સોના રુપાની ઘંટડી ભાગ 1 : વાંચો પારિવારિક સંબંધ પર આધારિત રસપ્રદ ગુજરાતી લઘુકથા.

0
1170

સાસરે ગયેલી નયનાને થોડા સમયમાં જ લાગ્યું કે અહીં બીજા કરતાં કંઈક ફરક છે.

ત્રીજે-ચોથે દિવસે જ નણંદે સસરાને ફરીયાદ કરી.

” ભાભીને કંઈક કહોને.. મને બહેન-બહેન ના કરે.. ખાલી અચુ જ કહે.. મારી બહેનપણીઓ મને ચીડવે છે.. કે .. અચુડી મોટી બહેન થઈ ગઈ.”

કોલેજમાં ભણતી નણંદ અર્ચના નયનાથી ચારેક વર્ષ નાની હતી.

તો થોડા દિવસમાં એવું થયું.. ગલીમાં શાકવાળો આવ્યો હતો..

તેણે સાસુને કહ્યું ” મમ્મી ફ્રીજમાં કંઈ શાક નથી.. બે-ચાર જાતના લઈ આવોને..”

સાસુ તેને કબાટ તરફ દોરી ગયા.. એક ખાનું ખોલી બતાવ્યું..

” જો.. આમાં ઘર વપરાશના પૈસા છે.. તને ગમે તેવું શાક લઈ આવ.. ને કરિયાણાની દુકાન પણ ચોકમાં છે.. જે ઘટે તે લઈ આવવું.. થેલી-થેલકાં ભરી લાવવાનું કામ હું હવે નહીં કરું..”

સસરા ઓફીસે જાય ત્યારે તે પુછતી..” પપ્પા.. રાત્રે શું બનાવું? ”

એણે પણ કહી દીધું..” બેટા , મને સરપ્રાઈઝની ડીશ બહુ પસંદ છે.. તને ગમે.. તે બનાવવું.. સરખા પાંચ ભાગ કરવા.. ને એક ભાગ મારી થાળીમાં..”

ને એક દિવસ વળી એવું થયું.. અચુ કોલેજથી આવી.. નયનાએ બારણું ખોલ્યું.. અચુ તેના ચહેરા સામું જોતી રહી.. પોતાનો થેલો એકતરફ રાખી, નયનાના હાથ નીચે તરફ સીધા રખાવી, ઉભી રાખી… તેને થયું કે મારો ફોટો પાડવો છે.. કે શું? ત્યાં તો અચુએ બરાબર સામે ઉભા રહી.. હળવેથી બન્ને હાથ તેના ગાલપર ફેરવ્યા…

બોલી..” ભાભી.. તમારા ગાલ બહુ મસ્ત છે..”

ને તરત જ બેય ગાલ જોરથી ખેંચ્યા.. નયનાથી ચીસ પડાઈ ગઈ.. “ એય.. અચુડી…”

રાતે જમતી વખતે અચુ અહેવાલ આપવા લાગી..” પપ્પા… આજે તો મઝા પડી ગઈ.. ભાભીએ મને અચુડી.. કીધી.. સવારે છે.. ને..”

તે વધુ બોલે તે પહેલાં જ પપ્પાએ અટકાવી..” બસ રહેવા દે.. મારે કંઈ સાંભળવું નથી.. તેં એને ખુબ પજવી હશે.. સાવ અમથી.. અચુડી ના કહે..”

સમય વિતતો ગયો.. સાસુ-સસરા ફળીયામાં બેસી વાતો કરી રહ્યા હતાં..

સસરા બોલ્યા..” આપણે ઘણા નસીબદાર છીએ.. નયના કેટલી ધીર-ગંભીર ને સરળ છે.. તારો બધો ભાર ઉપાડી લીધો..”

સાસુ બોલ્યા..” રહેવા દો.. એ તો તમારી પાસે ડાહી-ડમરી થઈને ફરે છે.. બાકી અચુ કરતાં ય સવાઈ તોફાની છે.. બેય મળીને રોજ કંઈક નવા ફતુર કરી મને હેરાન હેરાન કરી મુકે છે.. હું ગોટે ચડું ને રઘવાઈ થાઉં.. ને એ બેય ખડખડ હશે..”

બે-એક શ્વાસ લઈ આગળ બોલ્યા..” સાચું કહું… એ બેય હસે છે ને… ત્યારે મને અંદરથી એમ લાગે છે.. કે.. હું ભગવાનની પુજા કરું છું.. નેએક સોનાની.. ને એક રુપાની.. એમ બે ઘંટડીઓ વગડે છે…”

– જયંતીલાલ ચૌહાણ ૪-૧૦-૨૦

પ્રતીકાત્મક ફોટાઓ