સોના રુપાની ઘંટડી ભાગ 6 : વાંચો પારિવારિક સંબંધ પર આધારિત રસપ્રદ ગુજરાતી લઘુકથા.

0
1224

ભાગ 1 થી 5 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

લેપ્સીયન લાડુ :

ઘરે આવેલા પાડોશી બેનને આવકારો આપી મમ્મી પાસે બેસાડ્યા. અચુ ને નયના બીજી ખુરસીમાં બેઠી.

“માસી.. મારે છુટી લાપસી કરવી છે. મારા સાસુ પાસેથી શીખી તો છું. પણ હવે ભુલાઈ ગયું. તમે સમજાવો ને.”

લોટ, ગોળ વિગેરે સામગ્રીનું માપ અને રાંધવાની રીત વિગેરે એણે સારી રીતે સમજી લીધા.

પેલી બેય પણ ધ્યાન દઈને સાંભળતી હતી.

સાંજે એ બેન મોટો વાટકો ભરી આવ્યા. “જુઓ માસી, બરાબર થઈ છે ને?“

“ફુંક મારતાં ઉડે તેવી બરાબર.. સરસ થઈ છે.”

જમતી વખતે બધાને થોડી થોડી ચાખવા મળી.

થોડા દિવસ પછી અચુને શુરાતન ચડ્યું. “ભાભી.. આજે આપણે છુટી લાપસી બનાવીએ.“

“ભલે. પણ મેં કયારેય બનાવી નથી. મમ્મીને પુછી લઈશ.”

“તે દિવસ તો મમ્મીએ સમજાવ્યું હતું. પાછું શું પુછ-પુછ કરવું. મને બધું યાદ છે.“ અચુએ કહ્યું.

સાંજના રસોઈ ટાણે કામગીરી ચાલુ કરી. બધી સામગ્રી માપી માપીને લીધી. યાદ રાખેલ રીત પ્રમાણે આંધણ મુકી, પાકવા દીધી.

“હવે તૈયાર થઈ ગઈ હશે.” એમ કહી અચુએ ઢાંકણ ખોલ્યું.

“અરરર ભાભી. આ તો પીંડો થઈ ગઈ. હવે શું કરશું?“

નયનાએ ચાખી જોઈ. “અચુ, સ્વાદમાં તો સારી છે.. હો.. ચાલ આનું કંઈક નવિન કરીએ.”

બેયે મળી થોડા સીંગદાણા સેક્યા. ફોતરા કાઢી, કરકરો ભુકો કર્યો ને પીંડામાં ભેળવ્યો. ઘણી ચીકાશ ઓછી થઈ.

“ભાભી.. આ તો ચાલે તેવું છે.” ચાખીને અચુ બોલી.

“ના.. હવે તો પુરું જ કરીએ. આમાં થોડી કિસમીસ ઉમેરીએ. એલચી વાટીને ભેળવી દઈએ. લાડુ વાળીને ટોપરાના ખમણમાં રોળી દઈએ એટલે થાળીમાં ચોંટશે નહીં.” નયનાએ કહ્યું.

બન્ને મળી કામગીરી પુરી કરી. મસ્ત સ્વાદિષ્ટ લાડુ તૈયાર.

“અચુ, આનું નામ શું રાખશું?“

“લાડુ તો છે.. ઈટાલીયન, રશીયન કે હંગેરીયન કહી દઈએ.”

“ના, એમાં તો ખબર પડી જાય. ત્યાં કોઈ લાડુ ખાતા નથી. આ લાપસીમાંથી થયા એટલે લેપ્સીયન લાડુ કહીએ તો?“

“બીલકુલ બરાબર ભાભી.”

જમતાં જમતાં પપ્પાએ કહ્યું “આવા લાડુ તો પહેલી વાર ખાધા. પણ આનું નામ શું?“

“લેપ્સીયન લાડુ.“ અચુએ કહ્યું.

મમ્મી ધીમું ધીમું મલકે છે એ વિનયે જોયું.

“મમ્મી.. શું વાત છે? કહોને.“

મમ્મીએ હસતાં હસતાં કહ્યું “તે દિવસે બાજુવાળા બેનની લાપસી ચાખી હતી. આજે આ બેયને છુટી લાપસીનો ઉધામો ચડ્યો હતો. આ છે એની છુટી લાપસી.“

અચુએ ફરીયાદ કરી “પપ્પા.. મમ્મીને કહોને કે અમારી જાસુસી ના કરે.“

– જયંતીલાલ ચૌહાણ ૧૭-૧૦-૨૦

ભાગ 1 થી 5 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.