા, મારી પાસે ચમત્કાર છે. ચલ મને તારા ભાઇ પાસે લઇ જા હું એને ચમત્કાર આપીશ.”

ટેઝી તો રાજીની રેડ થઇ ગઇ એ પેલા ભાઇને લઇને પોતાના ઘરે આવી.

ઘરે આવીને પેલા અજાણ્યા ભાઇએ ટેઝીના માતા-પિતાને પોતાનો પરિચય આપ્યો અને મેડીકલ સ્ટોર પર બનેલી ઘટના કહી સંભળાવી.

એમણે એન્ડ્ર્યુને પોતાની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો અને ઓપરેશન કરીને એને બચાવી લીધો.

આ અજાણ્યા ભાઇ હતા, જાણીતા ન્યુરોસર્જન ડો.કાલટર્ન આર્મસ્ટ્રોંગ.

મિત્રો, આ જગતમાં પ્રેમ તુલ્ય બીજી કોઇ સંપતિ નથી.

જરા તપાસ કરજો સંપતિ મેળવવાની દોડમાં તમને ટેઝીની જેમ પ્રેમ કરનારુ કોઇ પાછળ છુટી ન જાય.

– સાભાર રઘુવંશી હીત રાયચુરા (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)