દીકરાએ માં ને કહ્યું – તું અભણ છે, તને ખબર નઈ પડે, પછી પપ્પાએ આ રીતે ખોલી દીકરાની આંખ.

0
2486

દીકરાનું 12 માં ધોરણનું પરિણામ આવ્યું. દીકરાએ ઘરે જઈને પપ્પાને માર્કશીટ આપી. પપ્પા માર્કશીટ જોઈને બોલ્યા વાહ બેટા સરસ. રસોડામાં દીકરાના પરિણામની રાહમાં લાપસી બનાવતી તેની પત્નીને સાદ પાડ્યો, એ સાંભળે છે? આપણો દીકરો 90 % સાથે પાસ થયો છે.

પત્ની દોડતી-દોડતી આવી. બોલી બતાવો મને માર્કશીટ. દીકરો તરત જ વચ્ચે બોલ્યો, મમ્મી માર્કશીટ અંગ્રેજીમાં છે, તું અભણ છે ને, તું રહેવા દે, તને ખબર નઈ પડે. માં ની આંખ છલકાઈ ગઈ પણ બિચારી કાંઈ બોલી ના શકી. ત્યારે દીકરાની વાત કાપતા તેના પપ્પા બોલ્યા, બેટા અમારા લગ્નના ત્રણ જ મહિનામાં તારી માં ને ગર્ભ રહ્યો હતો. મેં કહ્યું ચાલ ગર્ભ પાત કરાવી લઈએ, આપણે હજુ તો જિંદગીમાં ક્યાંય ફર્યા જ નથી, આપણે હજુ તો જિંદગી જીવ્યા જ નથી. તેણે ત્યારે મારી વાતનો વિરોધ કર્યો, અને તને આ દુનિયામાં આવવા દીધો, કારણ કે તે અભણ હતી.

તારી મમ્મી તેનું શરીર બહુ જ સાચવતી હતી, તે તેના ફીગરને જાળવી રાખવા માટે કદાપિ ઘી અને દૂધની બનેલી રસોઈ ખાતી નહોતી. પરંતુ બેટા તું જયારે તારી માં ના પેટમાં હતો, ત્યારે દીકરો હેલ્દી જન્મે તે માટે તને પોષણ મળે તે માટે તેણે નવ મહિના ઘી અને દૂધની રસોઈ ખાવાની ચાલુ કરી હતી કારણ કે તે અભણ હતી.

તને સવારે 7 વાગ્યે શાળાએ મોકલવા રાત્રે ઘરનું કામ પતાવીને મોડે સુઈ જતી હતી, છતાંય સવારે પાંચ વાગે જાગીને યોગ અને કસરત છોડીને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી, તને તૈયાર કરતી હતી, તને સ્કૂલે મુકવા આવતી હતી કારણ કે તે અભણ હતી.

તું રાત્રે વાંચતા વાંચતા સુઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ગોદડું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જમાં મૂકી, હળવેકથી બત્તી બંધ કરી દેતી, પોતે મોડે સૂતી હતી છતાંય, વહેલી ઉઠીને તારા રૂમમાં આવીને તને ઉઠાડતી હતી કારણ કે તે અભણ હતી.

આજ સુધી તારી નજરમાં તને દેશી લાગતી તારી મમ્મી તારા જન્મ પહેલા વેસ્ટર્ન કપડાં પહેરતી હતી. અને વેસ્ટર્ન જીવન જીવતી હતી. તારા જન્મ પછી ટ્રેડિશનલ કપડાં પહેરતી હતી અને ટ્રેડિશનલ જીવન જીવતી હતી છતાંય તેણે તને વિદેશી સગવડો આપી છે, કારણ કે તે અભણ હતી.

તું નાનો હતો ત્યારે રાત્રે વધારે બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહેતી અને સવારે વળી પાછી પોતાના કામમાં વળગી જતી, કારણ કે તે અભણ હતી. તને સારા કપડાં પહેરાવવા તે પોતે સસ્તી સાડી ચલાવી લેતી હતી, કારણ કે તે અભણ હતી.

બેટા ભણેલાઓને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય, પણ તારી માં એ આજ સુધી ઘરમાં પોતાનો સ્વાર્થ નથી જોયો, આપણું જમવાનું બનાવવામાં ક્યારેક પોતે જમવાનું ભૂલી જતી. તેથી હું ગર્વથી કહું છું કે મારી જીવનસંગીની અભણ છે, પણ સંસ્કારી છે.

દીકરો પપ્પાની વાત સાંભળીને રડી પડ્યો અને બોલ્યો : માં હું તો માત્ર કાગળ પર જ 90 % લાવ્યો છું, પણ મારા જીવનને 100 % બનાવનારી પ્રથમ શિક્ષક તું જ છે. જે શિક્ષકનો વિદ્યાર્થી 90 % લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો. અને તને અભણ માનતો રહ્યો.

કારણ કે આજે મેં અભણ માં ના સ્વરૂપમાં મારા હેલ્થની ચિંતા કરતી માં (ડોક્ટર), મને હોમવર્ક કરાવતી માં (શિક્ષક), મને સંસ્કાર આપતી માં (ગુરુ), મારા કપડાં સીવતી માં (ફેશન ડિઝાઈનર) અને મને ભાવતી રસોઈ બનાવીને પ્રેમથી મારી પાછળ મને ખવડાવવા દોડતી માં (બેસ્ટ કુક) વગેરેના દર્શન કર્યા છે.

માં આજે 90 ટકા સાથે પણ હું અભણ છું, અને તારી પાસે આજે પીએચડીથી પણ ઊંચી ડિગ્રી છે. હે માં તારા આ (સંસ્કારમાં અભણ) દીકરાને માફ કરી દે, હું ભલે ધોરણ બારમાં 90 % લાવ્યો પરંતુ તને સમજવામાં તો હું ક્યાંય પાછળ રહી ગયો તેનો મને બહુ જ અફસોસ રહેશે.

દીકરાઓ ભલે તમે આજના વિજ્ઞાનના સમયમાં ગમે તેટલી મોટી ડિગ્રી પ્રાપ્ત કરી હોય, પરંતુ તે ડિગ્રી લાવવા પાછળ તમારા માતા-પિતાની મહેનત, સંસ્કાર અને પરસેવાની કિંમત જરૂર કરજો અને છેલ્લે એટલું જરૂર કહીશ કે, તમારા જીવનમાં માતા-પિતાના સ્થાનને ભગવાન અને ગુરુથી પણ ઉપર રાખજો, ભગવાનને પણ ગમશે.

જય શ્રીકૃષ્ણ.

– મહેન્દ્ર પટેલ.

(સાભાર ચીમન ભલાલા, અમર કથાઓ ગ્રુપ)