ગુરુદક્ષિણા :
ચાર વાગી ગયા તોય અચુ બહાર ન આવી.. નયનાએ જઈને જોયું.. તે કાગળ-ચોપડા ફેંદી રહી છે..
નયનાએ પુછ્યું.. ” આજ કંઈ વધારે લેશન છે..? ”
” ના ભાભી.. કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા છે , મારે ભાગ લેવો છે.. પણ વિષયમાં સમજણ પડતી નથી. ને કોઈ પુસ્તકમાંથી પણ મળતું નથી..”
” શું વિષય છે? ”
” સમાજ અને નારી – પરસ્પર અપેક્ષાઓ ”
થોડું વિચારીને નયના બોલી.. ” અઘરું કાંઈ નથી.. ચાલ , હું તને મદદ કરું.. આપણી સાથે બીજા કેમ વરતે.. તો સારું લાગે.. તે નારીની અપેક્ષા.. ને આપણે કેમ રહીએ.. તો બીજાને સારું લાગે.. તે સમાજની અપેક્ષા.. ”
બન્નેએ મળીને પ્રવચનની નોંધ તૈયાર કરી.. કાર્યક્રમ આવ્યો ત્યાં સુધી રોજ બેવાર બોલવાની પ્રેક્ટીસ પણ કરી..
રવિવારે સાંજે કાર્યક્રમ થયો.. અચુ , નયનાને પણ સાથે લઈ ગઈ..
વક્તાઓ વારાફરતી બોલતા ગયા.. અચુનો વારો આવ્યો..
સાવ સાદા ને સ્વાભાવિક ભાવવાહી શબ્દોવાળું પ્રવચન પુરું કર્યું.. ત્યાં તો તાળીઓ પડી ગઈ..
પરિણામ જાહેર થયું.. અચુને પ્રથમ ક્રમની ટ્રોફી મળી..
પાછા વળતાં રસ્તામાં સ્કુટર રોકાવી , નયનાએ પેંડા લીધા.. ઘરે આવીને બધાના મોં મીઠા કરાવ્યાં.
અચુએ કહ્યું..” પપ્પા.. બધા મને શું પુછતા’તા કહું.. આવું ભાષણ તને શીખવ્યું કોણે? મેં કીધું.. મારી ભાભીએ..”
નયના બોલી.. “ ચાલ વખાણ પછી કરજે.. આપણે જલ્દીથી રસોઈ કરી નાખીએ..”
સાસુ બોલ્યા..” બેય જાવ.. હાથ-મોં ધોઈ આવો.. તમારે મોડું થશે.. એ મને ખબર હતી.. મેં રાંધી રાખ્યું છે.. જલ્દી આવો.. જમી લઈએ..”
બન્ને પોતપોતાના ઓરડામાં ગઈ..
નયના હાથ-મોં ધોઈને તૈયાર થઈ ગઈ.. ત્યાં અચુએ બોલાવી..
” ભાભી.. જરા અહીં આવો તો..”
તે અચુના ઓરડામાં ગઈ.. તે પણ તૈયાર થઈ ગઈ હતી..
” આમ સીધા ઉભા રહો..” અચુએ કહ્યું
નયનાને લાગ્યું .. કે આજે પણ કંઈક અટકચાળો કરવાનો ઈરાદો લાગે છે.. એટલે એક હાથ ઉગામ્યો..
” જો.. આજ ગાલ તાણ્યો છે ને.. તો જાપટ પડી જશે.. હો..”
અચુ નાટકીય અંદાજમાં બોલી..
” ગુરુદેવી.. આજ આ શિષ્યા વિજય કરીને આવી છે.. ને આપને ગુરુદક્ષિણા આપવા ઈચ્છે છે.. કૃપા કરીને સ્વીકાર કરો..”
એમ કહી .. એક ચુમી ..નયનાના ગાલ પર ચોડી દીધી…
– જયંતીલાલ ચૌહાણ ૮-૧૦-૨૦
પ્રતીકાત્મક ફોટાઓ