‘સોનાની લગડી’ : સાસુ અને વહુનો આ પ્રસંગ સોનાની ખોટ પુરે છે.

0
528

પ્રિયાના સગપણની વાત આવી .. ઘરના સૌ મળી ચર્ચા કરી રહ્યા હતા..

કાકી સગુણાએ કહ્યું.. “છોકરાની મમ્મી માલતી મારી બચપણની સાહેલી છે.. બહુ ચીવટવાળી છે.. પાંચ પૈસા પણ વેડફે નહીં.. અમે એને લોભણી કહીને ચીડવતાં.. આપણા જેટલા પૈસાવાળા નથી.. પણ સારા માણસો છે..”

બે ભાઈઓના સંયુક્ત કુટુંબમાં સગુણા નાના ભાઈની પત્ની હતી.. એની વહેવાર કુશળતાના કારણે ઘરમાં એનું સારું ઉપજણ હતું..

પુછપરછ, તપાસ વિગેરે પત્યા પછી.. સગાઈનું પાકું થયું.. સગાઈ કરવા મહેમાન આવ્યા..

સગુણાએ માલતીને મજાકમાં કહ્યું.. “વેવાણ.. તું તો બહુ લોભણી છો.. અમારી પ્રિયા છે, શોખીન અને ઉડાઉ.. એને ખવડાવવામાં લોભ કરતી નહીં.. નહીંતર મારા જેવી ભૂંડી કોઈ નથી.. હાં..”

માલતીએ પણ હસીને જવાબ આપ્યો.. “એલી, તારી ભત્રીજીને વજન કરીને સાસરે મોકલજે.. પહેલો આંટો આવે, ત્યારે પાછી જોખી લેજે.. વજન ઘટે એટલી ચાંદી દઈશ.. ને વધશે તો તારી પાસેથી વસુલ કરીશ..”

સૌ વાત સાંભળીને હસ્યા..

લગ્ન થઈ ગયા.. ત્રણેક મહિને ભાઈ ભાભી પ્રિયાને પહેલો આંટો તેડી લાવ્યા..

પ્રિયાના ચહેરા પર ચમક જોઈ.. ઘરના સૌ રાજી થયા.. કે દિકરી સાચે જ એના સાસરે સુખમાં છે..

પ્રિયાએ નાના મોટા સૌ સાથે વાતો કરી.. કાકીએ પુછ્યું .. “મારી લોભણી વેવાણ શું કરે છે? તને રોવડાવતી તો નથી ને?”

પ્રિયા બોલી.. “ના કાકી, મને તો એમની પાસેથી રોજ કંઈક નવું નવું શીખવા મળે.. જુની વસ્તુનો ઉપયોગ કરી નવી કેમ બનાવાય.. રાંધવામાં અંદાજ કેમ કઢાય.. વધે ઘટે તો શું કરવું.. એવું બધું..”

પ્રિયા જમવા બેઠી.. જમી લીધું ત્યારે એના થાળી વાટકા સાવ ચોખ્ખા ચણાક થઈ ગયા.. સાથે જમનારા બધા હસ્યા.. “આ અહીં તો રોજ એઠું મુકતી.. હવે સાસુ જેવી લોભણી થઈ ગઈ..”

જમીને સૌ બેઠા હતા.. પ્રિયા દાદા પાસે બેઠી..

“જુઓ, એક ચીજ બતાવું..” એમ કહી એણે દશ ગ્રામ સોનાની એક લગડી કાઢી.. ” આ મારી સાસુએ મને આપી.. એણે મને કહ્યું કે.. બેટા, ઘરમાં છાનામાનું કંઈ સંઘરાય નહીં.. પણ ઘર વપરાશમાં કરકસર કરી, પૈસા બચાવી આ લગડી લીધી છે.. હવે ઘર તારે ચલાવવાનું છે.. એટલે આ તું રાખ.. ઘરમાં કંઈ આફત આવી પડે.. તો આ હથી આર કહેવાય..”

પ્રિયાને ખભે હાથ રાખી દાદા બોલ્યા.. મને તો સાચા સોનાની ત્રણ લગડી લાગે છે.. એક આ.., એક તારી સાસુ.., અને એક મારી આ દિકરી..

પ્રિયાએ.. મલકતા મોંએ દાદાના ખભાપર માથું ટેકવી દીધું..

– જયંતીલાલ ચૌહાણ ૨૬-૬-૨૧ (અમર કથાઓ ગ્રુપ)