11 મે 1951, વૈશાખ શુક્લ પક્ષ પાંચમના દિવસે સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા થઇ હતી. બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો 70 મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ગયો.
વૈશાખ શુક્લ પક્ષની પાંચમ પ્રાણપ્રતિષ્ઠા દિવસ તરીકે ઉજવાઇ છે. તા. 11 મે 1951, વૈશાખ શુક્લ પાંચમના દિને પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ દ્વારા ગર્ભગૃહનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમુદ્રમાં શણગારેલી બોટમાં રાખવામાં આવેલી, 21 તોપની સલામી સાથે ભક્તોએ જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું.
આ પ્રસંગે સરદાર સાથે સોમનાથ નિર્માણમાં મહત્વની ભુમીકા અદા કરનાર લોકો તરીકે દિગ્વિજયસિંહ, કાકાસાહેબ ગાડગીલ, મોરારજીભાઇ દેસાઇ, કનૈયાલાલ મુનશી સામેલ હતા. આજે જોસરદારને યાદ કરીએ તો કનૈયાલાલ મુનશીના શબ્દો યાદ આવે કે ‘જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ નિહાળવા સદભાગી થઇ ન હોત’. (સાભાર પ્રફુલસિંહ એન. ઠાકુર, અમર કથાઓ ગ્રુપ)
એક દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું. ચંદ્રના 24 નક્ષત્રો સાથે તેમના લગ્ન થયા હતા પણ તેમને બે રાણી પ્રિય હતી માટે બીજી રાણીઓ તેનાથી દુઃખી થઇ અને તેના પિતા પાસે ગઇ. દક્ષ રાજાએ ચંદ્રને તેની શક્તિ ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો. ત્યારે તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તે બાદ શિવજીની કૃપાથી 15 દિવસ અજવાળુ અને 15 દિવસ અંધરાનો ચંદ્ર થાય છે. માટે તેમણે અહીં ભગવાન શિવે તેમની જ્યોતિ સ્થાપિત કરી તે સોમનાથ નામથી જાણીતું થયું.
સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન નથી. અહીં જ બાજુમાં ભાલકાતીર્થ આવેલું છે, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ તેના નિજધામ ગયા હતા. અહીં તેમને પારધી દ્વારા તેના પગમાં રહેલા પદ્મને વીંધીને તેમને ઘાયલ કર્યા હતા. આ જ જગ્યાથી ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઇ શ્રી બલરામ પણ અહીંથી પાતાળ લોક ગયા હતા. અહીં પૂનમને રાત્રીએ મંદિરની ટોચ પર હોય છે, તથા દરરોજ સૂરજ રોજ તેમને પ્રકાશીત કરે છે. માટે આ ક્ષેત્રમાં હરિહરનું મિલન અદભૂત થાય છે.