સોના રુપાની ઘંટડી ભાગ 8 : વાંચો પારિવારિક સંબંધ પર આધારિત રસપ્રદ ગુજરાતી લઘુકથા.

0
1147

ભાગ 1 થી 7 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

કાવતરું :

હર્ષદભાઈ અને નીતાબેનનો ખુબ આગ્રહ હતો એટલે નયનાના પપ્પા-મમ્મી કિશોરભાઈ અને રસીલાબેન લગ્ન પ્રસંગ પછી પહેલી વાર આંટો મારવા આવ્યા.

બેઠકની ટિપાઈ પર પેકેટ મુકતાં કિશોરભાઈ બોલ્યા “ હર્ષદભાઈ.. આ દહેજનો એક પ્રકાર નથી. પણ તમારા જેવા સિધ્ધાન્તવાદીનું ભલું પુછવું.”

રસીલાબેને પેકેટ ખોલ્યું “આ હર્ષદભાઈ માટે.. આ નીતાબેન.. આ વિનય.. આ નયના.. ને આ અર્ચના માટે.”

બધા માટે કપડાની એક એક જોડી હતી. સૌએ રસપૂર્વક કપડા જોયા.

“મમ્મી..” નયના બોલી, ત્યાં તો બેઉએ સામું જોયું. એટલે એણે હસીને ચોખવટ કરી. “થોડા દિવસ માટે એકને મમ્મી.. ને એકને મમ્મીજી.. કહીશ.”

ફરી બોલી.. “ મમ્મીજી.. જુઓ, આજે અચુને મારે રડાવવી છે.”

ભેટના પેકેટ લઈ.. ઓરડામાં ગઈ, બધા પેકેટ પર નામ લખી આવી. અચુના પેકેટ પર લખ્યું ‘રાધીકા’… પેકેટ પાછા ટીપાઈ પર મુકી દીધાં.

બધા વાતો કરતાં બેઠાં હતાં, ત્યાં અચુ કોલેજેથી આવી. મહેમાનોને મળી.. હાથમોં ધોઈ.. તૈયાર થઈ બેઠકમાં આવી. નયના પાસે બેઠી.

સામે પડેલ પેકેટ જોયાં. નામ વાંચ્યા પછી પોતાના નામ વાળું પેકેટ શોધવા લાગી પણ ના મળ્યું.

“ભાભી.. આ રાધીકા કોણ છે?“

“મારા પપ્પાના સાહેબની દિકરી..મારી બચપણની સહીયર. અહીં જ સાસરે છે.”

નયના ત્રાંસી નજરે તેના ચહેરા તરફ જોતી રહી. શું અસર થઈ તે જોવા.

થોડીવારે. અચુએ નયનાનો ફોન લીધો. આડાસવળું કંઈક કર્યું ને કાને ધર્યો.

“હેલો… રાધીકાબેન.. હું તમારી બેનપણી નયનાની નણંદ અર્ચના બોલું છું. ભાભીના મમ્મી પપ્પા આવ્યા છે. તમારા માટે એક ડ્રેસ લાવ્યા છે. પણ રાધીકાબેન. આ ડ્રેસ મને બહુ ગમે છે. એટલે હું રાખી લઉં છું. તમારા માટે બીજો ડ્રેસ ભાભી સાથે મોકલીશ. પ્લીઝ.. ના ન કહેતા.. હા.. તો .. . ખુબ ખુબ આભાર.”

અચુ પેકેટ લઈ અંદર ગઈ. ડ્રેસ પહેરીને બહાર આવી.. ”જુઓ હું કેવી સરસ દેખાઉં છું.”

પછી કિશોરભાઈ તરફ જોઈને બોલી “માસા.. તમારી દિકરીને હવે હું પુરેપુરી ઓળખી ગઈ છું. રાધીકા-ફાધીકા કોઈ નથી ને એનો કોઈ નંબર ફોનમાં નથી. આ તો મને ચીડવવાનું ને રડાવવાનું એનું કાવતરું મને સમજાઈ ગયું હતું. એટલે મેં પણ ફોનનું નાટક કર્યું. આ ડ્રેસ તો તમે મારા માટે જ લાવ્યા છો. ખરું ને?“

બધા હસી પડ્યા.

રસીલાબેન બોલ્યા.. “નીતાબેન.. હવે નયના આંટો આવે ત્યારે એની આ બેનપણી રાધીકાને પણ સાથે મોકલજો.“

– જયંતીલાલ ચૌહાણ ૨૨-૧૦-૨૦

ભાગ 1 થી 7 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.