ઘાટીલો ચુલો :
ઓડદર ગામનો આધેડ મેર માલદે વાડીએ ખાતરનું ગાડું ઠાલવી પાછો આવ્યો.. જોયું તો એ જુવાન હજી પાદરને ઓટે એકલો જ બેઠો છે.. ગાડું ઉભું રાખી રામરામ કર્યા.. પુછ્યું..” કોના મેમાન..? ક્યું ગામ..?”
જુવાને કહ્યું ..” આતા , મેમાન ગામનો.. ને ગામ છેટેનું.. સુખપર.. કામ ગોતવા નિકળ્યો છું.. આડું ઉભું કોઈ નથી.. કોઈને સાથીની જરુર હોય તો રહેવું છે..”
” તો હાય્લ મારા ભેગો.. અમારે દિકરો હજી નાનો છે..” માલદે એને ઘરે લઈ ગયો..
ચાપાણી પીધા.. આડી સવળી વાતો થઈ.. ઓળખાણ માંગી , તો જુવાને કહ્યું..” આયાં મારું તો કોઈ ઓળખીતું નથી.. પણ આ કાગળ જુઓ..”
માલદેએ જોયું.. નિશાળનો દાખલો છે.. સાતમું ધોરણ પાસ કર્યું છે.. ને ‘કાળુ દેવા પરમાર’ નામ છે.. ને નાતીલો જ છે..
મસીયારો ઠેરવ્યો.. વાલીએ કહ્યું.. “ તું ત્રીજો છે.. બે સાથી બબે વરસ રહ્યા.. આ તારો આતો પૈણાવવાનો શોખીન છે.. બેયના ઘર કરાવી દીધા.. તુંય દિકરાની જેમ રહેજે.. ને અમને આઈ આતા જ કહેજે.. ખાવાપીવામાં શરમાતો નહીં.. પણ દગડાઈ ના કરતો..”
” ને માલદે.. તમે બેય એક ફેરો નાખી આવો.. ત્યાં હું લાપસી રાંધી રાખું..”
માલદે અને કાળુ , ખાતરનું ગાડું ભરી વાડીએ ગયા..
એક દિવસ મેમાનને લઈને માલદે વાડીએ ગયો.. કાળુ સાંતી હાંકતો હતો.. સાંતી ઉતારા પાસે આવ્યું.. એટલે કાળુએ મેમાન સાથે રામરામ કર્યા.. પણ તરત જ ઉથલ વાળી લીધી.. ઘડીવાર પણ રોકાણો નહીં..
મેમાને પુછ્યું એટલે માલદેએ ચોખવટ કરી.. “ આપણી નાતનો છે.. સુખપરનો છે.. નામે , કાળુ દેવા પરમાર એણે મને નિશાળનો દાખલો પણ દેખાડ્યો હતો..”
મેમાને કહ્યું.. ” મને કાંઈક ભેદ લાગે છે.. આ અમારા ગામના દુદા કુંભારનો કાનો લાગે છે.. એક વરસથી ભાગી ગયો છે.. તું તપાસ તો કરજે..”
ઘરે આવી માલદેએ વાલીને વાત કરી.. એ ઉંડું વિચારીને બોલી..
“માલદે , તારી વાત સાચી લાગે છે.. અખાત્રીજે હું નવો ચુલો ઘડતી હતી.. એણે કીધું.. ‘આઈ લાવ.. હું ઘડી દઉં’.. અને એણે ચુલાને ઘાટ આપ્યો.. આજ દી સુધી મેં આવો ઘાટીલો ચુલો જોયો નથી.. હોય ના હોય.. આ કુંભાર જ હશે.. તું ક્યારેક ભાર દઈને પુછી જોજે.. “
એક દિવસ વાડીએ માલદેએ પુછ્યું.. “ સાચું કહી દે.. વાત શું છે..?”
કાળુએ કહ્યું.. “ મેમાનની વાત સાચી છે.. હું એને ઓળખી ગયો હતો.. એટલે સાંતી રોક્યું નહીં.. મારું નામ કાનો.. બાપનું નામ દુદો.. અમે કુંભાર..”
એણે વધુ કહ્યું..” અમે ભાઈ બેન બે હતાં ને મા મરી ગઈ.. બાપે નવું ઘર ક્યું.. મારી સગાઈ ઘોડિયામાં થઈ ગઈ હતી , એ છોકરીની માસી વિધવા થઈ.. તેની સાથે.. નવી મા એક દિકરી ભેગી લઈ આવી.. ને એક દિકરી મારા બાપની થઈ..”
મારો બાપ લગનનું કહેતો હતો .. પણ હવે એ છોકરી મારી માસીની દિકરી થાય.. એને કેમ પરણાય..? મેં ના પાડી.. એટલે વાંધો પડ્યો.. હું ભાગી આવ્યો..
લ્યો , બસ આટલી વાત..”
” તો, ઓલો નિશાળનો દાખલો કોનો હતો..?”
” એ તો મને બસમાંથી મળ્યો હતો.. ઓળખાણ આપવા રાખી લીધો..”
માલદે દુદાને મળ્યો.. દુદાની વાત પણ સાચી લાગી.. “સગાઈ તો ઘરઘરણા પહેલાં થઈ હતી.. એટલે તોડાય નહીં.. ને હવે છોકરી જુવાન છે.. એને એવડો કુંવારો મુરતિયો મળેય નહીં.. બિચારીને નાછુટકે બીજવરને જવુંં પડે.. એ દુખી થાય તો પાપ લાગે..”
માલદેએ વાલીને વાત કરી.. એણે કાળુને સમજાવ્યો.. ” હવે કાળુમાંથી પાછો કાનો થઈ જા.. તારો બાપ ને નવીમા હવે ઘરડા થતા જાય છે.. બે બેનું જુવાન થઈ છે.. એના લગનની તૈયારી કર.. ને તુંય પરણી જા..તારો આતો બધું જોઈ આવ્યો છે.. છોકરી રુપાળી છે.. તું નહીં પરણ તો એ દુખી થાશે.. ને હાયકારો લાગશે..”
કાનાને આઈની વાત ગળે ઉતરી.. એણે હા પાડી.. ને આઈની મશ્કરી કરી..
” પણ આઈ.. એ પરણીને સાસરે આવે ત્યારે માસી ભાણેજ રહે કે સાસુ વહુ થાય..?”
આઈ હસીને ખીજાણી.. “ માર રોયા.. તારે ટપટપનું કામ છે કે મમમમનું..?”
હોળીએ મસીયારો પુરો થયો.. અખાત્રીજે કાનાની જાન જોડવાનું નક્કી થયું..
– એક વાચક મિત્રે જણાવેલ સત્ય ઘટના પર આધારિત –
– જયંતીલાલ ચૌહાણ ૨૨-૩-૨૧
ફોટો પ્રતીકાત્મક છે