ભાગ 1 થી 4 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
લગ્નદિવસ :
સવારમાં ઉઠતાં વેંત જ નયના અચુ સાથે ઘુસપુસ કરવા લાગી. “વિનયે કહ્યું છે કે, આજે મમ્મી પપ્પાનો લગ્નદિવસ છે. આપણે સરપ્રાઈઝ આપવી છે. તમે બેય કંઈક વિચારી રાખજો.”
બન્ને ઘુસપુસ કરે છે. તે મમ્મીના ધ્યાન પર આવી ગયું.
બપોરે મમ્મી તેના ઓરડામાં સુઈ ગયા. તે ચેક કરી, બેય અચુના ઓરડામાં ઘુસી.
અચુએ કહ્યું ”ભાભી તમે કંઈક બહાનું કરી, ચારેક વાગે મમ્મીને બહાર મોકલી દો. આપણે હોલ શણગારશું. હું કેક લઈ આવીશ. ભાઈને કહી દેજો કે જરા વહેલા આવે.”
“ના અચુ.. લગ્નમાં કંસાર ખવડાવે.. હું ઘી-દુધ વાળો શીરો બનાવીશ.. તપેલીમાં ભરી, થાળીમાં ઉંધી વાળશું એટલે કેક જેવું જ થઈ જાય.”
બન્ને ચાર વાગવાની રાહ જોતી, જાગતી સુતી હતી. ત્યાં મમ્મીએ અવાજ માર્યો.. ”અચુ-નયના.. પપ્પાનો ફોન હતો. એક સંબંધીને ત્યાં જવાનું છે. હું ઓફીસે જાઉં છું. ત્યાંથી અમે કામ પતાવીને આવશું. મોડું થાય તો ચીંતા ના કરતા.”
ભાવતું હતું ને વૈદે બતાવ્યું એવું થયું. નયનાએ વિનયને ફોન કર્યો. વિનયે કહ્યું ”હું શણગારનો સામાન લઈ હમણાં આવું છું.”
ત્રણેય વળગી પડ્યા. હોલ શણગાર્યો. નયનાએ મોટી થાળીમાં કેક જેવા આકારનો શીરો બનાવ્યો. કાજુ, બદામ, પિસ્તાનો શણગાર કર્યો.
બધું તૈયાર હતું. મમ્મી પપ્પાના આવવાની રાહ હતી.
મમ્મી પપ્પા આવ્યા. ત્રણેય બારણા સામે ગોઠવાઈ ગયા.
બારણું ખુલતાં જ હેપ્પી મેરેજ ડે કહી તાળીઓનો ગગડાટ કર્યો. નયના-અચુએ ફુલના હાર પહેરાવ્યા.
“તમારું પુરું થયું. હવે અમારો વારો.” પપ્પાએ કહ્યું.
ડાબલીમાંથી બે વીંટી કાઢી. પપ્પાએ નયનાને ને મમ્મીએ અચુને પહેરાવી.
મમ્મીએ કહ્યું “બેય દિકરીઓને અમારી નાનકડી ભેટ.”
નયના પપ્પાને, અચુ મમ્મીને. એકદમ ભેટી પડી.
વિનયે ફોટા લીધા. મમ્મીએ ચોખવટ કરી ”તમે બેય ઘુસપુસ કરતી હતી. મેં તમારી વાતો છાનામાના સાંભળીને પપ્પાને ફોન કરી દીધો હતો.”
ખુબ આનંદથી ઉજવણી પુરી થઈ. મમ્મી પપ્પાને વિનય ઓરડામાં ગયા. પેલી બન્ને રસોડું ઠીકઠાક કરવા લાગી.
નયના બોલી “ખુબ મજા આવી ઉજવણીમાં. નહીં?“
અચુએ કહ્યું ”હા.. પણ હવે પછીની ઉજવણી ક્યારે ગોઠવો છો?“
નયના સમજી ગઈ.. “ત્રણ વરસ પહેલાં તો નહીં. ને તારે ઉજવણીની ઉતાવળ હોય તો પપ્પાને કહું, છોકરો શોધવા માંડે. લગ્નની ઉજવણી ગોઠવીએ.”
અચુએ ખોંખારો ખાધો. બોલી.. ”તો… સુનો નયનાજી.. ઔર જાકે અપને સસુરસે ભી કહદો… કિ યે અચુડી.. ફઈ બનનેકે પહલે.. સસુરાલ નહીં જાયેગી.”
“અલી.. હિન્દીમાં ફઈ નહીં.. ફુફી.. કહેવાય.”
બન્ને ખડખડાટ હસી.
હસવાનો અવાજ સાંભળી પપ્પાએ મમ્મીને કહ્યું ”જો તારી સોના રુપાની ઘંટડીઓ રસોડામાં વગડે છે.”
– જયંતીલાલ ચૌહાણ ૧૫-૧૦-૨૦
ભાગ 1 થી 4 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.