સોના રુપાની ઘંટડી ભાગ 4 : વાંચો પારિવારિક સંબંધ પર આધારિત રસપ્રદ ગુજરાતી લઘુકથા.

0
851

ભાગ 1 થી 3 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

કન્યા વિદાય :

નજીકના સગામાં દિકરીના લગ્ન હતાં. ઘરના બધા સહકુટુંબ વહેલાસર પહોંચી ગયા. નયનાને ઘણા સગાઓએ જોઈ જ ન હતી.

કેમ જાણે કોઈ કીમતી દાગીનો ઘડાવ્યો હોય. તેમ અચુ નયનાનો હાથ જાલી , બતાવવા લઈ ગઈ ને બધા મહેમાનોમાં ફરી વળી.

“આ મારી ભાભી… નયના.”

લગ્નના બધા પ્રસંગ- વિધિઓમાં બન્નેએ સાથે રહીને જ ભાગ લીધો.

રાત્રે દાંડીયા-રાસમાં પણ થાકી જવાય ત્યાં સુધી રમ્યા જ કર્યું.

અને કન્યા વિદાય વખતે બન્ને રડી પણ.

ઘરે પાછા આવીને બીજે દિવસે , બપોરના રસોઈ , સફાઈના કામકાજથી પરવારી બેય વાતોએ વળગી.

કાલના લગ્ન પ્રસંગમાં ખાવાપીવાની , રહેવાની , મહેમાનોની , કપડા લતાની , કોકની ચાગલાઈની… ખુબ વાતો કરી.

વિદાયની વાત કરતાં નયનાએ કહ્યું,

“કાલે બધા બહુ રોયા.”

અચુ બોલી ”ભાભી.. મારા લગ્ન થશે ને , ત્યારે હું એનાથી પણ વધુ રોઈશ. કહો કેમ?“

“પિયરનું ઘર આંગણું મુકીને દુર જવાનું થાય એટલે.” નયનાએ કહ્યું.

“ના.. એટલા માટે નહીં… પિયર છોડીને તો બધી જ જાય.”

“તો?“

અચુ બોલી, “એટલા માટે કે ત્યાં તમારા જેવી ભાભી ન હોયને.. એટલે.”

“બહુ ચાંપલી થા મા.. રહેવા દે.”

થોડીવારે અચુએ પાછું પુછ્યું,

“ભાભી.. તમારા લગ્ન થયા.. ત્યારે તમે પણ ખુબ રોયા હતા.. ખાલી દેખાવ કરવા.. કે સાચું-સાચું?“

“સાવ સાચું-સાચું… પુછ તો.. કેમ?”

“કહો જોઉં કેમ?“

“એમ.. કે મને ખબર પડી ગઈ હતી કે આખો દિવસ માથું ખાય તેવી અચુડી નામની છોકરી મારી નણંદ થવાની છે. હવે તું જા તારા ઓરડામાં ને મને થોડુંક સુવા દે.”

– જયંતીલાલ ચૌહાણ ૧૩-૧૦-૨૦

ભાગ 1 થી 3 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.