ખાતાં ખાતાં દીકરાએ પૂછ્યું : “બાપુજી! તમે ગુરુ કર્યા છે?” પછી પિતાએ જે જવાબ આપ્યો તે જાણવા જેવો છે.

0
1025

લઘુકથા : ગુરુ

– માણેકલાલ પટેલ

કોઈએ હરિને કહેલું કે જેને ગુરુ ન હોય એને નુગરો કહેવામાં આવે છે.

આ વખતે તો એણે નક્કી જ કરેલું કે ગુરુ બનાવી જ લેવા છે.

એ સવારથી જ ગુરુની શોધમાં નીકળ્યો.

એના વિસ્તારમાં પાંચ આશ્રમો હતા.

પહેલા અને બીજા આશ્રમમાં જગ્યા જ નહોતી. ખૂબ ભીડ હતી. તપાસ કરી તો જાણવા મળ્યું કે ત્યાં જડીબુટ્ટીઓ અને સાબુ- અગરબત્તી એવું બધું વેચાતું હતું જે ગુરૂ પ્રસાદીરૂપે ખરીદવા માટે પડાપડી થઈ રહી હતી.

ત્રીજા આશ્રમમાં માયા છોડવા માટેનું પ્રવચન ચાલતું હતું અને જેને દિક્ષા લેવી હોય તેમનાં નામ એ વખતે નિશ્ચિત રકમ વહીવટી સરળતાના નામે લઈ નોંધવામાં આવતાં હતાં. દિક્ષા રાત્રે આપવાની હતી.

એ ચોથા આશ્રમે ગયો તો ત્યાં આગ્રહ કરી કરીને જમાડવામાં આવતા હતા. એણે પણ ડિશ લીધી. બાજુમાં વાતચીત થતી હતી : “આવી જગ્યાએ મફત તો જમાય નહિ ને? બસો કે પાંચસો લખાવી દઈશું.” હરિએ ખાલી ડિશ એમ જ મૂકી દીધી.

એ પાંચમા આશ્રમે પહોંચ્યો ત્યારે ત્યાં લાઈન લાગેલી એણે જોઈ. પૂછપરછ કરતાં ખબર પડી કે ગુરુ મહારાજના ચરણસ્પર્શ કરવા માટેની એ લાંબી લાઈન હતી.

એ નિરાશ થઈ ઘરે પાછો આવ્યો.

બપોરના બે વાગવા આવ્યા હતા.

એનાં ઘરડાં મા- બાપ, પત્ની અને બે બાળકો એની જ રાહ જોઈ રહ્યાં હતાં. એનાં બાએ પૂછ્યું : ” ભૈ ! ભૂખ નથી લાગી?”

” તમે તો જમી લીધું ને?”

” તારા વિના કોળિયો મોંઢે કેમ ઉતરે?” એના બાપુજીએ કહ્યું ત્યારે એનાં બેય બાળકો એને વીંટળાઈ વળ્યાં.

ખાતાં ખાતાં એણે એના બાપુજીને પૂછ્યું : “બાપુજી ! તમે ગુરુ કર્યા છે?”

એમણે કહ્યું : ” યોગ્ય વ્યક્તિને ગુરુ બનાવવા જોઈએ. મારી યુવાનીમાં હુંયે બે- ત્રણ જગ્યાએ ગયેલો. પણ, ક્યાંય મારું મન માનેલું નહિ.”

” પણ, ગુરુ વિનાના તો નુગરા ન કહેવાય. ”

” તારી વાત સાચી છે.” એમણે કહ્યું : ” પછી તો મારાં મા- બાપને જ ગુરુ માની લીધેલાં એટલે બીજે ગુરુ કરવાની જરૂર જ ન પડી.”

– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગ્રુપ)