ભ્રષ્ટાચારી અધિકારીને તેના દીકરાએ જે રીતે પાઠ ભણાવ્યો તે દરેકે જાણવા જેવું છે.

0
1040

અચૂક વાંચવા જેવી પોસ્ટ.

રેસ્ટોરન્ટ :

એક અધિકારી હતા. ભ્રષ્ટાચાર દ્વારા ઘણી સંપતિ બનાવી હતી. દિવસ દરમ્યાન યેનકેન પ્રકારે પૈસા ભેગા કરતા આ અધિકારી સાંજ પડે એટલે ભગત બની જાય. ભગવાનના મંદિરમાં જઇને ભક્તિમાં લીન થઇ જાય. મોટી રકમના દાન પણ આપે. અધિકારીના યુવાન દિકરાને પિતાનું આ દ્વિમુખી વ્યક્તિત્વ જરા પણ પસંદ ન હતુ.

એક દિવસ આ યુવકે પોતાના પિતા સાથે એક રેસ્ટોરન્ટમાં જમવા જવાની ઇચ્છા બતાવી અને પિતાએ એ સહર્ષ સ્વિકારી. અધિકારી પોતાના યુવાન દિકરા સાથે જમવા માટે બહાર નિકળ્યા. એક રેસ્ટોરન્ટમાં દાખલ થયા. વેઇટરે બંનેને એક ખુરશી પર બેસવા માટે કહ્યુ. વેઇટરે બતાવેલી જગ્યા પર બેસવા માટે ગયા પણ ખુરશી તો એકદમ ગંદી હતી. ખુરશી પર જાત-જાતના ડાઘા પડેલા હતા અને દાળ-શાક ઢોળાયેલા હતા.

વેઇટરને આ બાબતની ફરીયાદ કરી એટલે બેસવા માટે બીજી જગ્યા આપી. નવી જગ્યા પર બેસવા માટે ગયા તો ત્યાં ટેબલ ગંદુ હતુ. પિતાએ પુત્રને કહ્યુ, “બેટા તુ મને આ કેવા રેસ્ટોરન્ટમાં જમવા માટે લાવ્યો છે? પિતાએ ફરીથી વેઇટરને બોલાવીને ઉંચા અવાજમાં ફરિયાદ કરી એટલે બેસવા નવી જગ્યા આપી. હવે અધિકારીનો જમવાનો કોઇમુડ જ નહોતો પણ દિકરા માટે એ બેસી રહ્યા.

થોડીવાર પછી વેઇટર પાણી લઇને આવ્યો. ગ્લાસ બહુ સરસ મજાના હતા પણ પાણી સાવ ગંદુ. ગ્લાસમાં અંદર નજર કરી તો નાની-નાની જીવાતો પણ હતી અને પાણી વાસ મારતુ હતુ. અધિકારીની સહનશક્તિનો બંધ તુટી ગયો અને પાણીનો ગ્લાસ ઉપાડીને પાણી વેઇટરના મોઢા પર જ ફેંક્યુ.

દિકરાએ કહ્યુ, “કેમ પપ્પા શું થયુ?”

પિતાએ ગુસ્સા સાથે દિકરાને પણ કહ્યુ, “આ તે રેસ્ટોરન્ટ છે કે ગંદકીવાડૉ? અહીંયા એક મીનીટ પણ ઉભા રહેવુ ગમે તેમ નથી?”

દિકરાએ કહ્યુ, “પપ્પા મને માફ કરજો પણ તમે ઓફીસમાં જે કામો કરીને તમારા હદયને ગંદુ કરો છો અને પછી સાંજે એ હદયમાં બેસવા માટે ભગવાનને પ્રાર્થના કરો છો તો ભગવાનને તમારા પર ગુસ્સો નહી આવતો હોય?”

મિત્રો, યાદ રાખજો કે ભગવાનની પૂજા-દર્શન-પ્રાર્થના સાથે ખોટા કામો પણ કરતા હોઇએ તો એનો અર્થ એ થયો કે આપણે ભગવાનને મોટા મૂરખ જ માનીએ છીએ. જો ગંદી ખુરશી-ટેબલ પર બેસવા કે ગંદુ પાણી પીવા આપણે તૈયાર ન હોય તો અશુધ્ધ હદયમાં બેસવાનું ભગવાન પણ ક્યાંથી પસંદ કરે?

– સાભાર સચિન બામણીયા (કમલ કી શાહી)