સોના રુપાની ઘંટડી ભાગ 3 : વાંચો પારિવારિક સંબંધ પર આધારિત રસપ્રદ ગુજરાતી લઘુકથા.

0
814

આંસુ :

કોલેજેથી આવીને અચુ હાથ-મોં ધોઈ , તૈયાર થઈ બેઠકમાં આવી.. ત્યાં એકલા મમ્મી બેઠા હતા.. નયનાને ન જોતાં પુછ્યું..

“મમ્મી.. ભાભી ક્યાં ગયા છે?”

“એ રહી એના ઓરડામાં. હાથ ભાંગીને બેઠી છે. સવારની એક વાત લઈને જ ઉભી હતી. દિવાળી આવે છે. ઘરમાં સફાઈ કરવી છે. મેં કીધું દર વરસે આવે છે એ બાઈઓ પાસે કરાવી લઈશું. પણ તું કે એ. કોઈ મારું કહ્યું થોડા માનો છો? ભાઈને બોલાવ્યો હતો. ડોક્ટરે પાટો બાંધી દીધો છે. તારા પપ્પાને તો ફોન પણ નથી કર્યો. એ આવશે ત્યારે મારી તો સાવ ધૂળ કાઢી નાખશે.” મમ્મીએ ઉકળાટો કાઢ્યો.

અચુ દોડતી નયનાના ઓરડામાં ગઈ. પડખે બેસી પાટાવાળો હાથ પકડી પંપાળ્યો. પછી સાવ મુંગે મુંગી નયનાના કપાળ પર હાથ ફેરવવા લાગી ને બેય આંખોમાંથી આંસુની ધાર ગાલ પર થઈને ટપકવા લાગી.

નયનાએ કહ્યું ” અચુ.. મને બહુ લાગ્યું નથી. થોડા દિવસમાં ઠીક થઈ જશે.”

પણ અચુની અશ્રુધારા અટકતી નહતી.

નયનાએ બુમ મારી..” મમ્મી.. એ મમ્મી..”

મમ્મી અંદર આવ્યા.

વાતાવરણ હળવું કરવા નયનાએ કહ્યું.

“મમ્મી.. તમે કહો છો ને કે અચુને કંઈ કામ સારી રીતે આવડતું નથી. પણ જુઓને.. એ કેવું સરસ મજાનું રડે છે.”

– જયંતીલાલ ચૌહાણ ૧૨-૧૦-૨૦