ફળિયામાં આવેલા નાગ અને મહિલાની લઘુકથા અસલ જીવનની વાસ્તવિકતા જણાવે છે.

0
803

લઘુકથા – નાગ :

– માણેકલાલ પટેલ.

ફળિયામાં છેલ્લેથી બીજા નંબરનું મકાન રવજીભાઈનું હતું. એ પરિવાર સાથે શહેરમાં રહેતા હોઈ ગામડાનું એમનું આ મકાન વરસોથી બંધ પડેલું હતું.

ડેલીબંધ આ મકાનના બારણાની જમણી બાજુ ખુલ્લો પાણીનો ખાર હતો.

એક દિવસ બપોરના સમયે એક નાગ ફળિયામાં નીકળ્યો. આ નાગને ભગાડવા એકઠા થયેલા લોકોએ છી છી છી કરી લાકડીઓ અને ધોકા પછાડવા માંડ્યા.

નાગ ગભરાઈને એ ખારમાંથી રવજીભાઈના બંધ ઘરમાં પ્રવેશ્યો. લોકો ટોળું વળી નાગ બહાર નીકળે તેની રાહ જોઈ રહ્યા હતા.

થોડી વાર પછી અચાનક આ ફળીયાની પાછળના ફળિયામાં રાડારાડ થવા માંડી. બધા લોકો દોડીને ત્યાં પહોંચ્યા.

બધાંના મનમાં એક જ પ્રશ્ન હતો :- “છેક રવજીભાઈના બંધ મકાનમાંથી આ ફળિયામાં નાગ આવ્યો કેવી રીતે?”

ડાહી ગુસ્સામાં પણ હતી અને ગભરાયેલી પણ હતી.

એના હાથમાં ધારિયું હતું. એ બોલતી હતી :- “એતો મેં ભગાડી દીધો!”

– માણેકલાલ પટેલ.

જો આ લઘુકથા સમજાઈ ના હોય જણાવી દઈએ કે, આગળના ફળિયામાં સાચો નાગ બંધ ઘરમાં ઘૂસ્યો હતો અને પાછળના ફળિયામાં એકલી રહેતી ડાહીના ઘરમાં કોઈ વા સનાભૂખ્યો (નાગ) તકનો લાભ લઈ ઘૂસ્યો હતો. (આ પ્રતીકાત્મક લઘુકથા છે.)

(ફોટા પ્રતિકાત્મક છે.)