સોમવારની વ્રતકથા : સોમા ધોબણને મળ્યું સોમવારના વ્રતનું ફળ, વાંચો પૌરાણિક વ્રતકથા.

0
772

એક ગામમાં એક સાધુ દરરોજ નિત્ય ક્રમ પ્રમાણે ભિક્ષા માંગવા આવતા હતા. અને એક ઘરમાંથી તેમને દરરોજ ભિક્ષા મળતી હતી. જયારે તે ધરની વહુ ભિક્ષા આપવા આવતી તો તેઓ તેને આશીર્વાદ આપતા કે ‘દૂધે નહાઓ-પુત્ર ફળો.’

અને જ્યારે તે ધરની દીકરી ભિક્ષા આપતી તો તેને આશીર્વાદ આપતા સમયે કહેતા : ‘ધર્મ વઢે, ગંગા સ્નાન કરો.’

એક દિવસ તે દીકરીએ પોતાની માતા ને પૂછ્યું : ‘પેલા સાધુ મને જુદો આશીર્વાદ આપે છે અને ભાભીને જુદો. તેનું કારણ શું?’

માતાએ કહ્યું : “કાલે તે સાધુ મહારાજને હું તેનું કારણ પૂછીશ.” પછી બીજા દિવસે માતાએ તે સાધુને પોતાની દીકરીના સવાલ વિષે પૂછ્યું.

સાધુએ કહ્યું : ‘તમારી દીકરીનું સૌભાગ્ય ખંડિત છે એટલા માટે.’

માતા : ‘કોઈ એવો ઉપાય જણાવો જેથી મારી દીકરીનું સૌભાગ્ય અખંડ રહે.’

સાધુ બોલ્યા : ‘તમારા ગામમાં એક સોમા નામની ધોબણ છે. તેને ત્યાં તમારી દીકરીને સેવા કરવા જવાનું કહેજો. એ ઘેર ન જઈ શકે તો એના વાડામાં જઈને કચરો-પૂંજો વાળે. ગધેડા બંધાય છે તે જગ્યા સાફ કરે. આવી રીતે સેવા કરીને તે ધોબણને પ્રસન્ન કરવાનું કહેજો. તે ધોબણ મહાપવિત્ર છે, તે પતિવ્રતા છે. તેના આશીર્વાદથી તમારી દીકરીનું સૌભાગ્ય અખંડ બનશે.

બીજા દિવસથી છોકરી રોજ સોમા ધોબણને ત્યાં જઈ તેનો વાડો સાફ કરવા લાગી. ગધેડાઓની લાડ ઉઠાવવા માંડી. કચરો-પૂંજો વાળવા માંડી. પહેલા તો ધોબણને આ વાતની જાણ ન થઈ પણ રોજ આ પ્રમાણે બનતું એટલે તેને કુતૂહલ થયું. તેણે એક દિવસે છુપાઈને આ બધું જોઈ લીધું અને તેને પૂછ્યું : ‘દીકરી તું આવું હલકું કામ કેમ કરે છે?’

તે દીકરીએ સાધુએ જણાવેલી બધી વાત કરી.

ધોબણ પ્રસન્ન થઈ ગઈ. તેમણે તે દીકરીની માં ને કહ્યું : ‘જ્યારે તમારી દીકરીના લગ્ન થાય અને ફેરા ફરવાનો વખત આવે ત્યારે મને બોલાવજો. હું તેને મારું સૌભાગ્ય આપીશ.’

થોડા સમય પછી તે દીકરીના લગ્નનો સમય આવી ગયો. સોમા ધોબણને આ વાતની જાણ કરવામાં આવી. સોમા ધોબણ ઘરેથી નીકળી. નીકળતા પહેલા તેણે પોતાના ઘરના લોકોને કહી રાખ્યું હતું કે મારી ગેરહાજરીમાં જો મારા પતિને કઈ થઈ જાય તો કઈ કરશો નહીં. મારી રાહ જોજો.’

સોમા ધોબણ લગ્નમાં ગઈ. પોતાનું સૌભાગ્ય આપવાનો વખત થયો ત્યારે સોમા પોતાની જગ્યાએથી ઊઠી અને પોતાના સેંથામાંથી સિંદુર લઈ છોકરીના સેંથામાં પૂર્યું.

બરાબર એ જ સમયે સોમાના પતિએ દુનિયા માંથી વિદાય લીધી. સોમા વિધવા બની. તેના ઘરના લોકોએ વિચાર્યું કે, સોમા આવશે અને પતિ વિષે જાણીને તેની સાથે સતી થશે, માટે તેનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવે તે જ ઠીક છે. આવું વિચાર તે લોકોએ ધોબીની લાશને સ્મશાને લઈ જવા લાગ્યા.

સોમા લગ્ન પતાવીને પોતાના ઘર તરફ આવી રહી હતી. રસ્તામાં તેને તેના ઘરના લોકો મળ્યા. સોમાએ કહ્યું આ શબને આ પીપડના ઝાડ આગળ મૂકો. સોમાના હાથમાં એક ઘડો હતો. એ ઘડો તેને લગ્ન સમયે આપવામાં આવ્યો હતો. ધોબણે એ ઘડાના ૧૦૮ ટુકડા કર્યા અને પોતાના પતિવ્રત ધર્મને ધારણ કરી શંકર-પાર્વતીનું સ્મરણ કર્યું. પીપળાની ૧૦૮ વખત પરિક્રમા કરી પછી પોતાના ટચલી આંગળીમાંથી લો-હી-કા-ઢ્યું અને પતિ પર છાંટ્યું.

તેનો પતિ આળસ મરડીને બેઠો થયો. સોમાએ પોતાના પતિવ્રતના પ્રભાવથી પોતાના ઘણીને જીવતો કર્યો. સોમા સોમવારનું વ્રત કરતી તેનો જ આ પ્રભાવ હતો.